-રમેશ પુરોહિત
ગુજરાતી ગઝલના ત્રીજા તબક્કાની શરૂઆત ૧૯૪૨થી પ્રારંભાય છે. ગઝલને બોલચાલની ભાષામાં કહેવાની શરૂઆત થઈ. આમ ગઝલને ભાવ-ભાષા-વૈવિધ્ય, પ્રતીક-નાવીન્ય, છંદ વૈવિધ્ય અને રંગે-રૂપે સમૃદ્ધ કરનાર શાયરોની એ પેઢીમાં એક મહત્ત્વનું નામ છે પાજોદ દરબાર રુસ્વા મઝલૂમી. એમણે ઉર્દૂ અને ગુજરાતીમાં ગઝલો લખવાનો શરૂ કર્યું અને સરસ ગઝલો આપી એ પ્રદાન તો ચિરંજીવ છે, પણ તેનાથી મહત્ત્વનું યોગદાન છે જે વિશે કોઈ ખાસ નોંધ લેતું નથી.
એમણે બે યુવાન શાયરોનાં ઓજસ પારખીને પાજોદના દરબારમાં માન અને શાનથી કામકાજમાં જોતર્યા અને આમ ગુજરાતને બે નામવંત શાયરો અમૃત ઘાયલ અને શૂન્ય પાલનપુરી મળ્યા.
જૂનાગઢની નવાબી સલ્તનતની આજુબાજુ માંગરોળ, બાંટવા, પાજોદ જેવા ભાયાતોનાં નાનાં નાનાં રજવાડાં હતાં. રુસ્વા મઝલૂમી એટલે પાજોદ દરબાર શ્રી ઈમામુદ્દીન ખાન મુર્તઝાખાન બાબી. ઘાયલે’ રુસ્વા સાહેબના પ્રથમ ગઝલસંગ્રહ મદિરા’ની પ્રસ્તાવનમાં જણાવ્યું છે તેમ એ ૧૯૩૯માં પાજોદ દરબારની નોકરીમાં જોડાયા હતા અને ત્યાર પછી જૂનાગઢમાં અભ્યાસ કરી રહેલા અલીખાન બલોચ એટલે શૂન્ય પાલનપુરી પાજોદમાં વસી ગયા હતા. રુસ્વા’ તખલ્લુસ ધારણ કર્યું એ પહેલાં મસ્તાન’ ઉપનામે ગઝલ લખતા.
યુવાન વયે જાગીર સંભાળવાનું અને આદર્શ જાગીરદાર થવાનું કામ તો હતું જ, પણ એક સારા શાયર થવાના પણ એમને ઓરતા હતા. પહેલો ઉર્દૂ ગઝલ સંગ્રહ મીના’ રુસ્વાના ઉપનામે જ પ્રગટ થયો હતો.
‘મદિરા’ શીર્ષકથી સંગ્રહ આવે છે અને રુસ્વાની મયકશી, મહોબત, મર્દાનગી અને માણસાઈનો આબેહૂબ ચિતાર ભાવકો સમક્ષ ઝાકમઝોળ થાય છે.
સુરાલય બંધ છે માન્યું પરંતુ આપનો રુસ્વા
અમોને ખાતરી છે કે નહીં પીધા વગર આવે.
રુસ્વાની ગઝલો પરંપરાગત છે, પણ વર્ણન છટાની દૃષ્ટિએ નોખી-અનોખી ભાત પાડે છે. શબ્દ પારખવાની સૂઝ હોવાને લીધે શબ્દ અને ભાવનું સામંજસ્ય સ્થપાય છે. છંદ, તમઝ્ઝૂલ, ઇશ્કે-મજાજી, ઇશ્કે-હકીકી જેવા ગઝલના આત્મતત્ત્વને જાણીને, સમજીને લોકભોગ્ય ભાષામાં ગઝલ અવતારવાનું પાયાનું કામ રુસ્વાએ કર્યું છે. એમની ગઝલોનાં ઉપરોકત જણાવેલાં ચાર વિશિષ્ટ લક્ષણની વાત અમૃત ઘાયલ બહુ સરસ રીતે કરે છે.
કોઈકે કહ્યું છે પ્રેમમાં, મયપરસ્તીમાં અને ભક્તિમાં હદબહાર નશો હોવો જોઈએ. પ્રેમલક્ષણા ભક્તિમાં મદિરા એ ચકચૂર થવાનું પ્રતીક છે. ભક્ત સ્વરૂપે રિન્દની ન્યોછાવરી નાનીસૂની નથી. એક જામની સામે જિંદગી ફના કરનાર મયકદાના રંગની ઝાંખી પામી શકે છે. જુઓ આ શેર:
નિછાવર જામ પર કરતા રહે છે જિંદગી સાકી
નથી જોઈ હજી તે રિન્દની ન્યોછાવરી સાકી
બંદગીની અદબ હોય છે તેવી જ રીતે બાદાકશીમાં પણ તહેજીબ હોય છે એટલે રુસ્વા મયપરસ્તીમાં ખુશ રહેવાની વાત કરે છે:
નજરથી મેળવી નજરો નિસાસો નાખમાં ઊંડો
અદબ કર મયકશી છે આ નથી કૈં બંદગી સાકી
બંદગીમાં સલામ અને મયકશીમાં જામ એમ બંનેમાં સરખી ગતિ રાખનાર જ આવો શેર કહી શકે:
ઝૂમી ઝૂમી શરાબ પીધો છે
ઝૂકી ઝૂકી સલામ કીધી છે
રુસ્વા જ્ઞાન-ભક્તિમાં આંખ નિર્મળ હોવાની અને સુરાપાનમાં લોચન લાલ હોવાની વાત આ રીતે કરે છે:
શ્ર્વેત લોચન કિતાબની દુનિયા
લાલ લોચન શરાબની દુનિયા.
ગઝલમાં પ્રેમ, સ્નેહ, મહોબત અને પરિણય ન આવે તો તેને બીજું જે કહેવું હોય તે કહી શકાય, પણ ગઝલ ન બને. મિલનની પાછળ છાના પગલે વિરહ આવી જતો હોય છે એટલે વિરહની વ્યથા ગઝલનો મુખ્ય વિષય બને છે. આ ઉપરાંત મહોબતની યોગ્ય ભૂમિકા અને માહોલ માટે સૃષ્ટિ સૌન્દર્ય અને દૃષ્ટિ સૌન્દર્ય ગઝલના પ્રાણ છે. રુસ્વા સામાન્ય ભાવને કેવો નવા રૂપે નિખારે છે તે જોઈએ:
ન પૂછો દોસ્તો એ લાજની મારી હતી, કેવી
કે મારા હાથમાં લેટી રહી’તી ચાંદની કેવી!
પ્રિયતમાનું ઘર કેવું અજાયબ સ્થળે હોવાનું કેટલી સરળતાથી કહેવાયું છે:
મકાન એવી જગ્યાએ એમણે રાખ્યું છે પોતાનું
ગમે તે રસ્તે જાઓ એમનું રસ્તામાં ઘર આવે
રાજવી કવિ પણ આખરે ઇન્સાન છે એટલે કોઈ ઘટના એમને વિચલિત કરી ગઈ હશે અને અનાયાસ આવો શેર કહેવાઈ ગયો હશે:
હવે વિશ્ર્વાસ ક્યાં કેવો ભરોસો
હવે શ્રદ્ધાય દહેશત થઈ ગઈ છે.
આમ તો દુનિયાના અનુભવ કહેવા જેવા નથી હોતા, પણ રુસ્વા કહે છે કે માનો કે કહી દઈએ તોપણ ફાયદો કંઈ જ નથી:
અમે કલ્પી હતી કેવી અને એ નીકળી કેવી
હવે શો ફાયદો કહેવાથી કે દુનિયા હતી કેવી.
કવિ દિલમાં પ્રેમનું સામ્રાજ્ય સ્થપાયેલું હોય છે એટલે રુસ્વા કહે છે કે એક વાર સાચી મહોબત થઈ જાય પછી કોઈની સાથે અદાવત નથી હોતી, હા, હોય છે પણ એ અદાવત અદાવત સાથે હોય છે. સરસ નવીન વિચાર સરળ બાનીમાં આવી રીતે આવે છે:
હવે સાચે મહોબ્બત થઈ ગઈ છે
અદાવતથી અદાવત થઈ ગઈ છે
આવી સમ્યક્ દૃષ્ટિ હોય ત્યારે ઘરમાં પણ સ્વર્ગનું સૌન્દર્ય છવાઈ જાય છે:
શું હું પણ સુંદર લાગું છું શું મન પણ સુંદર લાગે છે
આ કોણ પધાર્યું છે આજે કે સ્વર્ગ સમું ઘર લાગે છે.
રુસ્વાએ સત્તા હતી ત્યારે અને સામાન્ય માનવી બની ગયા પછી પણ મહોબતના સામ્રાજ્યને ક્યારેય સંકુલિત કર્યું ન હતું. અંગત સંબંધો હોય કે વહેવારની વાત હોય, પણ એમણે હંમેશાં પ્રેમની ભાવના વ્યાપક રાખી હતી. એટલે કહે છે કે સંકુચિત પ્રેમ મને માન્ય નથી:
શક્ય છે રૂપ તણી હોય કશી મર્યાદા
સંકુચિત પ્રેમનો વિસ્તાર મને માન્ય નથી.
સિતારામાં ચમક આવી નહીં તો હોય ના રુસ્વા
તમે ચોક્કસ કરી લાગે છે આજે પ્યારની વાતો
પ્રેમમાં ચકચૂર થઈ જવું અને ભક્તિમાં ચિક્કાર થઈ જવું એમ બન્ને રીતે ચૂર થતાં કવિને આવડે છે:
કદી મજનૂ બની જાવું કદી મનસૂર થઈ જાવું
અમોને આવડે છે પ્રેમમાં ચકચૂર થઈ જાવું
પડી’તી પ્રેમમાં કોને વિજય અથવા પરાજયની
અમારે પ્રેમ કરવો તો, તમારાથી કરી બેઠા
રુસ્વાએ પોતાની જાગીર સામે ચાલીને મા ભારતીના ચરણે નિ:સંકોચ ધરી અને સામાન્ય માણસ તરીકે જીવન વીતાવ્યું, પણ એમની કવિતાની જાગીરનો વિસ્તાર અનંત છે. સામાન્ય જીવનમાં પણ એ હંમેશાં અસામાન્ય રહ્યા અને ગઝલ સામ્રાજ્યની હિફાઝત કરી. એમની બહુ પ્રખ્યાત ગઝલના ચંદ શેરથી વાત પૂરી કરીએ:
મ્હોતાજ ના કશાનો હતો કોણ માનશે!
મારોય એક જમાનો હતો કોણ માનશે!
ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ
એ આપનો દીવાનો હતો કોણ માનશે!
મસ્તીમાં આવી ફેરવી લીધી જગતથી આંખ
એ પણ સમય નશાનો હતો કોણ માનશે!
હસવાનો આજ મેં જે અભિનય કર્યો હતો
આઘાત દુર્દશાનો હતો કોણ માનશે!
રુસ્વા જે શરાબી મનાતો રહ્યો જગે
માણસ બહુ મઝાનો હતો કોણ માનશે
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને