શ્રીનગરઃ કાશ્મીર ખીણમાં આતંકવાદ સંબંધિત ઘટનાઓના વધારા વચ્ચે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે અને આતંકવાદીઓને સાથ આપવા સામે અહીંના લોકોને ચેતવણી આપી છે. એલજીએ યોગી સરકારની ઓળખ બની ગયેલી બુલડોઝરની કાર્યવાહી હવે જમ્મુ-કાશ્મીરમાં કરવાના સંકેત આપ્યા છે.
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ લોકોને ચેતવણી આપી છે કે જો કોઈ આતંકવાદીઓને આશ્રય આપવાનો પ્રયાસ કરશે તો તેમના ઘરને જમીનદોસ્ત કરી દેવામાં આવશે. એલજીએ લોકોને આતંકવાદ સામે એક થવાની પણ હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે જો સ્થાનિક લોકો, સુરક્ષા દળો અને સ્થાનિક વહીવટીતંત્ર એક થાય તો જમ્મુ-કાશ્મીરમાંથી એક વર્ષમાં આતંકવાદને ખતમ કરી શકાય છે.
Also read: જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં મોડી રાતથી એન્કાઉન્ટર, 2 આતંકીઓ ઘેરાયા
એલજી મનોજ સિન્હાએ બારામુલ્લામાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘મેં સુરક્ષા દળોને નિર્દેશ આપ્યો છે કે કોઈ નિર્દોષને નુકસાન ન પહોંચાડે, પરંતુ ગુનેગારોને બક્ષવામાં નહીં આવે. જો કોઈ આતંકવાદીઓને આશ્રય આપશે તો તેના ઘરને જમીનદોસ્ત કરી દેવામાં આવશે. આ અંગે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું હતું કે ‘કેટલાક લોકો કહે છે કે જેઓ આતંકવાદીઓને આશ્રય આપે છે તેઓને ત્રાસ આપવામાં આવે છે. આ જુલમ નથી, પરંતુ ન્યાયની માંગ છે અને આવો ન્યાય ચાલુ રહેશે.
એલજીએ કહ્યું હતું કે કહ્યું હતું કે અમારો પાડોશી દેશ અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેની અમને ચિંતા નથી, પરંતુ અહીંના લોકો તેમના નિર્દેશ પર આ કામ કરી રહ્યા છે જે ચિંતાનો વિષય છે. આવા લોકોની ઓળખ કરવી એ માત્ર સુરક્ષા દળોનું અને વહીવટીતંત્રનું કામ નથી, પરંતુ લોકોનું પણ કામ છે. તેમણે કહ્યું હતું કે જો લોકો આતંકવાદીઓને આશ્રય આપે છે અને પછી કહે છે કે સરકાર તેમની સાથે અન્યાય કરી રહી છે, તો તે યોગ્ય નથી.
Also read: કાશ્મીરમાં આતંકવાદીઓને આશરો આપ્યો તો ઘરો જમીનદોસ્ત થશે: મનોજ સિંહાએ આપી ચેતવણી…
જમ્મુ અને કાશ્મીરના લોકોને તેમણે સવાલ પૂછ્યો હતો કે શું આ પ્રદેશમાં કનેક્ટિવિટી વધારવા માટે કામ કરતા લોકોને મારી નાખવાનો કોઈને અધિકાર છે? સ્વભાવિક રીતે જ તેઓ ગંદરબાલ જિલ્લાના સુરંગ નિર્માણ સ્થળ પર 20 ઓક્ટોબરે આતંકવાદીઓ દ્વારા સ્થાનિક ડોકટરની અને કેટલાક પરપ્રાંતીય મજૂરોની હત્યાનો ઉલ્લેખ કરી રહ્યા હતા. એલજી સિંન્હાએ કહ્યું હતું કે જો અહીંના લોકો આવા તત્વો સામે ઊભા નહીં થાય તો અહીંની પરિસ્થિતિ ક્યારેય બદલાશે નહીં.