પ્રાસંગિક -અમૂલ દવે
આવો, આપણે એક યોજના પર વિચાર કરીએ. આ યોજનામાં ધારો કે તમારા ઘરનો કોઈ આપદામાં નાશ થાય તો તમને નવેસરથી ઘર બાંધવાને બદલે કહેવામાં આવે કે તમે આવા ક્ષતિગ્રસ્ત ઘરને બદલે બીજે હિજરત કરી જાઓ, જેથી અમે તમારી જમીનને હસ્તગત કરીને ત્યાં સુંદર ઘર બાંધીને બીજાને વસાવીએ. અમે તમારી જગ્યાને સ્વર્ગ બનાવી દઈશું… અમે અહીં નવા ઘરો બાંધીને રોજગાર ઊભા કરીશું… ! તમે કહેશો કે આવી ગાંડી યોજનાનો કોણ સ્વીકાર કરે? આ તો એક છેતરપિંડી જ છે. તમે ચોંકી ન ઉઠતા. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે આવી ગાંડી ઘેલી યોજના ગાઝા પટ્ટીમાં કાયમની શાંતિ સ્થાપવા બનાવી છે…!
ટ્રમ્પ ઈચ્છે કે પેલેસ્ટાઈનવાસીઓ એમની ભૂમિ છોડ઼ીને જોર્ડન કે ઈજિપ્તમાં જતા રહે અને આ જગ્યા અમેરિકા હસ્તગત કરે. ટ્રમ્પ કહે છે કે જમીન પર સુંદર ઘર બાંધીશું અને નવા રોજગાર ઊભા કરીશું… આ યોજના એક તઘલખી વિચાર છે અને એ કદી અમલમાં મુકાશેનહીં. અમેરિકાના મિત્રો ગણાતા સઉદી અરેબિયા, જોર્ડન, યુનાઈટેડ આરબ અમીરાત અને ઈજિપ્તે આનો વિરોધ કર્યો છે. ‘નોર્થ એટલાન્ટિક ટ્રિટી ઓર્ગેનાઈઝેશન’ (નાટો) એ તથા યુરોપના દેશોએ પણ આનો વિરોધ કર્યો છે. પોતાના પ્લાનની ટીકા જોઈને ટ્રમ્પે એમના વહીવટીતંત્રને લલચાવવાની ફરજ પડી છે. ટ્રમ્પને થુકેલુ ંફરી ગળી જવું પડ્યું છે. ટ્રમ્પની યોજનાની જેમના પર સીધી અસર પડવાની છે એ પેલેસ્ટાઈનના લોકોએ તો આ યોજનાને ઠુકરાવી દીધી છે. એ બધા તો આને અમેરિકા અને ઈઝરાયલના વધુ એક નરસંહારની યોજના ગણાવે છે. જેના હુમલાથી હેરાન થઈને ઈઝરાયલને યુદ્ધવિરામ કરવો પડ્યો છે એ હમાસે તો આ યોજનાને સંપૂર્ણપણે નકારી કાઢી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે પણ આને આંતરરાષ્ટ્રીય નિયમોની વિરુદ્ધ ગણાવી છે. હમાસને મદદ કરતા ઈરાને તો ટ્રમ્પની વધુ પ્રતિબંધ લાદવાની ધમકીને ગણકાર્યા વિના અમેરિકાની યોજનાનો વિરોધ કર્યો છે.
હા, ફક્ત ગાઝા પટ્ટી પર જેનો ડોળો છે એ ઈઝરાયલે એને સહર્ષ સ્વીકૃતિ આપી છે….ટ્રમ્પે હકીકતમાં તો ઈઝરાયલ પર હમાસ સાથેના યુદ્ધવિરામનો બીજો તબક્કો અમલમાં લાવવા માટે દબાણ લાવવું જોઈએ,પણ ટ્રમ્પ ઈતિહાસ નવી રીતે લખવા કે તેને બગાડવા ચાહે છે. આ યોજના દ્વારા ટ્રમ્પ પોતાના જમાઈ જેરેડકુશનરને ગાઝા ભેટ આપવા માગે છે. હકીકતમાં આ આખી યોજના ટ્રમ્પની નહીં, પરંતુ એમના રિયલ એસ્ટેટમાં હિત ધરાવતા જમાઈની છે, જે આ દ્વારા કરોડો ડૉલર કમાવાનો અવસર ઊભો કરવા માગે છે. વ્યાપક વિરોધ છતાં ટ્રમ્પે પોતાનો પ્લાન દોહરાવ્યો છે. ટ્રમ્પ કહે છે કે હું ગાઝાને ખરીદવા અને તેના પર માલિકી સ્થાપવા પ્રતિબદ્ધ છું.
તાજેતરમાં ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અમેરિકાના પ્રવાસે ગયા હતા. વોશિંગ્ટન પહોંચીને એમણે પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી. ટ્રમ્પે સંયુક્ત પત્રકાર પરિષદમાં એમ કહીને બધાને ચોંકાવી દીધા કે અમેરિકા ગાઝા પર કબજો કરશે. અત્યાર સુધી ઈઝરાયલનો ગાઝા પટ્ટી પર ડોળો હતો, હવે ટ્રમ્પની મેલી નજર તેના પર લાગી છે. ટ્રમ્પે ગાઝાને લઈને અરાજકતા ફરી ફેલાય એવો ગાંડો રોડમેપ દીધો છે… ટ્રમ્પ કહે છે કે , અમે ગાઝા પટ્ટીને અમારા અધિકાર ક્ષેત્રમાં લઈશું.
ટ્રમ્પે ફરી એકવાર ગાઝા પટ્ટી ખાલી કરવાની વાત કરી છે. એ કહે છે કે, પેલેસ્ટિનિયનોએ ગાઝા પટ્ટી ખાલી કરવી પડશે. એમણે ઈજિપ્ત, જોર્ડન અને અન્ય દેશોમાં કાયમી સ્થાયી થઈ જવું જોઈએ. હવે નરક જેવું આ ગાઝા રહેવા યોગ્ય નથી રહ્યું…. ત્યાં માત્ર કાટમાળ છે. અમે ગાઝા પર નિયંત્રણ મેળવીને ત્યાંના બધા ખતરનાક, ન ફૂટેલા બોમ્બ અને અન્ય હથિયારોનો નાશ કરવાથી લઈને સ્થળને સમતળ કરવા અને નષ્ટ થયેલી ઇમારતોનો કાટમાળ હટાવવાની જવાબદારી લઈશું….ગાઝાને ખાલી કરાવ્યા બાદ અહીં પુનર્નિર્માણ કાર્ય જોરશોરથી હાથ ધરવામાં આવશે.. અમે ગાઝાને મિડલ ઇસ્ટનો ‘રિવેરા’ બનાવીશું… ‘રિવેરા’ ઈટાલિયન શબ્દ છે, જેનો અર્થ કોસ્ટલાઇન એટલે કે દરિયાકિનારો થાય છે. ફ્રેન્ચ રિવેરા અને ઇટાલિયન રિવેરા સમગ્ર વિશ્વમાં પોતાના પર્યટન માટે પ્રખ્યાત છે. એવી જ રીતે ટ્રમ્પ ગાઝાને પર્યટન હબ તરીકે વિકસાવવા માગે છે.
ખાટલે મોટી ખોડ એ છે કે આમાં જે સૌથી મોટો સ્ટેકહોલ્ડર છે એ પેલેસ્ટાઈનના લોકોની નામરજીને ધ્યાનમાં લેવામાં જ આવી નથી. હકીકત તો એ છે કે યહુદીઓએ ઘૂસણખોરી કરીને પેલેસ્ટાઈનની જમીન પર ઈઝરાયલ દેશ ઊભો કર્યો છે. હવે આ યહુદીઓ અમેરિકાની મદદથી પેલેસ્ટાઈનવાસીઓને એમની ભૂમિમાંથી બળજબરીથી હાંકી કાઢીને પોતાનો કબજો જમાવવા માગે છે .બીજી તરફ, ઈઝરાયલે જાહેર કર્યુ છે કે જે લોકો ગાઝા પટ્ટી સ્વેચ્છાએ છોડવા માગે છે એને માટે ઈઝરાયલ બધી સગવડ કરી આપવા તૈયાર છે. ટ્રમ્પે સમજવું જોઈએ કે ગ્રીનલેન્ડની જેમ ગાઝા પણ સેલ (વેચાણ) માટે નથી. ટ્રમ્પે પહેલી વાર જાહેરાત કરી ત્યાર બાદ વાઈટ હાઉસે એવો ખુલાસો કર્યો હતો કે અમેરિકા ગાઝાપટ્ટીમાં એનું લશ્કર નહીં મોકલે. તે આ માટે જોર્ડન અને ઈજિપ્ત જેવા દેશોનો સહકાર લેશે.
