મુંબઈ: નાશિક જિલ્લાના માલેગાંવમાં જન્મનો દાખલો મેળવવા માટે બનાવટી દસ્તાવેજો કથિત રીતે રજૂ કરવા બદલ પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી.
આ પ્રકરણે પોલીસે ત્રણ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક તપાસને આધારે ધરપકડ કરાયેલા બે આરોપીને કોર્ટ સમક્ષ હાજર કરાયા હતા. માલેગાંવના ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ એસ. જે. ડોલારેએ આ ગંભીર પ્રકારનો ગુનો હોવાની નોંધ કરી બન્ને આરોપીને ચોથી ફેબ્રુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર ભાજપના એક નેતાએ તહેસીલદારને કરેલી ફરિયાદને આધારે આરોપી સૈયદ સાજીદ સૈયદ વહાબ, શબાનાબાનો શેખ હનીફ અને નઝમાબાનો અબ્દુલ શકૂર વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: હવે નકલી પાસપોર્ટ કૌભાંડઃ દ્વારકામાંથી તલાટી મંત્રી સહિત નવ જણ પકડાયા
ત્રણેય જણે બર્થ સર્ટિફિકેટ મેળવવા માટે તહેસીલદાર કાર્યાલયમાં ડિસેમ્બર, 2024માં બોગસ આધાર કાર્ડ, રેશન કાર્ડ, સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ, વૉટર આઈડી અને અન્ય દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ ત્રણેય આરોપી બાંગ્લાદેશી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.
આ ગુનામાં આરોપીઓને કોઈએ મદદ કરી હોય તો તેની તપાસ કરવા માટે આરોપીઓની કસ્ટડી જરૂરી હોવાનું પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું. જોકે બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે બધા દસ્તાવેજો બે આરોપીએ તહેસીલદાર ઑફિસમાં રજૂ કર્યા હોવાથી તેમની કસ્ટડીની જરૂર નથી.
આ પણ વાંચો: પાલિકાનો રેઢિયાળ કારભારઃ નાગરિકોને જરુરી સર્ટિફિકેટ લેવામાં હાલાકી
વકીલના કહેવા મુજબ વહાબ કૉલેજનો વિદ્યાર્થી છે અને તેના બધા દસ્તાવેજો કૉલેજમાં ઉપલબ્ધ છે, જ્યારે નઝમાનું નામ લગ્ન બાદ બદલવામાં આવ્યું હતું. તહેસીલદારે ચકાસણી પછી તેનું બર્થ સર્ટિફિકેટ આપ્યું હતું.
જોકે કોર્ટે નોંધ્યું હતું કે દસ્તાવેજોને જોતાં આ ગંભીર પ્રકારનો ગુનો લાગે છે. અનેક પ્રકારના બનાવટી દસ્તાવેજો રેવેન્યૂ અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે, એવા આક્ષેપો કરાયા છે. તેથી આ દસ્તાવેજો ક્યાંથી મેળવવામાં આવ્યા છે તેની તપાસ કરવી જરૂરી છે, એમ કોર્ટે જણાવ્યું હતું.
(પીટીઆઈ)
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને