એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
હિંદી ફિલ્મોના જાણીતા અભિનેતા સૈફ અલી ખાન પર બુધવારે રાત્રે લગભગ 2:30 વાગ્યે મુંબઈના ખાર સ્થિત ઘરે છરી વડે હુમલો કરવામાં આવ્યો એ ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. હુમલાખોરે સૈફની ગરદન, પીઠ, હાથ અને માથા પર છરીના છ ઘા માર્યા હતા ને આ ઘટના બની ત્યારે અડધી રાત હતી તેથી ઘરે કોઈ હાજર નહોતું. સૈફનો દીકરો ઈબ્રાહીમ લોહી નિંગળતી હાલતમાં સૈફને વહેલી સવારે 3:30 વાગ્યે લીલાવતી હોસ્પિટલમાં લઈ ગયો અને સદનસીબે તેની તાત્કાલિક સારવાર કરવામાં આવી તેથી કશું ના થયું.
જો કે સૈફની ઈજા ગંભીર હોવાથી તેના પર સર્જરી કરવી પડી. લીલાવતી હોસ્પિટલના ચીફ ઓપરેટિગ ઓફિસર ડો. નીરજ ઉત્તમાણીએ આપેલી માહિતી પ્રમાણે, સૈફ પર છ વખત છરી વડે હુમલો કર્યો હતો અને તેમાંથી બે ઘા ઊંડા હતા. આ પૈકી એક ઘા કરોડરજજુની નજીક થયો હતો તેથી ઓપરેશન કરવું પડ્યું. આ ઓપરેશન સફળ થતાં સૈફ ખતરાથી બહાર છે તેથી તેના ચાહકોને હાશકારો થયો છે પણ આ હુમલાના કારણે રાજકીય આક્ષેપબાજી પણ શરૂ થઈ ગઈ છે.
હમણાં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ ચાલે છે અને ભાજપ તથા આમ આદમી પાર્ટી વચ્ચે બરાબર જામેલી છે. મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર છે તેથી આમ આદમી પાર્ટીના મુખિયા અરવિંદ કેજરીવાલે તક ઝડપીને જાહેર કરી દીધું કે, ભાજપ મોટી મોટી વાતો કરે છે પણ દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા જાળવી શકતો નથી. હવે મુંબઈમાં ભાજપની સરકાર છે તો મુંબઈ પણ અસુરક્ષિત શહેર બની ગયું છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ પણ આ વાતમાં સૂર પુરાવ્યો છે અને બીજા વિપક્ષો પણ મચી પડ્યા છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સ્વાભાવિક રીતે જ બચાવમાં ઉતર્યા છે. ફડણવીસના કહેવા પ્રમાણે, સૈફ અલી ખાન પર થયેલા હુમલાના આધારે મુંબઈને “અસુરક્ષિત શહેર” ન કહી શકાય. બાંદ્રામાં સૈફ અલી ખાન પર થયેલો હુમલો ગંભીર ઘટના છે પણ માત્ર એક ઘટનાના આધારે મુંબઈ શહેર અસુરક્ષિત છે એમ કહેવું ખોટું છે. મુંબઈ ભારતનું મેગાસિટી છે અને સૌથી સુરક્ષિત શહેર છે.
ફડણવીસની વાત સાચી છે. સૈફ અલી ખાન પર થયેલા હુમલાની ઘટનાને ચોક્કસ ગંભીર ગણાવી શકાય કેમ કે સૈફ સેલિબ્રિટી છે અને હુમલાખોરે તેના ઘરમાં ઘૂસીને હુમલો કર્યો છે પણ આ ઘટનાના કારણે મુંબઈ અસુરક્ષિત નથી બની જતું. સૈફ અલી ખાન મુંબઈના પોશ વિસ્તારમાં રહે છે અને પોશ વિસ્તારની પોશ કોલોનીમાં રહે છે. આ કોલોનીની સુરક્ષા માટે પોતાની વ્યવસ્થા છે. સૈફ રહે છે એ બિલ્ડિંગમાં બીજી પણ ઘણી સેલિબ્રિટી રહે છે અને તેમની સુરક્ષા માટે સામાન્ય રહેણાંક વિસ્તારો કરતાં વધારે પાકો બંદોબસ્ત છે જ. સોસાયટીએ પોતે મોટી સંખ્યામાં સિક્યુરિટી ગાર્ડ્સ રાખ્યા છે અને સીસીટીવી સહિતની સર્વેલન્સ સિસ્ટમ પણ છે.
સૈફના મકાનમાં ઘૂસેલો હુમલાખોર કઈ રીતે ઘૂસ્યો એ મોટો સવાલ છે. કોઈએ બળજબરીથી ઘરમાં પ્રવેશ કર્યો નથી કે સીસીટીવીમાં પણ કોઈ ઘરમાં પ્રવેશતું દેખાતું નથી એ જોતાં હુમલાખોરની ઘરમાં એન્ટ્રી વિશે સવાલો ઊઠે છે. સૈફ જડબેસલાક સિક્યુરિટી ધરાવતી સોસાયટીમાં રહે છે ત્યારે હુમલાખોર સોસાયટીમાં કેવી રીતે પ્રવેશ્યો અને પછી હુમલો કરીને ભારે ધમાધમી છતાં કેવી રીતે ભાગી શક્યો એ જ સવાલનો જવાબ નથી મળતો.
આ કેસમાં સૈફના ઘરમાં કામ કરતી નોકરાણીઓનાં નિવેદનો પણ શંકાસ્પદ છે. સૈફ અલી ખાનના ઘરમાં કામ કરતી નોકરાણીના કહેવા પ્રમાણે 35થી 40 વર્ષની ઉંમરની એક અજાણી વ્યક્તિએ તેને તીક્ષ્ણ હથિયાર બતાવીને ચૂપ રહેવા કહ્યું હતું. એ દરમિયાન બીજી નોકરાણી આવી ગઈ તો તેને પણ ધમકાવીને હુમલાખોરે એક કરોડ રૂપિયા માગ્યા હતા. આ દરમિયાન સૈફ અલી ખાન ત્યાં પહોંચી જતાં યુવક અને સૈફ વચ્ચે ઝપાઝપી થઈ તેમાં યુવકે સૈફને છ જગ્યાએ છરી મારી દીધી.
હુમલાખોરનું તીક્ષ્ણ હથિયાર સૈફના શરીરમાં ફસાઈ ગયું હતું તેથી હુમલાખોર નિ:શસ્ત્ર થઈ ગયો તેનો લાભ લઈને નોકરાણીઓએ આરોપીને બીજા રૂમમાં બંધ કરી દીધો હતો એવું તેમનું નિવેદન છે. જો કે સૈફ ગંભીર રીતે ઘાયલ થયો હતો તેથી નોકરાણીએ ઉપરના માળે રહેતાં સૈફનાં સંતાનો ઇબ્રાહીમ અને સારા અલી ખાનને જાણ કરી. ઈબ્રાહીમ અને સારા સૈફ અલી ખાનને ઓટોરિક્ષામાં હોસ્પિટલ લઈ ગયાં હતાં પણ એ દરમિયાન રૂમમાં પૂરેલો હુમલાખોર કઈ રીતે છટકી ગયો એ સવાલ છે. પોલીસને મળેલા સીસીટીવી ફૂટેજમાં હુમલાખોર સીડી પરથી નીચે ઊતરતો દેખાય છે. હુમલાખોર સૈફના ઘરમાંથી સીડી પર કઈ રીતે પહોંચી ગયો એ પણ મોટો સવાલ છે.
આ બધી વાતો પરથી બીજું કંઈ કહીએ કે ના કહીએ પણ એટલું ચોક્કસ કહી શકાય કે, આ કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન નથી તેથી મુંબઈ સુરક્ષિત નથી એવું કહેવું બુદ્ધિનું પ્રદર્શન છે. જે નિષ્ફળતા છે એ સૈફ અલી ખાનની સોસાયટીની સુરક્ષા સાથે સંકળાયેલાં લોકોની છે, પોલીસની નથી. જો કે તેમાં પણ હુમલાખોરની સૈફના ઘરમાં એન્ટ્રીના મુદ્દે હજુ ઘણા સવાલોના જવાબ મેળવવાના બાકી છે તેથી ખરેખર કોની નિષ્ફળતા છે એ કહેવું વહેલું છે.
તમે દિલ્હીને ચોક્કસ અસુરક્ષિત શહેર કહી શકો કેમ કે દિલ્હીમાં રાત્રે બહાર નીકળવું સુરક્ષિત નથી ગણાતું. તેમાં પણ છોકરીઓ તો બહાર નીકળે તો તો આવી જ બને એવી જ છાપ છે. આ સ્થિતિ પાછી આખા દિલ્હીમાં નથી પણ ચોક્કસ વિસ્તારોમાં જ છે. અલબત્ત એ વિસ્તારોમાં આ પ્રકારની ઘટનાઓ બહુ વધારે બને છે તેથી આખા દિલ્હીની છાપ અસુરક્ષિત શહેર તરીકેની થઈ ગઈ છે પણ અસુરક્ષિત તો આખું દિલ્હી પણ નથી. મુંબઈમાં તો ચોક્કસ વિસ્તારોમાં પણ દિલ્હી જેવી ઘટનાઓ નથી બનતી તેથી મુંબઈને અસુરક્ષિત ના કહી શકાય.
દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી કેન્દ્ર સરકારની છે તેથી કેજરીવાલ દિલ્હીની ચૂંટણીમાં દિલ્હીમાં સુરક્ષા નથી એ મુદ્દો ઉઠાવે એ સમજી શકાય પણ મુંબઈને અસુરક્ષિત શહેર ગણાવે એ વધારે પડતું છે. રાજકારણમાં આક્ષેપબાજી થયા કરતી હોય છે ને ચૂંટણી ટાણે વધારે થાય છે પણ તેના કારણે બીજા શહેરને બદનામ કરવું યોગ્ય નથી. મુંબઈ તો દેશનાં બીજાં મોટાં શહેરોની સરખામણીમાં પહેલાં પણ વધારે સુરક્ષિત હતું ને આજે પણ વધારે સુરક્ષિત છે જ.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને