ક્વાલાલમ્પુરઃ ભારત આજે અહીં સાઉથ આફ્રિકાને ફાઇનલમાં નવ વિકેટે હરાવીને ગર્લ્સ અન્ડર-19 ટી-20 વર્લ્ડ કપની સતત બીજી ટ્રોફી જીત્યું અને એ વિજયમાં સૌથી મોટા યોગદાન આપનાર નવ ખેલાડીઓની રસપ્રદ વિગતો અહીં પીટીઆઇના અહેવાલને આધારે આપવામાં આવી છે.
Also work : યુવરાજ પાછો આવી રહ્યો છે સિક્સરનો વરસાદ વરસાવવા, આ ટીમમાં થઈ ગયું સિલેક્શન
(1) ગૉન્ગાડી તૃષાઃ હૈદરાબાદની આ રાઇટ-હૅન્ડ ઓપનિંગ બૅટરના કુલ 309 રન આખી ટૂર્નામેન્ટની તમામ બૅટર્સમાં હાઇએસ્ટ હતા. તે લેગ-સ્પિનર પણ છે અને તેણે કુલ સાત વિકેટ પણ લીધી હતી. તેને આગામી વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)માટે પસંદ ન કરવા બદલ સ્પર્ધાની ટીમો જરૂર અફસોસ કરતી હશે.
(2) જી. કમલિનીઃ તામિલનાડુની આ લેફ્ટ-હૅન્ડ ઓપનિંગ બૅટરે કુલ 143 રન બનાવ્યા જે તમામ બૅટર્સમાં ત્રીજા સ્થાને છે. તે મોટા ભાઈ પરથી પ્રેરણા લઈને ક્રિકેટમાં કરીઅર બનાવી છે. મુંબઈ ઇન્ડિયન્સે તેને ડબ્લ્યૂપીએલ માટે 1.60 કરોડ રૂપિયામાં મેળવી હતી.
(3) વૈષ્ણવી શર્માઃ ગ્વાલિયરની આ લેફ્ટ-આર્મ સ્પિનરે કુલ 17 વિકેટ લીધી જે આ ફૉર્મેટના વિશ્વ કપમાં નવો વિક્રમ છે. છ મૅચમાં તેણે આ મુજબ પર્ફોર્મ કર્યુંઃ પાંચ રનમાં પાંચ વિકેટ, ત્રણ રનમાં એક, 15 રનમાં ત્રણ, પાંચ રનમાં ત્રણ, 23 રનમાં ત્રણ અને 23 રનમાં બે વિકેટ.
(4) આયુષી શુક્લાઃ આ લેફ્ટ-આર્મ સ્પિનરે ટૂર્નામેન્ટમાં કુલ 14 વિકેટ લીધી હતી જે વૈષ્ણવીની 17 વિકેટ પછી બીજા નંબરે છે. આયુષીના સ્પિન તમામ હરીફ ટીમો માટે માથાનો દુખાવો થઈ ગયા હતા.
(5) નિકી પ્રસાદઃ ડોમેસ્ટિક ક્રિકેટમાં કર્ણાટક વતી રમી ચૂકેલી ડબ્લ્યૂપીએલની આ દિલ્હી કૅપિટલ્સની પ્લેયર ભારતે જીતેલા આ વખતના વર્લ્ડ કપમાં કૅપ્ટન હતી. તેણે સાતમાંથી માત્ર બે મૅચમાં બૅટિંગ કરવી પડી હતી જેમાં તેણે 11 રન અને અણનમ પાંચ રન બનાવ્યા હતા. તેની ઉત્કૃષ્ટ કૅપ્ટન્સીનું ભારતની જીતમાં બહુ મોટું યોગદાન છે.
(6) સનિકા ચળકેઃ આજે ફાઇનલમાં વિનિંગ ફોર ફટકારનાર મુંબઈની આ લેફ્ટ-હૅન્ડ બૅટર કૅપ્ટન નિકી પ્રસાદની ડેપ્યૂટી કૅપ્ટન હતી. તેણે સ્પર્ધામાં કુલ 95 રન બનાવ્યા હતા.
(7) પારુણિકા સિસોદિયાઃ દિલ્હીની આ લેફ્ટ-આર્મ સ્પિનરે (ફૉર્થ હાઇએસ્ટ) કુલ 10 વિકેટ લીધી હતી. તે ટીમની મુખ્ય બોલર્સ માટે સફળ બૅક-અપ બોલર બની હતી. ડબ્લ્યૂપીએલમાં તે ગુજરાત જાયન્ટ્સની ખેલાડી છે.
(8) વી. જે. જોશીથાઃ કેરળની આ પેસ બોલરે છ મૅચમાં છ વિકેટ લીધી હતી. સ્પિનર્સના પ્રભુત્વ વચ્ચે તેણે પણ ભારતને ઘણી સફળતાઓ અપાવી હતી.
(9) શબનમ શકીલઃ વિશાખાપટનમની આ 17 વર્ષીય ખેલાડી 2023ની વર્લ્ડ ચૅમ્પિયન ટીમમાં પણ હતી. ખાસ કરીને શ્રીલંકા સામેની પડકારરૂપ મૅચમાં તેણે નવ રનમાં બે મહત્ત્વપૂર્ણ વિકેટ લઈને ભારતને જિતાડવામાં મોટું યોગદાન આપ્યું હતું.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને