શરદ જોશી સ્પીકિંગ – સંજય છેલ
કાલે ફરી એકવાર ગાંધીજીની પુણ્યતિથિ ગઇ. શું છે કે 1980નાં દાયકાની એક જાણીતી વાત છે કે વર્ષોથી મહારાષ્ટ્રના વર્ધા શહેરમાં `ગાંધી જિલ્લો’ બનાવવાની જે વાત ચાલી રહી હતી એ આખરે પડતી મુકાઇ અને ગાંધી જિલ્લો છેવટે ના જ બની શક્યો. એનું કારણ એ છે કે સરકાર તરફથી જે 187 કરોડ રૂપિયા આવવાના હતા તે આવ્યા નથી.
બોલો, છે ને આ મજેદાર વાત! ગાંધીજી જેવા સાદગીના પ્રતીક માટેના ગાંધી જિલ્લા પાછળ 187 કરોડ રૂપિયાનો ખર્ચ હોય? હાશ, બચી ગયા અને વળી આભાર માનો કે આ દેશમાં નહે જિલ્લો, શાસ્ત્રી જિલ્લો, ઈન્દિરા જિલ્લો, રાજીવ જિલ્લો નથી બની રહ્યો, નહીં તો આપણને કેટલા બધા કરોડ રૂપિયાની જરૂર પડી હોત? વળી એ તો સ્વાભાવિક ને દેખીતી વાત છે કે નેહજીનો જિલ્લો, `ગાંધી જિલ્લા’ કરતાં તો વધુ મોંઘો જ હોત ને?!ક્યાંય પણ જિલ્લો બનાવવાનો મતલબ શું? એક કલેક્ટરના વહીવટ હેઠળનો વિસ્તાર જેમાં વહીવટી વિભાગ અને મહેસૂલ અધિકારીઓ હોય.
હવે ગાંધી જિલ્લાનો અર્થ શું છે? ગાંધી જિલ્લાના કલેક્ટર ગાંધીવાદી હશે, મહેસૂલ અધિકારીઓ એમના કાર્યકરો હશે જે ખાદીના કપડાં પહેરશે અને કલેક્ટર કચેરીમાં સૂતર કાંતશે. સાંજે પ્રાર્થના સભાનું આયોજન કરશે ને જિલ્લામાં કામકાજ ધીમું પડશે અથવા બરાબર નહીં થાય તો ઉપવાસ પર ઊતરી જશે. ટૂંકમાં કોઇ જિલ્લાને ગાંધીજી સાથે અને ગાંધીજીને જિલ્લા સાથે જોડવાનું કામ જ શું છે? ગાંધીજીના વિચારો મુજબ, જે કંઈ કરવું જોઈએ એ બધું એક જિલ્લા પૂરતું કેવી રીતે હોઇ શકે? ગાંધીજીના વિચારો માટે તો આખો દેશ છે.
થોડાં વર્ષો પહેલાં વર્ધામાં ફરતી વખતે મેં ત્યાં `આદર્શ આશ્રમોના ભ્રષ્ટાચાર’ની વાતો પાનની દુકાનો પર સાંભળી હતી. ત્યાંનો સામાન્ય માણસ આ આશ્રમોનું નામ સાંભળીને મોં બગાડે છે. કેટલાક છોકરાઓ સાથે મારી વાતચીત થઈ. એ બધા રડતા હતા કે જિલ્લામાં ભારે બેરોજગારી છે, કારણ કે છેલ્લાં વીસ વર્ષમાં જ્યારે પણ વર્ધામાં કોઈ ઉદ્યોગ ખોલવાનો પ્રશ્ન આવે છે ત્યારે આ આ શ્રમજીવી લોકો ગાંધી-વિનોબાના નામે ઉદ્યોગમાં અડચણો ઉભી કરે છે. ત્યાં ગાંધીવાદીનો અર્થ સરકારી અને ખાનગી ગ્રાન્ટ પર મજાથી ખાવાનું-પીવાનું અને મસ્તીથી પડી રહેવાનું. ગાંધીની કોઈ પણ વાત એમનાં જીવનમાં કે આચરણમાં ઘૂસી હોય એવું લાગતું નથી.
ચાલો, બે ઘડી માની લઈએ કે ગાંધી જિલ્લો એક આદર્શ જિલ્લો બને તો પછી શું ત્યાં પોલીસ સ્ટેશન, જેલ, સેલ્સ ટેક્સ, ઇન્કમટેક્સ વગેરે નહીં હોય? એટલે ગાંધીજીના આદર્શ મુજબ ગાંધી જિલ્લાના રહેવાસીઓએ ખરાબ પ્રવૃત્તિમાં ન પડવું જોઈએ? ત્યાં લોકોએ પોતાની જરૂરિયાત કરતાં વધુ કમાણી ન કરવી જોઈએ? આવા આદર્શ જિલ્લામાં જો ભૂલથી પણ ગુનો થાય તો ય પોલીસ સ્ટેશનની શું જરૂર? આપમેળે જ ઉપવાસ કરી કે ચરખો કાંતીને પસ્તાવો કરી લેવાનો!
187 કરોડની સરકારી સહાય સાથે ગાંધી જિલ્લાનું આયોજન કરવું અને સહાય ન મળે ત્યારે નિષ્ક્રિય બેસી રહેવું એ ગાંધીવાદના શ્રમ, સહકાર અને આત્મનિર્ભરતાની સૌથી મોટી મજાક છે. 187 કરોડની મૂડી એક જિલ્લામાં ઘૂસી જાય તો એ જિલ્લો સીધોસાદો ગાંધીવાદી કેવી રીતે રહેશે? એ તો કટ્ટર મૂડીવાદી બની જશે. બજેટ વધારવાની, ઈમારતો ઊભી કરવી, વાહનો ખરીદવાની વિકાસની રાષ્ટ્રીય ફિલસૂફીએ આખરે સાચા ગાંધીવાદને ભરખી ગયો એટલે 187 કરોડની લાગતથી ગાંધી જિલ્લો બને એ વિચાર જ એક મજાક છે.. મને આ વાત પર પેટ ભરીને હસી લેવાની પ્લીઝ, મંજૂરી આપો.
(મૂળ લેખ : 1988)
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને