અમદાવાદઃ અમેરિકામાં ટ્રમ્પ વહીવટી તંત્રએ 33 ગુજરાતી સહિત 104 ગેરકાયદે ભારતીયઓને હાથકડી અને પગમાં સાંકળ પહેરાવીને અપમાનજનક રીતે દેશનિકાલ કરતા ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. આ સાથે જ અમેરિકામાં ગેરકાયદે ઘૂસાડતા એજન્ટોના નેટવર્કનો ઘટસ્ફોટ થયો છે. લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘુસણઘોરી કરાવતા એજન્ટો સામે સરકારે કાર્યવાહી હાથ ધરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ (Enforcement Directorate-ED) કહ્યું હતું કે, તે અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસનારા 4200 ભારતીયોની તપાસ કરી રહી છે અને 8500 નાણાકીય વ્યવહારો પર તેની ચાંપતી નજર હોવાનું કહ્યું હતું.
Also work : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં
2023માં નોંધેલી FIRની તપાસ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસની ક્રાઈમ બ્રાન્ચે કેનેડાની સરહદે ડિંગુચા ગામના એક જ પરિવારના ચાર લોકોના મોતના પગલે 2023માં નોંધેલી એફઆઈઆરને ધ્યાનમાં લઈને એન્ટી-મની લોન્ડરિંગ કાયદા હેઠળ તેમણે તપાસ હાથ ધરી હતી, જેમાં ગુજરાતથી કેનેડા સ્થિત વિવિધ કોલેજોમાં કરાયેલા 8500થી વધુ નાણાકીય વ્યવ્હારો શંકાસ્પદ હોવાનું જણાયું હતું.
4000થી વધુ શંકાસ્પદ લેવડ-દેવડ
ગુજરાત અને પંજાબ સ્થિત એજન્ટો વિરુદ્ધ ચાલી રહેલી તપાસ હેઠળ ઈડીને ભારતીયોને કેનેડા મોકલવા અને ત્યાંથી અમેરિકા લઈ જવા સંબંધિત 4000થી વધુ શંકાસ્પદ લેવડ-દેવડ જાણવા મળી હતી. આ એજન્ટ્સ નિયમિતરૂપે અલગ અલગ માર્ગથી લોકોને ગેરકાયદે રીતે અમેરિકા મોકલે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિદેશમાં ભંડોળ મોકલતી કેટલીક આંતરરાષ્ટ્રીય કંપનીઓ પર તેની ચાંપતી નજર છે. ઈડીએ એક વર્ષમાં 35 દરોડા પાડયા હતા અને રૂ. 92 લાખની સંપત્તિ જપ્ત કરી હતી.
ભારતમાં 3500 એજન્ટ્સ
તપાસ એજન્સીએ વધુમાં જણાવ્યું હતું કે, તેની તપાસમાં જણાયું છે કે ગુજરાતમાં અંદાજે 1700 એજન્ટ્સ અને સમગ્ર ભારતમાં અંદાજે 3500 એજન્ટ્સ ભારતીયોને અમેરિકામાં ગેરકાયદે ઘૂસાડવાનું કામ કરતા હોવાનું મનાય છે, જેમાંથી 800 એક્ટિવ છે. આ સિવાય કેનેડામાં 112 કોલેજોએ એક કંપની અને અન્ય કંપની સાથે 150થી વધુ કોલેજો સાથે વિદ્યાર્થીઓના પ્રવેશ માટે કરાર કર્યા છે. જેમને પાછળથી ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસાડવામાં આવે છે.
Also work : અસારવા સિવિલ હૉસ્પિટલ ખાતે CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સર્જિકલ રોબોટનું લોકાર્પણ…
370 લોકો ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસ્યા
ઈડીની તપાસ રિપોર્ટમાં જણાવાયું હતું કે, તપાસ દરમિયાન જણાયું કે, કેનેડા સ્થિત કોલેજોને ફીની ચૂકવણી એબિક્સકેશના માધ્યમથી કરાતી હતી, જે નાણાકીય સર્વિસ કંપની છે અને વિદેશમાં નાણાં મોકલવાની સુવિધા પૂરી પાડે છે. એબિક્સકેશની પૂછપરછ કરતા જણાયું કે, 7 ડિસેમ્બર 2021થી 9 ઑગસ્ટ 2024 સુધી ગુજરાતના વિદ્યાર્થીઓ તરફથી કેનેડા સ્થિત વિવિધ કોલેજોમાં 8500માંથી લગભગ 4300ની ડુપ્લિકેટ લેવડદેવડ થઈ હતી, જે દર્શાવે છે કે એક જ વ્યક્તિ સાથે બે વખત લેવડ-દેવડ થઈ હતી. ઈડીને શંકા છે કે આ એક જ મોડસ ઓપરેન્ડીથી 370 લોકો ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસ્યા હતા.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને