DGCA...

નવી દિલ્હીઃ લગભગ 45 દવાના ઉત્પાદકોને ગુણવત્તાના માપદંડોને પૂર્ણ ન કરવા બદલ તેમના ઉત્પાદનો પાછા ખેંચવાનો આદેશ આપવામાં આવ્યો છે, જ્યારે પાંચ નકલી દવાઓના ઉત્પાદકો વિરુદ્ધ કેસ દાખલ કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, એમ ભારતના ડ્રગ રેગ્યુલેટરે આજે જણાવ્યું હતું.

અહીં ‘સીઆઇઆઇ ફાર્મા એન્ડ લાઈફ સાયન્સ’ કોન્ફરન્સના અવસર પર પત્રકારો સાથે વાત કરતા ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઇ) અને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ)ના વડા રાજીવ સિંહ રઘુવંશીએ સ્પષ્ટ કર્યું હતું કે “50 નકલી દવાઓ” પર પ્રતિબંધ મુકવાના તાજેતરના રિપોર્ટ્સ એકદમ ખોટા છે.

તેમણે કહ્યું હતું કે “તે નકલી દવાઓ નથી,” તેઓ ‘માનક ગુણવત્તાની દવાઓ’ ન હતી. બંને વચ્ચે એક તફાવત છે. “અમારા શબ્દભંડોળમાં તેમાંથી ફક્ત પાંચ નકલી હતી જેને તમે નકલી કહી શકો.”

તેમણે કહ્યું કે દર મહિને સીડીએસસીઓ બજારમાંથી લગભગ 2000થી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરે છે અને તેમાંથી “લગભગ 40-50 નમૂનાઓ એક અથવા વધુ માપદંડો પર નિષ્ફળ જાય છે, જે ખૂબ જ સામાન્ય માપદંડ હોઈ શકે છે”.

“આમાંથી કોઈ પણ સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરતી નથી અને અમે અમારા પોર્ટલ પર તેના વિશે માહિતી આપીએ છીએ.”
તાજેતરના સમાચારોનો ઉલ્લેખ કરતા રઘુવંશીએ કહ્યું હતું કે, “એવું કહેવામાં આવી રહ્યું છે કે 50 નકલી દવાઓ હતી જેના પર અમે પ્રતિબંધ મૂક્યો હતો. આ સંપૂર્ણપણે ખોટું છે. તેઓ નકલી દવાઓ નહોતી અને તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. તેને ફક્ત અધિસૂચિત કરાઇ હતી કે તે પ્રમાણભૂત ગુણવત્તાવાળી દવાઓ નથી.”

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે સીડીએસસીઓની તાજેતરના નોટિફિકેશન પછી શું પગલાં લેવામાં આવ્યા. જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે “અમે આ બધી દવાઓ પાછી ખેંચવાનો આદેશ આપ્યો છે. તેથી જે દિવસે અમને દવાઓની ગુણવત્તાના ધોરણોને અનુરૂપ ન હોવાની માહિતી મળી ઉત્પાદકોને દવાઓ પાછી લેવાનું કહેવામાં આવ્યું હતું. “અમે નકલી ઉત્પાદનોની ઓળખ કરી છે અને તે વેચનારાઓ સામે કાર્યવાહી શરૂ કરી છે, જ્યાંથી અમે નમૂનાઓ લીધા હતા, અને પછી અમે સમગ્ર સપ્લાય ચેઇનને શોધી કાઢીએ છીએ.

નોંધનીય છે કે ગયા મહિને એન્ટાસિડ્સ અને પેરાસિટામોલ સહિતની 50થી વધુ દવાઓનો ભારતમાં વેચાતી સબસ્ટાન્ડર્ડ અથવા નકલી દવાઓની સીડીએસસીઓની માસિક યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.