ટ્રમ્પની અવિચારી યોજનાને લીધે ઈજિપ્તની હાલત કાપો તો લોહી ન નીકળે એવી થઈ છે. છેલ્લાં 15 મહિનાથી એના ઇન્ટેલિજન્સ ઓફિસર કતાર, ઈઝરાયલ અને અમેરિકા સાથે કામ કરીને યુદ્ધવિરામ કરાવવા મહેનત કરી રહ્યા હતા. વિસ્થાપિત પેલેસ્ટાઈનના લોકોને પોતાના દેશમાં સમાવવા પડશે એ વિચાર માત્રથી આ દેશના શાસક હચમચી ગયા છે. આને લીધે મિડલઈસ્ટના સૌથી મોટા દેશની રાજકીય સ્થિરતા જોખમમાં મુકાઈ શકે એવી કટોકટી ઊભી થઈ રહી છે.
પેલેસ્ટાઈનવાસીઓએ ઇજિપ્ત અને જોડર્નમાં આશરો લીધો છે. જોર્ડને તો ધમકી જ આપી છે કે જો અમારા પર આ યોજના સ્વીકારવાની ફરજ પાડવામાં આવશે તો અમે ઈઝરાયલ સાથે યુદ્ધમાં ઉતરીશું. આ દેશે 1948ના નકુબા્ અને1967ના યુદ્ધને લીધે મોટા ભાગના પેલેસ્ટાઈન નિરાશ્રિતોને આશરો આપ્યો છે જે તેની વસતીના 50 ટકા જેટલા છે. રાજા અબ્દુલ્લા-બીજા વાઈટ હાઉસમાં ટ્રમ્પને મળવાના છે અને ત્યારે તેઓ ચોક્કસ પોતાની નારાજગી વ્યક્ત કરશે. ટ્રમ્પ વસાહતીઓને હાંકી કાઢે છે અને તે ઇજિપ્ત અને જોર્ડન પાસે એવી અપેક્ષા રાખે છે કે આ દેશો ગાઝા પટ્ટીમાં રહેતા પેલેસ્ટાઈનવાસીને સ્વીકારે. સઉદી અરેબીયાને પણ આ આઈડિયા ગમ્યો નથી. તેના ક્રાઉન પ્રિન્સે જાહેર કર્યું છે કે જ્યાં સુધી પેલેસ્ટાઈનને દેશ તરીકે સ્થાપવામાં નહીં આવે ત્યાં સુધી અમે ઈઝરાયલ સાથે સંબંધો નહીં સ્થાપીએ. ઈરાક, લિબિયા, તુર્કી અને સંયુક્ત આરબ અમીરાતે આનો વિરોધ કર્યો છે. પાંચ આરબ દેશોની પરિષદમાં ટ્રમ્પની દરખાસ્તનો જોરદાર વિરોધ થયો છે. યુએન પણ કહે છે કે ટ્રમ્પનો પ્લાન આંતરરાષ્ટ્રીય નિયમોની વિરુદ્ધ છે. ટ્રમ્પના પ્લાને તેના મિડલ ઈસ્ટના સાથીદારોને ફસાવી દીધા છે. ઈજિપ્તે તો 27 ફેબ્રુઆરીએ આરબ દેશોની બેઠક બોલાવી છે.
અમેરિકાની આ યોજનાને લીધે મિડલ ઈસ્ટમાં ચીન અને રશિયાનું પ્રભુત્વ વધશે. ચીનનું પહેલથી સઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે સમાધાન થયું છે. ઈઝરાયલે તો સઉદીને નારાજ કરી નાખ્યું છે. ઈઝરાયલ કહે છે કે સઉદી પાસે પુષ્કળ જમીન છે અને એ પેલેસ્ટાઈનને આસનીથી આશરો આપી શકે એમ છે. આનાથી સઉદી એટલુ ગુસ્સે ભરાયું છે કે તેણે અમેરિકા અને ઈઝરાયલને ચેતવણી આપી છે કે જો આ યોજના અમલમાં મુકાશે તો જોવા જેવી થશે. જમર્નીએ તો આ યોજનાને મોટું કૌભાંડ ગણાવ્યું છે.
હકીકત તો એ છે કે ટ્રમ્પના રિપબ્લિકન પાર્ટી કે તેના વિરોધ પક્ષ ડેમોક્રેટિક પાર્ટીના સંસદસભ્યોને આ યોજના ગળે ઉતરી નથી. અમેરિકાના લોકો પણ માનવા લાગ્યા છે કે આ યોજના એ ટ્રમ્પની અક્કલનું પ્રદર્શન છે. જો ટ્રમ્પ આવા આડેધડ, અવિચારી અને અવ્યવહારું નિર્ણય લેશે તો તેમની લોકપ્રિયતાનો ગ્રાફ ઝડપથી નીચે ઉતરશે. ટ્રમ્પની યોજનાથી પશ્ર્ચિમ એશિયામાં તંગદિલી અને તણાવ વધશે. આને લીધે માંડ માંડ પાર પાડવામાં આવેલા યુદ્ધવિરામ પર ખતરો ઊભો થશે. ટ્રમ્પ જેવા સત્તાધીશ અને શાસક હોય તો અમેરિકાને દુશ્મનની શી જરૂર છે.
ઈરાન પણ ટ્રમ્પના હિટ લિસ્ટમાં ! અમેરિકન પ્રમુખે ગાઝા અંગેની 5-પોઇન્ટ બ્લુપ્રિન્ટમાં ઈરાન પણ સામેલ છે. ટ્રમ્પે ચેતવણી આપી કે, જો ઈરાન મને મારવાનો પ્રયાસ કરશે તો એનાં પરિણામ ભોગવવા પડશે. ટ્રમ્પે કહ્યું કે મેં મારા સલાહકારોને નિર્દેશ આપ્યો છે કે જો ઈરાન હુમલો કરે તો તેને તબાહ કરી દેવું. ટ્રમ્પે ઈરાનની કમર તોડવા માટે એક એક્ઝિક્યુટિવ ઑર્ડર પર પણ હસ્તાક્ષર કર્યા છે જેમાં અમેરિકન સરકારને ઈરાન પર મહત્તમ દબાણ લાવવાનું કહેવામાં આવ્યું છે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પ સાથે મુલાકાત બાદ ઈઝરાયલી પીએમ નેતન્યાહૂએ કહ્યું કે, ઇઝરાયલ પહેલાં ક્યારેય આટલું શક્તિશાળી નહોતું જ્યારે ઈરાન ક્યારેય આટલું નબળું નહોતું. મેં પ્રમુખ ટ્રમ્પ સાથે આપણા પ્રદેશમાં શાંતિ લાવવા અને આપણા ભવિષ્યને બચાવવા અંગે ચર્ચા કરી છે. ગાઝામાં ઇઝરાયલના ત્રણ ઉદ્દેશ્ય છે: પહેલું, હમાસનો સંપૂર્ણ ખાતમો. બીજું, આપણે આપણા તમામ બંધકોને મુક્ત કરાવવાની ખાતરી કરાવી પડશે અને ત્રીજું, ગાઝા ફરી ઈઝરાયલને આપવા માગુ છું….! જાણીતા પત્રકાર પ્રફુલ શાહની અવનવા વિષયની એક આગવી કોલમ… ટૂંક સમયમાં!
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને