મુંબઈ: હરિયાણામાં કોંગ્રેસની જીત પાકી છે એવું સમજીને મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી (એમવીએ)ના લોકોએ કરોડો રૂપિયાના ફટાકડા ખરીદ્યા હતા, પણ મોટા ભાગની જગ્યાએ તેઓએ તેમના ફટાકડા ભાજપના કાર્યકરોને આપ્યા હતા.
આ પણ વાંચો : એક હૈ તો સેફ હૈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી
હરિયાણામાં કોંગ્રેસનો સફાયો થઇ ગયો હતો. એવી જ રીતે મહારાષ્ટ્રમાં પણ આઘાડી સાફ થઇ જશે અને ભાજપ જ સરકાર બનાવશે, એમ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે સાંગલી ખાતે પ્રચાર રેલીને સંબોધતા જણાવ્યું હતું.
કેન્દ્રીય પ્રધાન અમિત શાહે શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેને પણ નિશાન પર લીધા હતા. શાહે ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરતાં કહ્યું હતું કે જેઓ હિન્દુત્વને શરમ કહે છે, ભગવાન રામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવે છે અને આતંકવાદી અજમલ કસાબને બિરયાની ખવડાવે છે તેમની સાથે જોડાણ કરવામાં તેમને શરમ આવવી જોઇએ.
મહાયુતિની સરકાર એફડીઆઈ આકર્ષવામાં સફળ
તેમણે એનસીપી (શરદ પવાર)ના વડા શરદ પવાર પર જૂઠું બોલવાનો પણ આરોપ મૂક્યો હતો. પવાર કહે છે કે મહારાષ્ટ્રમાં રોકાણ આવી રહ્યું નથી. આ અંગે જવાબ આપતાં શાહે કહ્યું હતું કે મહાવિકાસ આઘાડી (એમવીએ)ના શાસન દરમિયાન વિકાસની દૃષ્ટિએ રાજ્યનું રેન્કિંગ નીચે ગયું હતું, પણ હવે મહાયુતિ સરકાર એફડીઆઈને આકર્ષવામાં સફળ રહી છે. તેમણે કહ્યું હતું કે શરદ પવાર આ ઉંમરે પણ જૂઠું બોલવામાં અચકાતા નથી. તેઓ કહે છે કે રોકાણ મહારાષ્ટ્રમાં આવતું નથી. હું તેમને એ કહેવા માગું છું કે તમારી ઉદ્ધવ ઠાકરે સાથે સરકાર હતી ત્યારે મહારાષ્ટ્રમાં વિકાસની દૃષ્ટિએ રાજ્યનું રેન્કિંગ નીચે ગયું હતું, પણ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ હેઠળની મહાયુતિ સરકાર સત્તા પર આવી ત્યારે એફડીઆઈને આકર્ષવામાં સફળ રહી છે.
આ પણ વાંચો : મહાવિકાસ આઘાડીમાં ચૂંટણી ઢંઢેરા અંગે અજિત પવારે કહ્યું લોકોને ગેરમાર્ગે દોરનારો છે…
અગ્નિપથ યોજના અંગે ખોટી માહિતી ફેલાવાય છે
૨૦મી નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી પહેલાં પશ્ચિમ મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં કરાડ ખાતે એક રેલીને સંબોધતાં શાહે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને જૂઠાણાની ફેક્ટરી ગણાવ્યા હતા અને આરોપ મૂક્યો હતો કે તેઓ અગ્નિપથ જેવી યોજના વિશે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતાં તેમણે કહ્યું હતું કે તેઓ એવા લોકો સાથે બેઠા છે જેઓ હિન્દુત્વને નપાખંડથ કહે છે. તમે અફઝલ ખાન અને ઔરંગઝેબની કબરોની રક્ષા કરનારાઓ સાથે બેઠા છો. જેઓ હિંદુઓને આતંકવાદી કહે છે તેમની સાથે તમે બેઠા છો. ૨૬/૧૧ના મુંબઈ આતંકવાદી હુમલાના દોષી અજમલ કસાબને બિરયાની ખવડનારાઓની સાથે તમે બેઠા છો.
રામના અસ્તિત્વ પર સવાલ કરનારા તમે છો
વિપક્ષની ટીકા કરતા તેમણે કહ્યું કે ભગવાન રામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવનારાઓ સાથે તમે બેઠા છો. તમને શરમ આવવી જોઇએ. ૨૦૧૯ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પછી શિવસેના જ્યારે એક હતી અને ભાજપની આગેવાની હેઠળની સરકારનો ભાગ હતી, તો પછી તેણે હરીફ કોંગ્રેસ અને એનસીપી સાથે કેમ હાથ મિલાવ્યા હતા.
શાહે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફડણવીસ અને શિંદે દ્વારા મહારાષ્ટ્રમાં રોડ કનેક્ટિવિટી, સમૃદ્ધિ એક્સપ્રેસવે, મુંબઈ કોસ્ટલ રોડ, અટલ સેતુ, મુંબઈ અને પુણેમાં મેટ્રો ટ્રેન અને સિંચાઈ પ્રોજેક્ટ જેવા સંખ્યાબંધ ઈન્ફ્રસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે. ફડણવીસે જળયુક્ત શિવાર યોજના રજૂ કરીને સિંચાઈની અનેક યોજનાઓ હાથ ધરી છે. હું શરદ પવારને અહીં કહું છું કે એમવીએ સરકારે મૂકેલા એક પણ કામ કર્યું હોય તો તેની યાદી રજૂ કરે. શાસક મહાયુતિ દ્વારા તેના ઢંઢેરામાં આપવામાં આવેલાં વચનોમાં લાડકી બહીણ યોજનાની રકમ ૧૫૦૦થી વધારીને ૨૧૦૦ રૂપિયા કરવાનો સમાવેશ થાય છે. આ નરેન્દ્ર મોદીની ગેરંટી છે, એમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો : Election Day: મતદાનના દિવસ માટે BMCએ કરી મહત્ત્વની જાહેરાત
બીજું શું કહ્યું અમિત શાહે?
- ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપ-સેના ગઠબંધનને લોકોનો જનાદેશ મળ્યો હતો, પણ ભાજપને છેતરવામાં આવી હતી, પરંતુ આ વખતે એવી કોઇ ભૂલ નહીં થાય, કારણ કે મહાયુતિ જંગી બહુમતી સાથે સરકાર બનાવશે.
- ઈન્દિરા ગાંધીએ વન રેન્ક વન પેન્શનનું વચન આપ્યું હતું, પણ કોંગ્રેસે ૪૦ વર્ષ શાસન કર્યું તેમ છતાં આ વચનને પૂરું નહોતું કરાયું. આ વચન મોદીએ પાળ્યું છે.
- રાહુલ ગાંધી જૂઠાણું ફેલાવવાની એક ફેક્ટરી ધરાવે છે. તેઓ અગ્નિપથ યોજના અંગે ખોટો પ્રચાર કરી રહ્યા છે. તેઓ એવું કહે છે કે અગ્નિપથ સેનાના જવાનોને બેરોજગાર બનાવી રહ્યા છે. આજે હું તેમને એવું જણાવવા માગું છું કે અગ્નિપથ એ યુવાનોને બેરોજગાર બનાવવાની યોજના નથી, પણ સેનાને યુવા બનાવવાની યોજના છે.
- આજે દરેક અગ્નિવીરને સેનામાં સેવા આપ્યા પછી નોકરી મળશે.
- યુપીએમાં કેન્દ્રીય પ્રધાન તરીકે શરદ પવાર અને ચવ્હાણના કાર્યકાળ દરમિયાન રાજ્યને માત્ર ૧.૯૧ લાખ કરોડ રૂપિયા મળ્યા હતા, પણ મોદીજીના ૧૦ વર્ષમાં મહારાષ્ટ્રને ૧૦.૧૫ લાખ કરોડ મળ્યા હતા. અને હજુ પણ પવાર કહે છે કે તેમની સાથે અન્યાય થયો છે.
- જો એમવીએ ભૂલથી મહારાષ્ટ્રમાં સત્તા પર આવે તો શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે તેમના દીકરા આદિત્ય ઠાકરેને મુખ્ય પ્રધાન બનાવવા માગે છે. શરદ પવાર તેમની પુત્રી માટે આ પદ ઈચ્છે છે અને કોંગ્રેસમાં ડઝનબંધ નેતાઓ છે જેમણે પહેલેથી જ સીએમ બનવા માટેનાં કપડાં સીવી લીધા છે.