મુંબઈઃ બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં ઓડિશા સામે મુંબઈ ચાર દિવસીય રણજી મૅચમાં એક દાવથી વિજય મેળવવાની તૈયારીમાં છે. અજિંક્ય રહાણેના સુકાનમાં મુંબઈએ શ્રેયસ ઐયરના 233 રન અને સિદ્ધેશ લાડના અણનમ 169 રનની મદદથી ચાર વિકેટે બનેલા 602 રનના સ્કોર પર પ્રથમ દાવ ડિક્લેર કર્યા બાદ ઓડિશાની ટીમે સંદીપ પટનાઇકના 102 રનની મદદથી 285 રન બનાવ્યા પછી પણ ફૉલો-ઑન થવું પડ્યું હતું. લેફ્ટ-આર્મ સ્પિનર શમ્સ મુલાનીએ છ વિકેટ અને ઑફ સ્પિનર હિમાંશુ સિંહે ત્રણ વિકેટ લીધી હતી.
Also read: સંજુ સેમસને સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, આ કારનામું કરનારો બન્યો પ્રથમ ભારતીય ખેલાડી…
બીજા દાવમાં ઓડિશાએ રમતના અંત સુધીમાં 126 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. હિમાંશુએ ફરી ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે એક વિકેટ મુલાનીએ અને એક રૉયસ્ટન ડાયસે લીધી હતી. રાંચીમાં ચાર દિવસીય મૅચમાં ઝારખંડના 306 રનના જવાબમાં સૌરાષ્ટ્રએ ઓપનર હાર્વિક દેસાઈના 155 રન, અર્પિત વસાવડાના 73 રન અને ચિરાગ જાનીના 56 રનની મદદથી 386 રન બનાવીને 80 રનની સરસાઈ લીધી હતી. બીજા દાવમાં ઝારખંડે 74 રનમાં એક વિકેટ ગુમાવી દીધી હતી.
અગરતલામાં બરોડા (235 રન) સામે ત્રિપુરા (482/7 ડિક્લેર્ડ)એ 247 રનની સરસાઈ લીધી હતી. બીજા દાવમાં બરોડાના વિના વિકેટે 37 રન હતા અને ત્રિપુરાથી હજી 210 રન પાછળ હતું.
Also read: કોહલી-રોહિત માટે `ગાંગુલીના દુશ્મન’ની સલાહ, સચિનનું નામ લઈને પણ કહી મોટી વાત…
અમદાવાદમાં પુડુચેરીએ 361 રન બનાવ્યા બાદ ગુજરાતે ઓપનર આર્ય દેસાઈ (200 રન, 342 બૉલ, ત્રણ સિક્સર, 26 ફોર)ની ડબલ સેન્ચુરીની મદદથી નવ વિકેટે 359 રન બનાવ્યા હતા. શનિવારે મૅચનો આખરી દિન છે.