નવી દિલ્હીઃ આવતા વર્ષની શરૂઆતમાં પાકિસ્તાનમાં વન-ડેની જે ચૅમ્પિયન્સ ટ્રોફી રમાવાની છે એ વિશે મોટી વાત બહાર આવી છે. એ ટૂર્નામેન્ટ માટે ભારત પોતાની ટીમને પાકિસ્તાન નહીં મોકલે. આ નિર્ણયથી પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે.
એક અખબારી અહેવાલ મુજબ ભારત પોતાની મૅચો દુબઈમાં રમી શકશે. આ સંબંધમાં સત્તાવાર જાહેરાત હજી થઈ નથી, પરંતુ ભારતીય ક્રિકેટ ક્નટ્રોલ બોર્ડે સુરક્ષાના કારણો આપીને પાકિસ્તાનને ચોખ્ખું કહી દીધું છે કે ભારતની ટીમ તમારે ત્યાં રમવા નહીં આવે.
ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર તાજેતરમાં પાકિસ્તાનના પ્રવાસે ગયા હતા. એને પગલે ટીમ ઇન્ડિયાને લઈને ઘણી ચર્ચા થઈ હતી. જોકે હવે જે સમીકરણ બન્યું છે એનાથી પાકિસ્તાનને ઝટકો લાગ્યો છે.
પાકિસ્તાનને ભારતીય ક્રિકેટ બોર્ડને મનાવવા બનતા બધા પ્રયત્નો કર્યા હતા, પણ એમાં એને નિષ્ફળતા મળી હતી. વાસ્તવમાં ભારત સરકાર મંજૂર કરે તો જ બીસીસીઆઇ ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન મોકલી શકે.
આપણ વાંચો: આઇસીસીના આ પ્લાનથી પાકિસ્તાનને લાગશે 440 વૉટનો ઝટકો! છીનવાઈ શકે ચૅમ્પિયન્સ ટ્રોફીનું યજમાનપદ!
બીજી હકીકત એ છે કે ખુદ ભારતીય ક્રિકેટ બોર્ડ અને ભારતીય ખેલાડીઓ પણ નહોતા ઇચ્છતા કે ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન મોકલવામાં આવે. સરહદ પારથી પાકિસ્તાન આતંવાદીઓને હજી પણ મોકલતું રહે છે એટલે બન્ને દેશ વચ્ચેના ક્રિકેટ-સંબંધો અગાઉ જેવા પ્રસ્થાપિત થવાની હમણાં કોઈ જ સંભાવના નથી.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક વિકલ્પ એ પણ આપ્યો હતો કે ભારતીય ટીમ પાકિસ્તાનમાં પોતાની મૅચ રમી લે એટલે એના ખેલાડીઓ પછીની મૅચ સુધીમાં ભારત પાછા જઈ શકે એવી વ્યવસ્થા થઈ શકે એમ છે. જોકે પાકિસ્તાનની એ અજમાયશ પણ કારગત નહોતી નીવડી.
ટૂંકમાં, એશિયા કપની જેમ હવે ચૅમ્પિયન્સ ટ્રોફી પણ હાઇબ્રિડ મૉડેલ પર થઈ શકે એમ છે.