નવી દિલ્હીઃ સોમવારે બજેટ પરના રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર આયોજિત ચર્ચામાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર જોરદાર પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે મેક ઇન ઇન્ડિયાનો આઈડિયા તો શાનદાર હતો પરંતુ મોદીજી નિષ્ફળ ગયા છે અને દેશમાં અસમાનતા સતત વધી રહી છે.
રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના સંબોધનની પણ ટીકા કરી હતી અને કહ્યું હતું કે તેમનું સંબોધન માત્ર સરકારની ઉપલબ્ધિઓ જ દર્શાવતું હતું. તેમાં કંઈ જ નવું ન હતું. તેમના ભાષણમાં બેરોજગારીનો કોઈ ઉલ્લેખ ન હતો. રાષ્ટ્રપતિનું ભાષણ આવું ના હોવું જોઈએ. દેશનું ભવિષ્ય યુવાઓ છે, તેનો તેમણે ઉલ્લેખ કરવો જ જોઇએ.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે દેશનું ભવિષ્ય યુવાનોના હાથમાં છે. કેન્દ્ર સરકાર મેક ઇન ઇન્ડિયા લાવી એ સારો વિચાર છે, પરંતુ તેમનો આ વિચાર નિષ્ફળ ગયો છે. દેશમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર છેલ્લા 60 વર્ષમાં સૌથી નીચેના સ્તરે પહોંચી ગયું છે.
આપણ વાંચો: રાહુલ ગાંધી શા માટે જાતિ આધારિત વસ્તી ગણતરીનો આગ્રહ રાખે છે? તેલંગણાનો અહેવાલ આપી રહ્યો છે જવાબ
ભારત ઉત્પાદન પર ધ્યાન નથી આપી રહ્યું, માત્ર વપરાશ પર જ ધ્યાન આપી રહ્યું છે. જેને કારણે અસમાનતા વધી છે. દુનિયા હવે પેટ્રોલિયમ માંથી બેટરી અને ન્યુક્લિયર એનર્જી બનાવવા તરફ આગળ વધી રહી છે. પરંતુ ભારત આ પરિવર્તનને અપનાવવામાં પાછળ રહી ગયું છે.
ચીને ભારતીય જમીન પર કબજો કર્યો હોવાનો આક્ષેપ પણ રાહુલ ગાંધીએ કર્યો હતો અને દેશની સેનાએ પણ આ વાતની પુષ્ટિ કરી હોવાનું જણાવ્યું હતું, છતાંય પીએમ મોદી આ વાત નકારે છે, એમ તેમણે જણાવ્યું હતું. તેમના આ નિવેદન સામે શાસક પક્ષે વાંધો ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે દેશહિતમાં રાહુલ ગાંધીએ આવા નિવેદનો કરવાથી દૂર રહેવું જોઇએ.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મુદ્દો ઉઠાવતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે એઆઈ સંપૂર્ણપણે ડેટા પર નિર્ભર છે. ભારત પાસે પોતાનો કોઈ ડેટા નથી, જેને કારણે ભારતે ચીન અને અમેરિકા પર નિર્ભર રહેવું પડશે. જો ભારતે ટેકનોલોજીકલ ક્ષેત્રમાં આગળ વધવું હશે તો તેના ડેટા મેનેજમેન્ટ અને એઆઇ સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરવું જ પડશે.
આપણ વાંચો: Budget 2025: રાહુલ ગાંધી અને ખડગેએ બજેટ અંગે આપી આકરી પ્રતિક્રિયા…
રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી અંગે પણ સવાલ ઊભા કર્યા હતા અને કહ્યું હતું કે અહીં લોકસભાની ચૂંટણી પછી ને વિધાન સભાની ચૂંટણી પહેલા માત્ર પાંચ મહિનાના સમયગાળામાં છેલ્લા પાંચ વર્ષમાં જેટલા મતદારો ઉમેરવામાં આવ્યા તેનાથી વધુ મતદારો ઉમેરવામાં આવ્યા છે. લગભગ 70 લાખ મતદારો નવા ઉમેરાયા. આમાં ચોક્કસ સમસ્યા છે.
રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી પહેલા બે ચૂંટણી કમિશનર લાવવા સામે પણ સવાલ ઉઠાવ્યા હતા અને તેને એક સમજી વિચારેલી રણનીતિનો ભાગ કહ્યો હતો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને