zero-figure-craze-health-risks

ફોકસ પ્લસ -રાજેશ યાજ્ઞિક

‘ઝીરો ફિગર’નો મોહ પેલી સ્વર્ગની અપ્સરા મેનકા જેવો છે. ભલભલા ઋષિમુની ચળી જાય. આવું જ ફિલ્મ ‘ટશન’ ફિલ્મમાં કરિના કપૂર ખાનને ‘સાઈઝ ઝીરો’માં જોઈને આજની તરુણી-યુવતીઓમાં પણ કરિના જેવો ‘સાઈઝ ઝીરો’નો ક્રેઝ એટલો વધી ગયો કે દરેકે કરિના જેવી સ્લિમ અને ફિટ બનવા-દેખાવા જાતજાતની રીતો અજમાવવા માંડી પરંતુ, ‘સાઈઝ ઝીરો’ એ તંદુરસ્ત શરીરનું માપ નથી. જરૂરી નથી કે દરેક પાતળા લોકો સ્વસ્થ અને ફિટ હોય. પાતળા થવા માટે વધુ પડતી કસરત કરવી, પરેજી પાળવી અને હેલ્ધિ ડ્રિંક્સ લેવાથી તમે બહારથી આકર્ષક જરૂર બની શકો-દેખાઈ શકો, પરંતુ અંદરથી તમે એટલા જ ખોખલાં – નબળા બની જાવ..

તમારું વજન કેટલું હોવું જોઈએ?

વેલ, જે રીતે વધુ પડતી સ્થૂળતા શરીર માટે હાનિકારક છે તેવું જ અતિશય પાતળા હોવું પણ છે. દુબળા હોવા અને પાતળું હોવામાં ફરક છે. શરીર પાતળું હોય ત્યારે આકર્ષણ લાગે, પણ દુર્બળ હોય ત્યારે નહીં.

સ્વસ્થ શારીરિક વજન માટે નિષ્ણાતો દ્વારા ‘બોડી માસ ઈન્ડેક્સ’ (ઇખઈં) અર્થાત કે શરીરની ઊંચાઈના પ્રમાણમાં શરીરનું વજન જોવામાં આવે છે. ડોકટરોના મતે, જો તમારું વજન તમારી શરીરની ઊંચાઈ પ્રમાણે ત્રીસ ટકાથી ઓછું હોય તો તમારે તમારા શરીર પર ધ્યાન આપવું જોઈએ, પણ ઝીરો ફિગર પામવાની ઘેલછામાં યુવતીઓ ક્રેશ ડાયટ (અચાનક ખોરાકમાં ઘટાડો) પર ઊતરી જાય છે. ઝીરો ફિગરનું વળગણ ‘એનોરેક્સિયા નર્વોસા’ નામના વિકારને જન્મ આપે છે.

આ ‘એનોરેક્સિયા નર્વોસા’ એટલે શું?

ઘણી વખત શરીર એનોરેક્સિયા નર્વોસા એટલે કે મંદાગ્નિ નામની બીમારીથી પીડાય છે. આવી સ્થિતિમાં દર્દીને ભૂખ નથી લાગતી અને એનું શરીર પાતળું થતું જાય છે.

એનોરેક્સિયા નર્વોસા એ ખાવાની વિકૃતિ છે, પરંતુ વધુ મહત્ત્વની વાત એ છે કે તે એક મનોવૈજ્ઞાનિક વિકાર છે. જ્યારે વજન વધવાનો ડર એટલો ગંભીર બની જાય છે કે વ્યક્તિ ખુદ પોતાના આહારમાં વધુ પડતો ઘટાડો કરે છે પરિણામે મંદાગ્નિનીની શરૂઆત થાય છે. આનાં શું શું લક્ષણ હોય છે ? ભોજન છોડવું, માત્ર ઓછી ચરબીવાળા અને ઓછી કેલરીવાળા સલામત ખોરાકને મહત્ત્વ આપવું, ખૂબ ઓછી માત્રામાં ખોરાક લેવો, દરેકને ભોજન પીરસ્યા પછી જાતે ન ખાવું, દરરોજ તમારું વજન માપવું, સતત તમારી જાતને અરીસામાં જોવી અને વજન અને સ્થૂળતા વિશે ચિંતિત રહેવું, જાહેર સ્થળો અથવા કાર્યક્રમોમાં ખાવાનું ટાળવું, કેલરી ગણતા રહેવી તો ક્યારેક સતત કસરત કરવાનું શરૂ કરી દેવું …… આવાં બધાં લક્ષણ સૂચવે છે કે તમે એનોરેક્સિયા નર્વોસા જેવા વિકાર તરફ આગળ વધી રહ્યા છો.

મંદાગ્નિનીની કેવીક હોય છે અસર?

મંદાગ્નિ એ એક ભયંકર માનસિક વિકાર છે. જો સમયસર સારવાર શરૂ કરવામાં ન આવે તો ખાવાની વિકૃતિઓથી પીડાતા પાંચ થી 20 ટકા લોકો મૃત્યુ પામે છે.

1) થાક અને નબળાઈ:
આ ડિસઓર્ડરથી પીડિત લોકો એટલો થાક અને નબળાઈ અનુભવે છે કે એ બેહોશ થઈ શકે છે. એમને પૂરતું પોષણ મળતું નથી, જે વિટામિન્સ અને મિનરલ્સની ઉણપ, કુપોષણ અને ઇલેક્ટ્રોલાઇટ અસંતુલન (ડિહાઇડ્રેશન) તરફ દોરી જાય છે. આ થાક અને ડિપ્રેશનનું કારણ બને છે. રક્તકણોની સંખ્યા પણ અસામાન્ય બની જાય છે.

2) ઑસ્ટિયોપોરોસિસ:
કેલ્શિયમ અને પ્રોટીનની ઊણપ જે હાડકાની ઘનતા ઘટાડે છે. હાડકાં નબળાં થવા લાગે છે. આ અસ્થિભંગ તરફ દોરી જાય છે. આયર્નની ઊણપ એનિમિયાનું કારણ બને છે. એના કારણે થાક, શ્વાસ લેવામાં તકલીફ, ઈન્ફેક્શન અને હૃદયના ધબકારા વધવા જેવી સમસ્યા પણ થાય છે.

3) આંશિક લકવો ને કિડનીની નિષ્ફળતા:
પોટેશિયમની ઊણપ અને મગજ અથવા કરોડરજ્જુમાં ચેતા કોષોની અધોગતિ આંશિક લકવાનું કારણ બની શકે છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો આ સમસ્યા ગંભીર બની શકે અને સ્નાયુઓ કાયમ માટે નબળા પડી જાય. વિટામિન્સની ઊણપ, ડિહાઇડ્રેશન, ચેપ અને લો બ્લડ પ્રેશર, કિડની પર ઘાતક અસર કરે છે. ક્યારેક કિડની ફેલ્યોર પણ થઈ શકે છે.

4) માસિક બંધ થઇ જવું:
પર્યાપ્ત પોષણના અભાવને કારણે, અંડાશય યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરે છે, જેનાથી સ્ત્રીમાં માસિક ચક્ર બંધ થઈ શકે છે અને વંધ્યત્વ આવી શકે. આ બધા ઉપરાંત, અન્ય સમસ્યામાં ત્વચા શુષ્ક બને છે, કબજિયાત ચાલુ રહે છે, વાળ ખરતા રહે છે. શરદી અને ઉધરસનો વારંવાર હુમલો થતો રહે છે.

બીજી તરફ્, જો ડાયટિંગ કરવું જ હોય તો આ કેટલીક વાતનું ધ્યાન રાખો,જેમકે…

1) દિવસનું કોઈપણ ભોજન છોડશો નહીં. શરીરને પૂરતું પોષણ મળવું જરૂરી છે.

2) સમગ્ર દિવસમાં બે મોટા અને ત્રણેક નાના ભોજન લો.

3) ઓછી ચરબીવાળા અને ઉચ્ચ ફાઈબરવાળો નાસ્તો કરો.

4 ) પુષ્કળ પ્રવાહી પીઓ. ઓછામાં ઓછું દોઢથી બે લિટર પીણું પીવાનું રાખો..

5) યોગ્ય સમયે અને તાજો ખોરાક લો.

6) વેઈટ મેનેજમેન્ટ દરમિયાન એ વાતનું ધ્યાન રાખો કે આહારમાં પોષક તત્ત્વોની કમી ન હોય.

7 ) સવારનો નાસ્તો ચોક્કસ કરો. આમાં વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થોનો સમાવેશ કરો.

8) આહારમાં લીલા શાકભાજી, ફળો, ડેરી ઉત્પાદનો, આખા અનાજનો સમાવેશ કરો.

9) પ્રશિક્ષિત ડાયેટિશિયન પાસે ડાયેટ ચાર્ટ તૈયાર કરાવવો. આવા ચાર્ટ ઉંમર, વજન, ઊંચાઈ, શરીરના પ્રકાર અને શારીરિક પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને બનાવાય છે તેથી એક ચાર્ટ દરેક વ્યક્તિને લાગુ ન પડે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને