મુંબઈ: ભાંડુપની પ્રતિષ્ઠિત શાળામાં બનેલી આંચકાજનક ઘટનામાં અજાણ્યા યુવાને સ્કૂલ પરિસરમાં રમતી નવ વર્ષની બાળકીને નિર્જન જગ્યાએ લઈ જઈ ઈન્જેક્શન માર્યું હતું. ઈન્જેક્શન મારવામાં આવ્યું હોવાના બાળકીના દાવા પછી પોલીસ અધિકારીઓની ચાર ટીમ આખા મામલાની તપાસમાં લાગી હતી.
પોલીસ ફરિયાદ બાદ હૉસ્પિટલમાં બાળકીનું તબીબી પરીક્ષણ કરાયું હતું, પરંતુ પોલીસે આ બાબતે વિગતો આપવાનું ટાળ્યું હતું.
અધિકારીના જણાવ્યા મુજબ ઘટના 31 જાન્યુઆરીએ શાળાના પરિસરમાં બની હતી. બાળકી સ્કૂલના મેદાનમાં રમતી હતી ત્યારે યુવાન તેની પાસે આવ્યો હતો, એવું બાળકીના વડીલોએ એફઆઈઆરમાં જણાવ્યું હતું.
આપણ વાંચો: ઘાટકોપર હોર્ડીંગ દુર્ઘટનામાં વધુ એક આંચકાજનક માહિતી
ભાંડુપની પ્રતિષ્ઠિત શાળામાં ભણતી બાળકીને યુવાન શાળા પરિસરમાંની જ નિર્જન જગ્યાએ લઈ ગયો હતો અને પછી તેને ઈન્જેક્શન માર્યું હતું. આ ઘટના પછી બાળકી માંદી પડી હતી કે કેમ તે અંગે પૂછવામાં આવતાં અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ તમામ સંજોગો તપાસી રહી છે, જેથી ઘટનાક્રમ જાણી શકાય.
બાળકીએ ઘટનાની જાણ કર્યા પછી વડીલો તેને તબીબી પરીક્ષણ માટે હૉસ્પિટલમાં લઈ ગયા અને ભાંડુપ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આ પ્રકરણે પોલીસે ગુનો નોંધી તપાસ માટે અધિકારીઓની ચાર ટીમ બનાવી હતી.
પોલીસની ચાર ટીમ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે. પોલીસે શાળા પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. ઘટનાને દિવસે શાળાના મેદાનમાં રમતી બાળકી ફૂટેજમાં નજરે પડે છે, એમ અધિકારીનું કહેવું છે. (પીટીઆઈ)
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને