મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે બજારની અપેક્ષાનુસાર વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો વધુ ઘટાડો કર્યો હોવાથી ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોના-ચાંદીના ભાવમાં સુધારો જોવા મળ્યા બાદ આજે લંડન ખાતે પુનઃ વધ્યા મથાળેથી ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું. જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 1398નું અને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 697થી 700નું બાઉન્સબૅક જોવા મળ્યું હતું. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ પાંચ પૈસા ઘટીને ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરો વધી આવતા પણ સોનામાં સુધારાને ટેકો મળ્યો હતો.
Also read: Stock Market : ફેડ રેટ કટની શેરબજાર પર નહિવત અસર, બજારમાં સપાટ ટ્રેડિંગ , જાણો કયા શેરમાં ઘટાડો
આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 1398ના બાઉન્સબૅક સાથે રૂ. 91,767ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી રહી હતી, જ્યારે રિટેલ સ્તરની અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પાંખી રહી હોવા છતાં ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 697 વધીને રૂ. 77,170 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 700 વધીને રૂ. 77,480ના મથાળે રહ્યા હતા.
દરમિયાન ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વે બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે બજારની અપેક્ષાનુસાર વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો ઘટાડો કર્યો હતો, પરંતુ ભાવિષ્યમાં વ્યાજદરમાં કપાત માટે સાવચેતીનું વલણ અપનાવવામાં આવશે તેમ જ તાજેતરનાં અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીના પરિણામોની નાણાનીતિ પર આગામી ટૂંકાગાળાર્માંં કોઈ અસર જોવા નહીં મળે, એમ ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે જણાવ્યું હતું. જોકે, ફેડરલના વ્યાજદરમાં કપાતના નિર્ણય બાદ ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું, પરંતુ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.8 ટકા ઘટીને 2683.09 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
Also read: US Fed Rate Cut: અમેરિકામાં વ્યાજ દરમાં ફરી ઘટાડો, જાણો શું શેરબજાર પર શું અસર થશે?
અત્રે નોંધનીય બાબત એ છે કે આ સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં બે ટકા જેટલો ઘટાડો આવી ગયો છે. વધુમાં આજે સોનાના વાયદામાં પણ ભાવ ગઈકાલના બંધ સામે 0.4 ટકા ઘટીને 2693.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 1.5 ટકા ઘટીને આૈંસદીઠ 31.49 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
તાજેતરમાં વૈશ્વિક સોનામાં નફારૂપી વેચવાલીનું દબાણ તેમ જ ફેડરલ રિઝર્વની ભવિષ્યની નાણાનીતિની અનિશ્ચિતતાને કારણે ભાવમાં પીછેહઠ જોવા મળી રહી હોવાનું એએનઝેડનાં કૉમૉડિટી સ્ટ્રેટેજિસ્ટ સોની કુમારીએ જણાવ્યું હતું. સામાન્યપણે વધતા ફુગાવાના સંજોગોમાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણકારોની સલામતી માટેની માગ રહેતી હોય છે, પરંતુ ઊંચા વ્યાજદરને કારણે સોનામાં માગ રૂંધાઈ જતી હોય છે.
Also read: સ્થાનિક સોનું ₹ ૧૩૫૬ ગબડીને ₹ ૭૭,૦૦૦ની અંદર ચાંદી ₹ ૨૫૩૨ ગબડી
ભાવી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પનાં આરંભિક કાર્યકાળમાં ખાસ કરીને નીતિમાં નોંધપાત્ર ફેરફાર નહીં થતાં સોનામાં સુધારાને ટેકો મળતો રહેશે, એમ એક ટ્રેડરે જણાવતા ઉમેર્યું હતું કે ઊંચી રાજકોષીય ખાધ અને ટેરિફના ઊંચા દર એ બન્ને પરિબળો ફુગાવાલક્ષી હોવાને કારણે પણ સોનાની તેજીને ટેકો મળશે, એમ તેમણે ઉમેર્યું હતું.