Amreli Letter Kand Updates:અમરેલી લેટર કાંડ મુદ્દે પાટીદાર યુવતીને ન્યાય અપાવવા ધરણાં પર બેઠેલા કૉંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ શનિવારે બપોર સુધી સ્વૈચ્છિક અમરેલી બંધનું એલાન આપ્યું હતું. જોકે આ બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અમરેલીમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આગામી 22મી તારીખ સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે.
ધરણાં પૂરા થયા, હવે ન્યાયની લડાઈની શરૂઆતઃ ધાનાણી અમરેલી લેટર કાંડને લઈ પૂર્વ વિપક્ષ નેતાના ધરણાં આજે પૂર્ણ થયા હતા. જે બાદ તેમણે કહ્યું, સુરતમાં સોમવારે ધરણાં કરીને લડાઇને આગળ ધપાવીશું. સામાજીક, રાજકીય લોકો જોડાઈને તેમાં સહકાર આપે. જવાબદારો સામે સરકાર પગલાં ભરે તેવી સીએમને અપીલ કરું છું. ન્યાયની અપીલમાં ગુજરાતના લોકોને જોડાવા અપીલ કરું છું.
Also read: લેટર કાંડઃ આવતીકાલે અમરેલી બંધ, ધાનાણીએ કોના નાર્કોટેસ્ટની કરી માંગ?
ધાનાણીએ કરી હતી વેકરીયાના નાર્કો ટેસ્ટની માંગ પરેશ ધાનાણીએ સમગ્ર ઘટના જેના ઈશારે બની છે તેવા અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયાનો નાર્કો ટેસ્ટ કરાવવાની માંગ કરી હતી. જે બાદ તેમણે અમરેલીના એસપી અને પોલીસ તંત્રને હર્ષ સંઘવીએ કોના ઈશારે સૂચનાઓ આપી અને વરઘોડો કઢાવ્યો તેવો વેધક સવાલ કર્યો હતો. પરેશ ધાનાણીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી,નાયબ દંડક કૌશિક વેકરીયા, એસપી આ ત્રણને કેટલી વખત વોટ્સએપ કોલ ઉપર વાત થઈ તે તપાસ કરાવો તેવી માગ કરી હતી.
શું હતો સમગ્ર મામલો
અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડ કાંડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરીયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારા ભાજપના પૂર્વ હોદ્દેદાર સહિત ચાર કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે લેટર કાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઇપિસ્ટનું કામ કરતી પાટીદારની યુવતી પાયલ ગોટીનું સરઘસ કાઢ્યું હતું, જેનો ભારે વિરોધ થયો હતો. જે બાદ ત્રીજી જાન્યુઆરીએ આ પાટીદાર યુવતીની જામીન અરજીને લઈને સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે યુવતીના જામીન મંજૂર કર્યા હતા. સેશન્સ કોર્ટે 15 હજારના બૉન્ડ પર પાયલ ગોટીને રેગ્યુલર જામીન આપ્યા હતા. જે બાદ કૉંગ્રેસ દ્વારા પાટીદાર દીકરીના વરઘોડાને લઈ વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને