મુંબઈ: મહારાષ્ટ્રમાં ઔદ્યોગિક જમીનનો ઉપયોગ કરવા માટે બિન-કૃષિ પરવાનગીની જરૂર રહેશે નહીં કારણ કે રાજ્ય સરકાર આ નિયમના ફેરફારને અમલમાં મૂકવા માટે સંબંધિત કાયદામાં સુધારો કરવાની યોજના બનાવી રહી છે, એમ મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર જમીન મહેસૂલ સંહિતામાં સુધારો કરવાનો નિર્ણય દેશના ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગના નેતૃત્વ હેઠળના વ્યવસાય સરળતાના ભાગ રૂપે લેવામાં આવ્યો છે, એમ પ્રધાને બુધવારે જણાવ્યું હતું.
અગાઉ જમીન-માલિકોને જમીનના ઔદ્યોગિક ઉપયોગ માટે બિન-કૃષિ (એનએ) દરજ્જાની જરૂર હતી. જોકે, સરકારે નોંધ્યું હતું કે આ પ્રક્રિયા માટે જરૂરી સમય લગભગ ઔપચારિક એનએ રૂપાંતર જેટલો જ હતો, જેના કારણે આ જરૂરિયાત દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, એમ બાવનકુળેએ નોંધ્યું હતું.
‘આ જરૂરિયાત દૂર કરવાથી ઉદ્યોગો માટે પ્રક્રિયાઓ સરળ બનશે. વ્યવસાયો માટે જમીન સંપાદન અને ઉપયોગને સરળ બનાવવા તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે. રાજ્ય સરકાર બિનજરૂરી અમલદારશાહીના અવરોધો ઘટાડીને ઔદ્યોગિક રોકાણને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે,’ એમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો : મહારાષ્ટ્રના પ્રધાન ધનંજય મુંડેની આંખોની શસ્ત્રક્રિયા
કાનૂની સુધારામાં થોડો સમય લાગશે, તેથી સરકારે સ્પષ્ટતા કરી છે કે ફેરફારો અમલમાં ન આવે ત્યાં સુધી, ઔદ્યોગિક જમીન વપરાશકર્તાઓને એનએ પરવાનગી લેવાની જરૂર રહેશે નહીં. તેના બદલે, તેમણે સંબંધિત આયોજન સત્તાધિકારી પાસેથી વિકાસની પરવાનગી મેળવવી પડશે અથવા તેમના બાંધકામ યોજનાઓને મંજૂરી મેળવવી પડશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
‘એકવાર આ થઈ જાય, પછી તેમણે સ્થાનિક મહેસૂલ અધિકારી (રાજ્યમાં તલાટી તરીકે ઓળખાય છે) પાસેથી મંજૂરી મેળવવાની રહેશે, જે શક્ય તેટલી વહેલી તકે રેકોર્ડ અપડેટ કરવા માટે જવાબદાર રહેશે,’ એમ તેમણે કહ્યું હતું.
બાવનકુળેએ એમ પણ કહ્યું હતું કે વર્ગ-બેની જમીન (લીઝહોલ્ડ)ને વર્ગ-એક (ફ્રીહોલ્ડ)માં રૂપાંતરિત કરવાની અંતિમ તારીખ એક વર્ષ લંબાવવામાં આવી છે, જેનાથી જમીન માલિકોને જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે વધારાનો સમય મળશે.
વર્ગ-બે ભોગવટો એ એક શરતી હોલ્ડિંગ છે જ્યાં જમીન વ્યક્તિઓને વિવિધ કારણોસર આપવામાં આવે છે, જેમાં પુરસ્કારનો પણ સમાવેશ થાય છે, અને કોઈપણ ટ્રાન્સફર માટે સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગીની જરૂર પડે છે.
બીજી બાજુ, વર્ગ-એક જમીનો મુક્તપણે ટ્રાન્સફર કરી શકાય એવી ફ્રી-હોલ્ડ જમીન છે અને સક્ષમ અધિકારીની કોઈપણ પરવાનગીને આધીન નથી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને