મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યાને લગભગ 24 કલાક થવા આવ્યા પરંતુ હજુ પણ મહાવિકાસ આઘાડીને માન્યામાં આવતું નથી, કે તેઓ માત્ર 57 બેઠકમાં સમેટાઈ ગયા છે. રાજ્યમાં 288 બેઠકમાંથી મહાયુતીને 233 બેઠક પર વિજય મળ્યો છે. કૉંગ્રેસને 16, ઉદ્ધવસેનાને 21 અને શરદ પવારની એનસીપીને માત્ર 10 બેઠક પર વિજયથી સંતોષ માનવો પડ્યો છે.
આ પણ વાંચો : ચૂંટણી પરિણામોનું ચોંકાવનારું ગણિતઃ 57 બેઠકવાળી શિંદેસેના કરતા 16 બેઠકવાળી કૉંગ્રેસનો વૉટશેર વધુ
મહાવિકાસ આઘાડીના ત્રણેય પક્ષોના આટલા નિરાશાજનક પરિણામને લીધે મહારાષ્ટ્ર વિધાનસભા સદનમાં વિરોધપક્ષનો નેતા નહીં રહે ત્યારે બીજી બાજુ ત્રણ નેતાના રાજ્યસભાના સાંસદપદ પર પણ ખતરો તોળાઈ રહ્યો છે.
કોણ છે આ ત્રણ નેતા
આ ત્રણ નેતામાં સૌથી કદાવર નેતા છે એનસીપીના સ્થાપક શરદ પવાર. શરદ પવારનો રાજ્યસભાના સાંસદ તરીકે 3 એપ્રિલ, 2020માં ચૂંટાઈ આવ્યા હતા અને તેમનો કાર્યકાળ 3 એપ્રિલ, 2026 સુધીનો છે. તેમની સાથે જ શિવસેના (યુબીટી)ના મહિલા નેતા પ્રિયંકા ચતુર્વેદીનો કાર્યકાળ પણ પૂરો થાય છે અને તેમના બાદ એટલે કે 2028માં શિવસેનાના સૌથી બોલકા પ્રવક્તા સંજય રાઉતનો કાર્યકાળ પૂરો થશે.
શરદ પવારે તો પહેલા જ જાહેર કરી દીધું છે કે રાજ્યસભાના સાંસદ તરીકે આ મારો છેલ્લો કાર્યકાળ છે, પરંતુ તેમની જગ્યાએ પણ કોઈ નેતાને તેઓ મોકલવા માગતા હશે. આ સાથે રાઉત અને ચતુર્વેદી અથવા તો તેમના પક્ષના અન્ય કોઈ નેતા માટે રાજ્યસભામાં જવુ અઘરું બની રહેશે.
વિધાનસભામાં તેમના સભ્યો ન હોવાથી તેમને સમર્થન મળવાનું મુશ્કેલ બની રહેશે.
ગુજરાત કૉંગ્રેસની સ્થિતિ પણ આવી જ
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ભાજપની જંગી જીતમાં આ બે નેતાઓની મહત્વની ભૂમિકા
હાલમાં ગુજરાતમાં પણ આવી જ હાલત છે. લોકસભામાં કૉંગ્રેસના એક માત્ર સભ્ય ગેનીબેન ઠાકોર છે જ્યારે શક્તિસિંહ ગોહિલ રાજ્યસભાના એકમાત્ર ગુજરાતનુ પ્રતિનિધિત્વ કરતા સાંસદ છે. તેમનો કાર્યકાળ 2026માં પૂરો થાય છે, પરંતુ ગુજરાત કૉંગ્રેસ પાસે વિધાનસભ્યો નથી, આથી કૉંગ્રેસ માટે નવા નેતા મોકલવાનું શક્ય નથી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને