(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ શહેર સહિત પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરના નાળાસફાઈના કામ માટે મુંબઈ મહાનગરપાલિકાએ ટેન્ડર બહાર પાડ્યા છે. નાળામાંથી ગાળ કાઢવા માટે લગભગ ૩૯૫ કરોડ રૂપિયાના ટેન્ડર કાઢવામાં આવ્યા છે. એ સિવાય મીઠી નદીને સાફ કરવા માટે પણ ૯૬ કરોડ રૂપિયાની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ટેન્ડર પ્રક્રિયાને યોગ્ય પ્રતિસાદ મળ્યો તો ફેબ્રુઆરી સુધીમાં પ્રશાસકીય પ્રક્રિયા પૂરી કરીને માર્ચથી નાળાસફાઈનું કામ ચાલુ કરવામાં આવશે.
મુંબઈમાં દર વર્ષે ચોમાસા પહેલા નાળાસફાઈનું કામ સ્ટોર્મવોટર ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ દ્વારા હાથ ધરવામાં આવે છે, જેમાં વોર્ડ સ્તરે નાના નાળા અને ગટરોનું કામ કરવા માં આવે છે. નાળામાંથી ગાળ કાઢવાથી ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થાય છે. ગયા વર્ષે પાલિકાએ ૩૧ કૉન્ટ્રક્ટરોને નાળાસફાઈના કામ આપ્યા હતા, તે માટે ૨૪૧.૨૭ કરોડ રૂપિયાનો ખર્ચ ગર્યો હતો અને ૧૦ લાખ ૨૨ હજાર ૧૩૧ મેટ્રિક ટન ગાળ કાઢવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. છતાં ગયા વર્ષે ચોમાસામાં પહેલા વરસાદમાં જ અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયાં હતાં. છેલ્લા થોડા વર્ષોના અનુભવને ધ્યાનમાં રાખીને પાલિકા જાન્યુઆરી મહિનાના અંતમાં જ નાળાસફાઈના કામ માટે ટેન્ડર બહાર પાડતી હોય છે.
પાલિકા આખા વર્ષ દરમ્યાન ચોમાસા પહેલા ૭૫ ટકા, ચોમાસામાં ૧૫ ટકા અને ચોમાસા બાદ ૧૦ ટકા એમ ત્રણ તબક્કામાં નાળાસફાઈનું કામ કરે છે. મુંબઈમાં લગભગ ૩૦૯ મોટા નાળા અને ૧,૫૦૮ નાના નાળા છે. તેમ જ રસ્તાને લાગીને ૧,૩૮૦ ગટરો છે.
આ પણ વાંચો…નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સંસદ પહોંચ્યા, બજેટનું કાઉન્ટ ડાઉન શરૂ
મીઠી નદીની સફાઈ માટે ૯૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો પૂર્વ ઉપનગરમાં મોટા નાળા માટે ૫૮ કરોડ ૧૮ લાખ ૪૭ ૧૪૦ રૂપિયા અને નાના નાળા, કલ્વર્ટસ માટે ૯૦ કરોડ ૨૪ લાખ ૯૦ હજાર ૭૯૦ રૂપિયા ખર્ચવામાં આવવાના છે. શહેરમાં મોટા નાળા માટે ૧૪ કરોડ ૯૧ લાખ ૫૯ હજાર ૪૨૬ અને નાના નાળા, કલ્વટર્સ માટે ૨૪ કરોડ ૮૫ લાખ ૩ હજાર ૧૨૨ તો પશ્ર્ચિમ ઉપનગરમાં મોટા નાળા માટે ૬૫ કરો ૯૭ લાખ ૧૧ હજાર ૭૫૦ રૂપિયા અને નાના નાળા, કલ્વર્ટસ માટે ૧૪૧ કરોડ ૮૭ લાખ ૩૨ હજાર ૭૦૫ રૂપિયાનો સમાવેશ થાય છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને