(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મુંબઈમાં છેલ્લા થોડા દિવસથી પ્રદૂષણમાં ફરી વધારો જોવા મળ્યો છે. શિયાળાના આગમનની સાથે જ હવાની ગુણવત્તા વધુ ખરાબ થવાની શક્યતા છે ત્યારે મુંબઈના રસ્તા પરના ધૂળને કારણે પ્રદૂષણમાં વધારો થાય નહીં તે માટે મુંબઈના તમામ વોર્ડમાં ૨સ્તાઓને પાણીથી ધોવાનું કામ પહેલી ડિસેમ્બરથી વધુ ઝડપથી કરાશે.
હાલ ૩૫ ટેન્કરની મદદથી રસ્તા ધોવામાં આવી રહ્યા છે, જેમાં હજી વધારો કરવામાં આવવાનો છે. પાલિકાના અખત્યાર હેઠળ બે હજાર કિલોમીટર રસ્તા આવે છે, તેમાંથી હાલ દરરોજ એક હજાર કિલોમીટરના રસ્તાઓ ધોવાનું લક્ષ્ય પાલિકા (બીએમસી)એ રાખ્યું છે.
આપણ વાંચો: દિલ્હીમાં પ્રદૂષણને નાથવા ડ્રોનની મદદ; ગેરકાયદેસર પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓ બોલશે તવાઈ
મુંબઈમાં પ્રદૂષણમાં થયેલા વધારા માટે મોટા પાયા પર ચાલી રહેલા કન્સ્ટ્રક્શન કામને કારણે ઊડનારી ધૂળ તથા રસ્તા પરની ધૂળને પણ જવાબદાર માનવામાં આવે છે. તેથી પાલિકાએ હવામાં રહેલા પ્રદૂષણ માટે કારણભૂત રહેલી ધૂળને નિયંત્રણમાં લાવવા માટે રસ્તાઓ ધોવાનું ગયા વર્ષના નવેમ્બર મહિનાથી ચાલુ કર્યું છે.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ રસ્તાઓ ધોવા માટે પુનઃપ્રક્રિયા કરેલા અને સ્થાનિક સ્રોતમાંથી પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેથી પીવાનાં ચોખ્ખા પાણીનો વેડફાટ થાય નહીં. નાગરિકોને અગવડ પડે નહીં તે માટે નોન-પીક અવર્સમાં એટલે કે વહેલી સવારના ત્રણ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીમાં રસ્તાઓ ધોવાનું કામ કરવામાં આવે છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને