મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નેતા બાબા સિદ્દીકીની હત્યાના કેસની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચે બુધવારે વધુ એક આરોપીની પુણેથી ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ ગૌરવ વિલાસ અપુને (23) તરીકે થઇ હોઇ તે સિદ્દીકી પર હુમલાના કાવતરામાં સામેલ હતો.
પુણેના કર્વે નગર વિસ્તારમાં રહેતા ગૌરવની ધરપકડ સાથે આ કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યા હવે 16 થઇ છે. ગૌરવને મુંબઈ લાવવામાં આવ્યા બાદ કોર્ટમાં હાજર કરાયો હતો, જ્યાં તેને 9 નવેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.
આ કેસમાં ધરપકડ કરાયેલા અમુક આરોપીઓની પૂછપરછમાં ગૌરવનું નામ સામે આવ્યું હતું, જેને પગલે પૂછપરછ માટે ગૌરવને તાબામાં લેવાયા બાદ તેની ધરપકડ કરાઇ હતી.
આપણ વાંચો: થાણે મૉડ્યુલે બાબા સિદ્દીકીની હત્યા માટે 50 લાખ રૂપિયા માગ્યા હતા
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર તપાસમાં ખુલાસો થયો હતો કે ગૌરવને નિર્ધારિત ટાર્ગેટની સંપૂર્ણ જાણકારી હતી. ગૌરવને ફરાર આરોપીઓએ પિસ્તોલ ચલાવવાની તાલીમ પણ આપી હતી. ગૌરવને કાવતરામાં તેની ભૂમિકા બદલ મોટી રકમનું વચન અપાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે બાબા સિદ્દીકી 12 ઑક્ટોબરે તેમના બે અંગરક્ષકો સાથે મીટિંગમાં હાજરી આપ્યા બાદ પોતાના બાંદ્રાના નિવાસે પાછા ફરી રહ્યા હતા ત્યારે પુત્ર ઝીશાન સિદ્દીકીની ઓફિસ બહાર તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. છાતીમાં ગોળી વાગતાથી સિદ્દીકી ઘાયલ થયા હતા અને બાદમાં તેમનું મૃત્યુ થયું હતું.
આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે બે શૂટર ગુરમેલ સિંહ અને ધર્મરાજ કશ્યપ સહિત પંદર આરોપીની અગાઉ ધરપકડ કરી હતી. દરમિયાન બાબા સિદ્દીકી હત્યાકેસના સાક્ષીદારને ધમકીભર્યો ફોન આવ્યો હતો, જેમાં પાંચ કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. આ પ્રકરણે ખાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.