Ganiben demands resignation of Home Minister implicit    incidents of rape IMAGE SOURCE - Zee News - India.Com

અમદાવાદ: રાજ્યમાં નવરાત્રીની ઉજવણીને લઈને આખી રાતની છૂટછાટનો નિર્ણય આપીને જશ ખાટનારા રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી નવરાત્રીના પર્વ દરમિયાન જ રાજ્યમાં બનેલી બળાત્કારની ઘટનાઓને પગલે ભીંસમાં આવી ગયા છે. રાજ્યમાં દાહોદ, વડોદરા, સુરતમાં બનળી ઘટનાઓને લઈને રાજ્યમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે વિપક્ષે પણ ગૃહ પ્રધાન પર માછલાં ધોયા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે અને ગૃહ પ્રધાન હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી છે.

રાજ્યમાં વધી રહેલા દુષ્કર્મ અને છેડતીના બનાવોને લઈને બનાસકાંઠાનાં સાંસદ ગેનીબેન ઠાકોરે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ગેનીબેને ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની પણ માંગ કરી છે. ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે, નવરાત્રિ દરમિયાન ગેંગરેપની ઘટનાઓ સામે આવી છે તે માટે જવાબદાર સરકાર છે. રાજ્યમાં દીકરીઓ સુરક્ષિત ન રહી શકતી હોય તો ગૃહમંત્રી રાજીનામું આપી દે… એક મહિનામાં 30થી 40 દીકરીઓ ભોગ બની છે.

આ ઉપરાંત તેમણે કોલકાતાની ઘટના દરમિયાન ગુજરાત સરકાર દ્વારા નોંધાવવામાં આવેલા વિરોધનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, ‘પશ્ચિમ બંગાળ કે અન્ય રાજ્યમાં આવી ઘટનાઓ બને તો ગુજરાત સરકાર વિરોધ નોંધાવે, ધરણાં કરે અને રજૂઆતો કરે છે. પણ જો ગુજરાતમાં જ્યારે આવી ઘટનાઓ ઘટે ત્યારે સરકાર કોઇ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી.’ આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, ‘ ગૃહ મંત્રી એવા નિવેદનો કરે છે કે ગુજરાતીઓ અહીં ગરબા ન રમે તો શું પાકિસ્તાન જાય? ગૃહમંત્રીના આવા નિવેદનોને બદલે જો એવા નિવેદનો હોત કે દીકરીઓ પર બળાત્કાર કરનાર નરાધમોને પાકિસ્તાન મોકલીશું તો અમે પણ સમર્થન આપ્યું હોત.’

રાજ્યમાં બનેલી બળાત્કારની ઘટનાઓના વિરોધમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ અમદાવાદના કોચરબ આશ્રમથી એલિસબ્રિજ સુધી પદયાત્રા કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠીયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આપના નેતાઓએ સરકાર પર આરોપ કરતાં કહ્યું હતું કે, ‘મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના કારણે ગુજરાતમાં મહિલા સુરક્ષાની સ્થિતિ ખૂબ જ બદતર બની છે. રોજે રોજ બળાત્કાર અને ગેંગરેપની ઘટનાઓ સામે આવી રહી છે તેનાથી આપણે સમજી શકીએ છીએ કે ગુજરાતની દીકરીઓ સુરક્ષિત નથી. તેમણે ગુજરાતના મુખ્ય પ્રધાન અને ગૃહ મંત્રીના રાજીનામાની માંગ કરી હતી.