(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજ્યની મોટા ભાગની પાર્ટીઓમાં બળવાખોરોની હાજરી નેતાઓની ચિંતામાં વધારો કરી રહી છે. આ બળવાખોરોને મનાવીને ચોથી નવેમ્બર પહેલાં તેમના નામ પાછા ખેંચાવી લેવા માટેના પ્રયાસો બધી જ પાર્ટીના શિર્ષસ્થ નેતાઓ કરી રહ્યા છે.
ભાજપમાં પાર્ટીમાં અંતર્ગત બળવો કરનારા નેતાઓ છે, મહાયુતિમાં અંદર-અંદર બળવો કરનારા ઉમેદવારો છે. આવી જ રીતે મહાવિકાસ આઘાડીમાં પણ યુતિ ધર્મને અવગણીને ઉમેદવારી નોંધાવનારા ઉમેદવારો છે. આ બધાને કારણે પાર્ટીના સત્તાવાર ઉમેદવારોને ફટકો પડવાની શક્યતાઓ જોવાઈ રહી છે. આ બધાને ધ્યાનમાં રાખીને ભાજપના દેવેન્દ્ર ફડણવીસ, શિવસેનામાં એકનાથ શિંદે, કૉંગ્રેસના રમેશ ચેન્નીથલા અને બાળાસાહેબ થોરાત તેમ જ એનસીપી (એસપી)ના શરદ પવાર અત્યારે ઓવરટાઈમ કરી રહ્યા છે.
આ પણ વાંચો: વિધાનસભા ચૂંટણી -2024 રાજ્યમાંથી 288 મતવિસ્તારો માટે અત્યાર સુધીમાં 7995 ઉમેદવારો 10905 નોમિનેશન લેટર ફાઈલ…
રમેશ ચેન્નીથલાએ બુધવારે રાજ્યમાં કોઈ મૈત્રીપુર્ણ લડાઈ ચલાવી લેવામાં આવશે નહીં એવું નિવેદન કર્યું હતું. તેમણે બધા જ બળવાખોરોને મનાવી લેવાના નિર્દેશ રાજ્યના નસીમ ખાન સહિતના નેતાઓને આપ્યા છે.
બીજી તરફ ભાજપના દેવેન્દ્ર ફડણવીસે બુધવારે કહ્યું હતું કે મહાયુતિના બધા જ બળવાખોરોને મનાવી લેવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. કેટલાક સંભવિત બળવાખોરોને ઉમેદવારી ફોર્મ ભરવા પહેલાં મનાવી લેવામાં ભાજપના નેતાઓને સફળતા મળી હતી, પરંતુ આમ છતાં રાજ્યમાં કેટલેક સ્થળે બળવાખોરો મેદાનમાં છે અનેે તેમને મનાવવા માટેેના પ્રયાસો ચાલી રહ્યા હોવાનું દેવેન્દ્ર ફડણવીસે બુધવારે કહ્યું હતું.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સત્તા માટે પારિવારિક સંઘર્ષ…
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ પોતાની પાર્ટીના કેટલાક બળવાખોરોને ઉમેદવારી પત્રક ભરવા પહેલાં જ રોકવામાં સફળતા મેળવી હતી અને બાકીનાને મનાવવા માટે પ્રયાસો ચાલી રહ્યા હોવાનું પાર્ટીના સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
મહાવિકાસ આઘાડીમાં કેટલેક સ્થળે એનસીપી (એસપી)ના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને પોતાનો દાવો માંડ્યો છે તેમને મનાવવાની જવાબદારી શરદ પવારને સોંપવામાં આવી હોવાથી તેઓ પણ અત્યારે જયંત પાટીલને દોડાવી રહ્યા છે.