![13 akhadas volition bid farewell from today, they person started taking down their flags](https://bombaysamachar.com/wp-content/uploads/2025/02/13-akhada-farewell.webp)
મહાકુંભનગર (ઉત્તર પ્રદેશ): મહાકુંભમાં અખાડાઓએ કઢી-પકોડાની ભોજ સાથે પોતપોતાના ધ્વજને ઉતારવાની શરૂઆત કરી હતી. જોકે મહાકુંભ મેળાનું 26મી ફેબ્રુઆરીએ સ્નાન સાથે સમાપન થશે, પરંતુ હવે મહાકુંભનું ગૌરવ એવા 13 અખાડાઓ સંપૂર્ણપણે વિદાય લેવાનો સમય આવી ગયો છે.
મહાકુંભ મેળાના મુખ્ય આકર્ષણો અખાડાઓનું વસંત પંચમીના રોજ અંતિમ અમૃત સ્નાન બાદ કઢી-પકોડાના ભોજન સાથે મહાકુંભ મેળામાંથી પ્રસ્થાનની શરૂઆત થઇ ગઇ છે. આમાં સન્યાસી (શિવના ઉપાસકો), બૈરાગી (રામ અને કૃષ્ણના ઉપાસકો) અને ઉદાસીન (પંચ દેવના ઉપાસકો)ના તમામ 13 અખાડાનો સમાવેશ થાય છે.
જ્યારે બૈરાગી સંપ્રદાયના પંચ નિર્વાણી અખાડાના 150 જેટલા સાધુ-સંતો વસંત પંચમીના બીજા દિવસે કઢી પકોડાના ભોજન કરીને અહીંથી પ્રસ્થાન કરી ચૂક્યા છે. ત્યારે નાગા સંન્યાસીઓના જૂના અખાડા આવતીકાલથી કઢી પકોડાનો ભોજ કર્યા બાદ અહીંથી પ્રસ્થાન કરવાની શરૂઆત કરશે.
જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા શ્રી મહંત નારાયણ ગિરીએ જણાવ્યું હતું કે, “અમારા અખાડામાં સાત ફેબ્રુઆરીએ કઢી પકોડાનો ભોજ થશે ત્યાર બાદ સાધુ-સંતો ધર્મની ધજાની દોરીને ઢીલી કરી દેશે અને અહીંથી પ્રસ્થાન કરવાની શરૂઆત કરશે.
શ્રી મહંત નારાયણ ગિરીએ કહ્યું, “અહીંથી સાધુ-સંતો કાશી જવા રવાના થશે જ્યાં તેઓ મહાશિવરાત્રી સુધી રોકાશે અને શોભાયાત્રા કાઢીને કાશી વિશ્વનાથના દર્શન કર્યા બાદ સ્મશાનની હોળી રમશે અને ગંગામાં સ્નાન કરશે. આ પછી તેઓ પોતપોતાના મઠો અને આશ્રમો માટે રવાના થશે.
શ્રી મહંત નારાયણ ગિરીએ જણાવ્યું કે કાશીમાં જૂનાની સાથે આવાહન અને પંચ અગ્નિ અખાડાના સંતો પણ શોભા યાત્રા કાઢે છે અને સ્મશાનની હોળી રમીને અને ગંગામાં સ્નાન કરીને પોતપોતાના ગંતવ્ય સ્થાનો માટે રવાના થાય છે.
તેમણે કહ્યું કે બૈરાગી અખાડાઓમાં કેટલાક સાધુ-સંતો અયોધ્યા જાય છે અને કેટલાક વૃંદાવન જાય છે જ્યાં તેઓ ભગવાન રામજી સાથે હોળી રમે છે. જ્યારે ઉદાસીન અને નિર્મલ અખાડાના સાધુ સંતો પંજાબ (આનંદપુર સાહિબ) જાય છે.
શ્રી પંચ નિર્વાણી અની અખાડા સાથે સંકળાયેલા અયોધ્યાના હનુમાનગઢીના મહંત રાજુ દાસે પીટીઆઈને જણાવ્યું કે, “વસંત પંચમીના બીજા જ દિવસે અમારા અખાડામાં કઢી પકોડાનો ભોજ માણ્યા બાદ લગભગ 150 સંતો મેળામાંથી નીકળી ગયા હતા અને લગભગ 35 સંતો અહીં રોકાયા હતા. ઠાકુરજીને અહીંથી હટાવ્યા બાદ ધર્મનો ધ્વજ નીચો કરવામાં આવશે.
શ્રી પંચાયતી અખાડા બડા ઉદાસીનના પ્રમુખ શ્રી મહંત મહેશ્વર દાસજી મહારાજે જણાવ્યું હતું કે, “અમારા અખાડામાં પણ 7 ફેબ્રુઆરીએ કઢી પકોડાનું ભોજન કરવામાં આવશે અને ધાર્મિક ધ્વજ નીચે ઉતારવામાં આવશે. આ પછી સંત મહાત્મા અહીંથી પ્રયાણ કરશે. તેમણે કહ્યું કે અહીંથી સાધુ સંતો પ્રયાગરાજના કીડગંજમાં અખાડાના મુખ્યાલય જશે, જ્યાં તેઓ શિવરાત્રિ સુધી રોકાશે અને ત્યાર બાદ પ્રવાસ પર જશે.
આ પણ વાંચો…રતન ટાટાના વસિયતનામામાં ચોંકાવનારો ખુલાસો, આ અજાણ્યા વ્યક્તિના નામે કર્યા 500 કરોડ રૂપિયા
જૂના અખાડાના શ્રી મહંત નારાયણ ગીરીએ જણાવ્યું કે વસંત પંચમી પછી માઘી પૂર્ણિમા અને મહાશિવરાત્રીનું સ્નાન સામાન્ય ભક્તો માટે છે અને અખાડાઓના સાધુ સંતો આ માટે મહાકુંભમાં રોકાતા નથી. તેથી પૂર્ણિમાના દિવસ (માઘી પૂર્ણિમા) પહેલા તમામ સાધુ સંતો અહીંથી પ્રયાણ કરશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને