South's celebrated  histrion  T. P. Madhavan passed distant  astatine  88 years... Credit : NDTV

કોલ્લમઃ પ્રખ્યાત મલયાલમ અભિનેતા ટી પી માધવનનું બુધવારે એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ ૮૮ વર્ષના હતા. આ માહિતી ફિલ્મ ઉદ્યોગના સૂત્રોએ આપી હતી.

માધવન વિવિધ બિમારીઓથી પીડાય રહ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ હતા. તેઓ છેલ્લા આઠ વર્ષથી પઠાનપુરમના ગાંધી ભવનમાં રહેતા હતા. ૪૦ વર્ષની ઉંમર બાદ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનાર માધવને ૬૦૦થી વધુ મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું છે.

તેઓ મલયાલમ ફિલ્મ અભિનેતાઓના એસોસિએશન એએમએમએના પ્રથમ જનરલ સેક્રેટરી હતા. માધવને ૧૯૭૫માં ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી, જ્યારે અભિનેતા મધુએ તેને પહેલો બ્રેક આપ્યો હતો.

ત્યાર પછીના વર્ષોમાં તેમણે ખૂબ કપરાં સમયનો સામનો કરવો પડ્યો હતો, તેઓ તિરુવનંતપુરમમાં એક લોજમાં રહેતા હતા, ત્યારબાદ એક સિરિયલ ડિરેક્ટર તેમને ગાંધી ભવન લઇ ગયા હતા. આ પછી તેઓએ સિરિયલો અને ફિલ્મોમાં વધુ કેટલીક ભૂમિકાઓ ભજવી હતી. તાજેતરના વર્ષોમાં માધવન વય સંબંધિત બિમારીઓથી પીડાઇ રહ્યા હતા.

મુખ્ય પ્રધાન પિનરાય વિજયને માધવનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે માધવન એક પ્રતિભાશાળી અભિનેતા હતા, તેમણે ૬૦૦થી વધુ ફિલ્મોમાં વિવિધ પાત્રો ભજવ્યા હતા. મુખ્ય પ્રધાને ભૂતકાળ વાગોળતા કહ્યું કે પઠાનપુરમમાં ગાંધી ભવનમાં તેમના અંતિમ વર્ષો દરમિયાન પણ માધવન ટેલિવિઝન સિરિયલોમાં કામ કરતા રહ્યા હતા.