નવી દિલ્હી: પ્રયાગરાજમાં મહાકુંભમાં થયેલી ભાગદોડનો મુદ્દો આજે સંસદમાં ગાજ્યો હતો. આ મુદ્દે વિપક્ષના સાંસદોએ ચર્ચા કરવાની માંગ કરી હતી. ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના સાંસદ રવિશંકર પ્રસાદે ગૃહમાં પોતાના નિવેદન દરમિયાન ‘મહાકુંભ’માં થયેલી ભાગદોડની ઘટનાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું હતું કે આ હોનારતમાં ‘ષડયંત્ર’ની શંકા છે, જ્યારે તપાસ રિપોર્ટ આવશે ત્યારે કેટલાક લોકો શરમ અનુભવશે.
મહાકુંભ દુર્ઘટનામાં કોઈ ષડયંત્રની ગંધ
સોમવારે મહાકુંભ દુર્ઘટનાને લઈને સંસદમાં વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. આ મુદ્દા પર વિપક્ષે રાજ્યસભામાંથી વોકઆઉટ પણ કર્યું હતું. લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન મુદ્દે પણ જોરદાર ચર્ચા કરવામાં આવી હતી. દરમિયાન, ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે આશંકા વ્યક્ત કરી હતી કે મહાકુંભ દુર્ઘટનામાં કોઈ ષડયંત્ર હોઈ શકે છે અને દુર્ઘટનાની તપાસ બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે. જ્યારે સંપૂર્ણ તપાસ થશે, ત્યારે ષડયંત્ર કરનારાઓએ શરમથી ઝૂકવું પડશે. વિપક્ષ પર નિશાન સાધતા ભાજપના સાંસદે કહ્યું હતું કે ‘કુંભ અને સનાતનનું નામ સાંભળીને તેઓ કેમ નારાજ થાય છે?’ પરંતુ હું આ ગૃહમાં એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે ભારત સનાતનનું અપમાન સહન કરશે નહીં.
જયા બચ્ચને કહ્યું મૃતદેહોને ગંગામાં ફેંકાયા
સપા (સમાજવાદી પાર્ટી)ના રાજ્યસભાનાં સાંસદ જયા બચ્ચને સંસદ પરિસરમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે હાલમાં પાણી ક્યાં સૌથી વધુ દૂષિત છે? તે કુંભનું છે. મૃતદેહોને ગંગામાં ફેંકી દેવામાં આવ્યા હતા, જેનાથી પાણી દૂષિત થયું હતું. વાસ્તવિક મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી નથી. કુંભમાં જનારા સામાન્ય માણસને ખાસ સુવિધાઓ મળી રહી નથી અને તેમના માટે કોઈ વ્યવસ્થા પણ નથી. કરોડો લોકોએ સ્નાન કર્યું છે તેવું ખોટું બોલવામાં આવી રહ્યું છે. આટલી મોટી સંખ્યામાં લોકો એક જગ્યાએ કેવી રીતે ભેગા થઈ શકે?
મહાકુંભમાં થયેલી ભાગદોડની ઘટના પર લોકસભામાં કોંગ્રેસ, સપા અને કેટલાક અન્ય વિપક્ષી પક્ષોના સભ્યોએ કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો. સરકારે કહ્યું હતું કે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષી પક્ષો કોઈ પણ મુદ્દો ઉઠાવી શકે છે. બજેટ સત્રના ત્રીજા દિવસે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સભ્યોએ મહાકુંભમાં થયેલી ભાગદોડની ઘટના પર સરકાર પાસેથી જવાબ માંગતા સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને