નાગપુરઃ ભારતે રવિવારે મુંબઈમાં ઇંગ્લૅન્ડને 150 રનના તોતિંગ માર્જિન સાથે છેલ્લી ટી-20 હરાવવાની સાથે જે શ્રેણી 4-1થી જીતી લીધી એના મૅન ઑફ ધ સિરીઝ' અને શ્રેણીમાં સૌથી વધુ 14 વિકેટ લેનાર સ્પિનર વરુણ ચક્રવર્તીનો ગુરુવાર, છઠ્ઠી ફેબ્રુઆરીએ ઇંગ્લૅન્ડ સામે શરૂ થનારી ત્રણ મૅચની વન-ડે સિરીઝની ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
રોહિત શર્માના સુકાનમાં ઇંગ્લૅન્ડ સામે રમનારી ટીમના 16 ખેલાડીમાં પાંચ સ્પિનર છે. ભારતની સ્પિન-ફોજમાં વરુણ ઉપરાંત બે લેફ્ટ-આર્મ સ્પિનર રવીન્દ્ર જાડેજા તથા અક્ષર પટેલ તેમ જ વૉશિંગ્ટન સુંદર અને એકમાત્ર રિસ્ટ-સ્પિનર કુલદીપ યાદવનો સમાવેશ છે.
મિસ્ટરી સ્પિનર’ તરીકે ઓળખાતા વરુણને આ સિરીઝમાં રમાડવામાં આવશે એ નક્કી છે એટલે બની શકે કે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં તેને ચારમાંથી એક સ્પેશિયાલિસ્ટ સ્પિનરના સ્થાને રમાડવામાં આવશે.
આપણ વાંચો: ભારતનો ટી-20 કૅપ્ટન અચાનક બદલી નાખવામાં આવશે? કેમ આવો રિપોર્ટ વાઇરલ થયો?
એવું મનાય છે કે વરુણને ઇલેવનમાં સમાવવા કુલદીપ યાદવ અથવા વૉશિંગ્ટન સુંદરને ચૅમ્પિયન્સ ટ્રોફી માટેની ટીમની બહાર રાખવામાં આવશે. જોકે વરુણ ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝમાં કેવું રમશે એના પર બધો આધાર રહેશે.
લેગબે્રક ગૂગલી સ્પેશિયાલિસ્ટ વરુણ હજી સુધી વન-ડે નથી રમ્યો એટલે તેને ડેબ્યૂનો મોકો મળશે. ભારત વતી તે માત્ર ટી-20 રમ્યો છે જેમાં તેણે 18 મૅચમાં 33 વિકેટ લીધી હતી.
ભારતે આઇસીસીને ચૅમ્પિયન્સ ટ્રોફી માટેની અંતિમ ટીમ 12મી ફેબ્રુઆરી સુધીમાં આપી દેવાની છે.
આજે નાગપુરની નેટ પ્રૅક્ટિસમાં વરુણે ખૂબ પ્રૅક્ટિસ કરી હતી.
આપણ વાંચો: ભારતની નવી અન્ડર-19 ટી-20 વર્લ્ડ ચૅમ્પિયનને ઓળખો…
વાઇસ-કૅપ્ટન શુભમન ગિલે પત્રકારોને સમર્થન આપતા જણાવ્યું હતું કે `વરુણને ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ માટેની ટીમમાં સમાવવામાં આવ્યો છે.’
કહેવાય છે કે હેડ-કોચ ગૌતમ ગંભીર ઇચ્છે છે કે વરુણનું ટી-20 સિરીઝ પછી હવે રિધમ જળવાઈ રહે તેમ જ નેટમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને રિષભ પંત સામે બોલિંગ કરે.
વરુણે તાજેતરમાં રાષ્ટ્રીય વન-ડે સ્પર્ધામાં તામિલનાડુ વતી 18 વિકેટ લીધી હતી.
આપણ વાંચો: IND vs ENG મુંબઇ ટી-20 માટે ભારતીય ટીમમાં ફેરબદલ, ત્રણ ખેલાડીઓની એન્ટ્રી, આવી હશે ટીમ
ઇંગ્લૅન્ડ સામે વન-ડે રમનારી ભારતીય ટીમઃ
રોહિત શર્મા (કૅપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કે. એલ. રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, વૉશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા (ફક્ત પહેલી બે વન-ડે માટે), મોહમ્મદ શમી તથા અર્શદીપ સિંહ તેમ જ જસપ્રીત બુમરાહ (માત્ર ત્રીજી વન-ડે માટે).
વન-ડે શ્રેણીનું શેડ્યુલ
વાર/તારીખ મૅચ સ્થળ સમય
ગુરુ/6 ફેબ્રુઆરી પ્રથમ વન-ડે નાગપુર બપોરે 1.30
રવિ/9 ફેબ્રુઆરી બીજી વન-ડે કટક બપોરે 1.30
બુધ/12 ફેબ્રુઆરી ત્રીજી વન-ડે અમદાવાદ બપોરે 1.30
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને