Aditi Tatkare

મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન અને એનસીપીનાં નેતા અદિતિ તટકરેએ બુધવારે કહ્યું હતું કે, શાસક મહાયુતિના ટોચના નેતાઓ જિલ્લા પાલક પ્રધાનોની નિમણૂંક અંગે ગઠબંધનમાં ચાલી રહેલા વિવાદ પર નિર્ણય લેશે. આ પહેલાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ એવી જાહેરાત કરી હતી કે પાલક પ્રધાનપદને લઈને થયેલા વિવાદનું નિરાકરણ મુખ્ય પ્રધાન ફડણવીસ દાવોસથી પાછા ફર્યા બાદ થઈ જશે.

મુંબઈમાં કેઈએમ હોસ્પિટલના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા એકનાથ શિંદેને જ્યારે પાલક પ્રધાનપદને લઈને ચાલી રહેલા વિવાદ અંગે પ્રશ્ર્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે ફક્ત એટલું જ કહ્યું હતું કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દાવોસથી પાછા ફર્યા બાદ આ મુદ્દે ચર્ચા કરીને પ્રશ્ર્ન ઉકેલી કાઢીશું.

આ પદ માટે હરીફ દાવાઓ સામે આવ્યા પછી, તેમના ગૃહ જિલ્લા રાયગડના પાલક પ્રધાન તરીકે તટકરેની અને નાશિકના પાલક પ્રધાન તરીકે ગિરીશ મહાજનની નિમણૂંક પર રોક લગાવવામાં આવી હતી.

શિવસેનાના નેતા ભરત ગોગાવલે દ્વારા તેમની નિમણૂંકનો વિરોધ કરવા અંગે પૂછવામાં આવતાં તટકરેએ કહ્યું હતું કે, ‘અમને એકનાથ શિંદે પર વિશ્ર્વાસ છે અને આશા છે કે તેઓ યોગ્ય નિર્ણય લેશે.’

રાયગડના ગોગાવલેએ વારંવાર કહ્યું હતું કે તેઓ આ પદ માટે ઉત્સુક છે. નાશિકમાં પણ, સ્થાનિક શિવસેનાના નેતાઓ પાલક પ્રધાનપદ પર નજર રાખી રહ્યા હતા,

ઇચ્છા વ્યક્ત કરવી એ કોઈ સમસ્યા નથી, પરંતુ મુદ્દો એ છે કે આપણે તેને કેવી રીતે વ્યક્ત કરીએ છીએ, એમ મહિલા અને બાળ વિકાસ ખાતાના પ્રધાન તટકરેએ કહ્યું હતું.

આ પણ વાંચો : લાડકી બહેન યોજનાની અરજીઓની પુન: ચકાસણી કરવાનો નિર્ણય નહીં: અદિતી તટકરે…

‘મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાનો અજિત પવાર અને એકનાથ શિંદે જે નિર્ણય લે છે તે આપણા બધા માટે બંધનકર્તા હોવો જોઈએ. ગઠબંધનમાં પરસ્પર સમજણની જરૂર છે,’ એમ તેમણે જણાવ્યું હતું.

જ્યારે તેઓ અને તેમના પિતા, રાજ્ય એનસીપીના વડા સુનીલ તટકરે, રાયગઢ જિલ્લા પર પકડ જાળવી રાખવા માગે છે તેવી ટીકા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘અમે આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છીએ.’

તટકરેએ કહ્યું કે કોંકણના પાંચ વિધાનસભ્યોને પ્રધાન મંડળમાં સ્થાન મળ્યું છે જે દર્શાવે છે કે સરકાર દરિયાકાંઠાના ક્ષેત્રના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.

મહારાષ્ટ્ર સરકારે નાશિક, રાયગડ માટે પાલક પ્રધાનોની નિમણૂક પર રોક લગાવી હતી.

રાજ્યમાં રોકાણ આકર્ષવા માટે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ માટે દાવોસમાં રહેલા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પાલક પ્રધાનોની નિયુક્તિને કારણે વિવાદ થતાં હસ્તક્ષેપ કરવો પડ્યો હતો અને તેમના હાથ નીચે રહેલા સામાન્ય વહીવટીતંત્ર વિભાગે બે જિલ્લાઓ માટે નિમણૂંકો પર આગામી આદેશ સુધી રોક લગાવવાનો આદેશ જારી કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને