મુંબઈ: મહા વિકાસ આઘાડી બુધવારે ગેરંટી જાહેર કરશે જેમાં કૃષિ લોન માફી, આરોગ્ય વીમો જેવી બાબતોનો સમાવેશ થવાની સંભાવના છે, સૂત્રો એમ પણ કહે છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી પણ ગેરંટીનો એક ભાગ હોઈ શકે છે, તેઓ એમ પણ કહે છે કે મહા વિકાસ આઘાડી (એમવીએ) ગઠબંધન ઓછામાં ઓછી પાંચ કલ્યાણ યોજનાઓ બુધવારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા જાહેર કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમમાં કર્ણાટકમાં ગૃહ લક્ષ્મી યોજના જેવી જ કલ્યાણ યોજના સહિત અનેક મોટી યોજનાઓની જાહેરાત થવાની અપેક્ષા છે.
કૃષિ લોન માફી યોજના અને મહાયુતિ સરકારની લાડકી બહેન યોજનાનો સામનો કરી શકે એવી યોજનાની પણ એમવીએ પક્ષો દ્વારા જાહેરાત કરવામાં આવે તેવી અપેક્ષા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આપણ વાંચો: મહાવિકાસ આઘાડીમાં કોઈ મૈત્રીપૂર્ણ લડાઈ નહીં: કોંગ્રેસના મોટા નેતાનું મોટું નિવેદન
મહાયુતિ દ્વારા જુલાઈ 2024માં ‘મુખ્ય પ્રધાન માઝી લાડકી બહિણ યોજના’ શરૂ કરવામાં આવી હતી અને તેનો ઉદ્દેશ સમગ્ર મહારાષ્ટ્રમાં મહિલાઓને ટેકો આપવાનો છે. આ યોજનામાં અત્યાર સુધીમાં 2.34 કરોડથી વધુ મહિલાઓને ફાયદો થયો છે.
યોજના હેઠળ દરેક લાભાર્થીને દર મહિને રૂ. 1,500 મળે છે. દરમિયાન ગૃહ લક્ષ્મી યોજના હેઠળ કર્ણાટકમાં ઘરની કર્તા મહિલાઓને 2000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે.
બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) ખાતે યોજાનારા એક કાર્યક્રમમાં એમવીએ દ્વારા શક્તિના પ્રદર્શન તરીકે આ ગેરેન્ટી યોજના કામ કરશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
આ કાર્યક્રમમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સંસદમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી, એનસીપી (એસપી)ના વડા શરદ પવાર અને શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે હાજરી આપે તેવી અપેક્ષા છે.
રાજસ્થાનમાં રજૂ કરાયેલી ચિરંજીવી યોજના જેવી જ 25 લાખ રૂપિયાની આરોગ્ય વીમા યોજના પણ સંભવિત ગેરંટીઓમાંની એક હોઈ શકે છે, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, યાદીમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો પણ ઉલ્લેખ કરવામાં આવશે.
શિવસેના (યુબીટી), કોંગ્રેસ અને એનસીપી (એસપી) મહારાષ્ટ્રમાં દરેક 85 બેઠકો પર ચૂંટણી લડશે.
288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બરે એક જ તબક્કામાં યોજાશે અને 23 નવેમ્બરે પરિણામો જાહેર કરવામાં આવશે. (પીટીઆઈ)