પુણે: 2002ના ગોધરા હત્યાકાંડમાં આજીવન કારાવાસ પામેલા અને પેરોલ પર છૂટી ફરાર થયેલા આરોપીને ચાર મહિના બાદ પુણેથી પકડી પાડવામાં આવ્યો હતો. આરોપી સલીમ ઝર્દા અગાઉ પણ આઠ વખત પેરોલ પર છૂટીને નાસી છૂટ્યો હતો. પુણે ગ્રામીણ પોલીસે 22 જાન્યુઆરીએ ચોરીના કેસમાં સલીમની ધરપકડ કરી હતી. સલીમને નાશિક પોલીસને હવાલે કરાયો હતો, કારણ કે નાશિકમાં તેની વિરુદ્ધ ચોરીનો કેસ નોંધાયેલો છે.
ગોધરામાં ટ્રેનને આગ ચાંપવાના કેસમાં 31 આરોપીને દોષી ઠેરવવામાં આવ્યા હતા, જેમાં સલીમનો સમાવેશ હતો. સલીમને ગુજરાતની જેલમાં રાખવામાં આવ્યો હતો. જોકેે 17 સપ્ટેમ્બર, 2024ના રોજ સાત દિવસની પેરોલ રજા મળતાં તે ફરાર થઇ ગયો હતો.
આ પણ વાંચો: ગોધરામાંથી એટીએસે બે શંકમંદોને ઝડપ્યા, તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
આળેફાટા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દિનેશ તાયડેએ જણાવ્યું હતું કે પુણે ગ્રામીણમાં ચોરીના કેસમાં સલીમ અને તેની ટોળકીના સભ્યોની અમે ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન સલીમની ગોધરાકાંડમાં સંડોવણી વિશે માહિતી મળી હતી.
ગુજરાતના ગોધરા ખાતે 27 ફેબ્રુઆરી, 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસના કોચ નંબર-5 અને 6ને આગ ચાંપવામાં આવી હતી, જેમાં 59 જણનાં મોત થયાં હતાં. ગોધરા હત્યાકાંડ બાદ રાજ્યમાં રમખાણ ફાટી નીકળ્યાં હતાં.
તાયડેએ જણાવ્યું હતું કે ગોધરાકાંડમાં 31 આરોપીને કસૂરવાર ઠેરવાયા હતા. 11 આરોપીને ફાંસી, જ્યારે 20 આરોપીને આજીવન કેદ ફટકારાઇ હતી. સલીમ સહિત 11 આરોપીની ફાંસીની સજા પછીથી ગુજરાત હાઇ કોર્ટે જનમટીપમાં ફેરવી દીધી હતી.
આ પણ વાંચો: ગોધરા કાંડ આધારિત ફિલ્મ The Sabarmati Report અંગે PM Modiએ શું કહ્યું?
સલીમ અને તેની ટોળકીના સભ્યોએ 7 જાન્યુઆરીએ ટ્રકમાંથી 2.49 લાખ રૂપિયાની કિંમતના 40 ટાયર ચોર્યા હતા. પુણેમાં મંચર અને નાશિકના સિન્નર વિસ્તારમાં પણ તેમણે આવી ચોરીઓ કરી હતી. તેમની પાસેથી ચોરીની મતા અને ટેમ્પો સહિત 14.4 લાખનો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. સલીમ અને તેના સાથીદારો પુણે અને આસપાસના જિલ્લાઓમાં ચોરી કરતા હતા, એમ તાયડેએ કહ્યું હતું.
પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ પંકજ દેશમુખે જણાવ્યું હતું કે સિન્નર પોલીસ સ્ટેશનમાં દાખલ ચોરીના કેસ સંબંધમાં આરોપીઓને નાશિક ગ્રામીણ પોલીસને હવાલે કરાયા હતા. મંચર પોલીસ સ્ટેશનમાં દાખલ નોંધાયેલા ચોરીના કેસમાં અમે તેની ફરીથી કસ્ટડી લઇશું.
(પીટીઆઇ)
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને