-સંજય છેલ
એક કંજૂસ નિર્માતા મશહૂર ગીતકાર-કવિ સાહિર લુધયાન્વી પાસે આવીને ફિલ્મી ગીત લખવાના પૈસા વિશે રકઝક કરવા માંડ્યો. સાહિરે પોતાના આગવા મિજાજમાં સંભળાવ્યું : ‘દેખ ભાઈ. ના મુઝે લિખને કા શૌખ હૈ, ના પૈસે કી ઝરૂરત યા કોઈ નામ કમાને કી મજબૂરી! શૌખ, મજબૂરી ઔર ઝરૂરત કે બીના કોઈ કિસીસે કામ નહીં કરવા સકતા!’
આવા સાહિરની કવિતાઓ-ગીતો આજે આટલાં વરસે પણ આપણા સૌની જિંદગીનો શોખ-મજબૂરી અને જરૂરત બની ગઈ છે! ભયંકર મિજાજ અને મખમલી મહોબ્બતનો કવિ સાહિર એક જમીનદાર પિતાનો દીકરો હતો, પૈસાદાર બાપની અનેક પત્નીઓ હતી અને ખૂબ લાડથી ઉછેરવામાં આવેલો, પણ જ્યારે સાહિરની માતાથી પતિનો જુલમ સહન ના થયો ત્યારે ઘર છોડ્યું – અદાલત સુધી ગઈ અને બાપે સાહિરને મારવાની ધમકી આપી!
Also read: ટેઢા એક્ટર્સને સીધા કરે છે ડિરેક્ટર્સ
માતાએ આસપાસ બોડીગાર્ડ્ઝ રાખ્યા. સ્વર્ગ જેવું જીવન અચાનક ગરીબીમાં પલટાઈ ગયું અને આ બધાંને લીધે જીવનભર સાહિરમાં એક તલ્ખી કે કડવાશ રહી. એટલે જ પહેલા કાવ્ય સંગ્રહનું નામ ‘તલ્ખિયાં’ હતું! એ કાવ્યસંગ્રહની ૧૯૪૩માં ૧૧-૧૧ આવૃત્તિઓ થયેલી, પોતે કદરૂપા પણ છોકરીઓ એમની કલમની દીવાની, મિત્રો અને ચાહકો આખો દિવસ આગળ-પાછળ રહે. દિન-રાત મહેફિલ કરે, સવારે ૧૦ વાગે ઊઠે અને સાહિરનો પહેલો શબ્દ હોય: ‘મા!’
બાપ પ્રત્યેનો ગુસ્સો, જીવનના સંઘર્ષોને કારણે આવેલી ઘેરી વેદના સાહિરને સમાજ કે સરકાર સુધી એને ઉશ્કેરી મૂકતી. ગરીબી કે મજૂરોના શોષણ માટે તો સાહિર લખતા જ, પણ સરકાર સામે પણ બિન્ધાસ્ત લખતા. એ સમયે પ્રથમ વડા પ્રધાન નેહરુનો ચુનાવી નારો હતો: હમેં હિંદ પર નાઝ હૈ!’ તો તેના જવાબમાં સાહિરે ‘પ્યાસા’ ફિલ્મમાં ‘જિન્હેં નાઝ હૈ હિંદ પર વો કહાં હૈ?’ જેવું વેધક ગીત લખ્યું.
માતાને થયેલા અન્યાય અંગે ‘ઔરતને જનમ દિયા મરદો કો મર્દોને ઉસે બાઝાર દિયા’ જેવાં ગીતો લખીને ફિલ્મ ગીતોને નવી ઊંચાઈ આપી.
સાહિરનાં કાવ્યોમાં ‘કભી કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ’ જેવાં મીઠાં મીઠાં ગીતો હતાં તો મજૂરો માટે મિલમાલિકો ખિલાફ લખાયેલાં ગીતો પણ હતાં. સાહિરે જીદ કરેલી કે રેડિયો પર ગાયક અને સંગીતકાર સાથે ગીતકારનું પણ નામ લેવામાં આવે. આ વાત લતાજી ના માન્યાં તો સાહિરે ગાયિકા લતા સાથે કામ કરવાનું બંધ કર્યું અને આખરે સાહિરની જીત થઈ! આજે ગીતકારોનાં નામ માનથી લેવાય છે એની પાછળ સાહિરનો સામ્યવાદી સુધારક અવાજ હતો.
સાહિર એક ગીતના એ સમયે ૫૦૦૦/- રૂપિયા હકપૂર્વક લેતા અને ફિલ્માં માત્ર પોતે એકલાં જ ગીતો લખશે એવી શરત મૂકતા. દેવ આનંદ કે ગુરુદત્તે એમને ફિલ્મી ગીતકાર બનાવ્યા તો બી.આર. કે યશ ચોપરા જેવાઓને સાહિરે બનાવ્યા. અનેકોની ફિલ્મની કથા-પટકથા જેટલાં જ સાહિરનાં ગીતો પણ ધારદાર હતાં! યશ ચોપરા મોટા ભાઈ બી.આર.ચોપરાથી અલગ થઈને પહેલી વાર ‘દાગ’ ફિલ્મ બનાવતા હતા.
સાહિરે એક ગીતનું મુખડું સંભળાવ્યું. યશજીએ જરાક મજાકમાં કહ્યું: ‘સાહિરસાબ, ગાના યહા (છાતીએ હાથ મૂકી) છૂઆ નહીં!’ ત્યારે સાહિરે તરત જ યશ ચોપરાને ચોપડાવ્યું: ‘વહાં છૂને સે પહલે યહાં (દિમાગ પર આંગળી મૂકી) છૂના પડાતા હૈ!’
Also read: કવર સ્ટોરી: કરોડોની ભુલભુલૈયામાં બોલિવૂડ સિંઘમ નથી હોં…!
આપણાં વેવલા ને ગોસિપબાજ લેખકો આવા સાહિર-અમ્રિતા પ્રીતમનાં ચીકણાં કિસ્સ્સાઓને જ સતત યાદ કરે રાખે છે કે સાહિરની અડધી સિગરેટ કવયિત્રી અમ્રિતા એમના પ્યારમાં પી જતી!’ વગેરે વગેરે..
પણ બહુ ઓછા જાણે છે કે સાહિરે આઝાદી બાદ પાકિસ્તાનનું ગૂંગળાવી નાખતું મઝહબી વાતાવરણ છોડેલું, કારણકે એમને પોતાના હિંદુ-શીખ મિત્રો યાદ આવતા! લાહોરથી દિલ્હી આવીને રોમેંટિક કવિતાઓ લખીને મુશાયરાઓમાં લોકચાહના મેળવી પણ સાહિત્યમાં હંમેશાં વિવેચકો કે હરીફ શાયરો એમની ટીકા જ કરતા.
એમના પુસ્તક ‘તલ્ખિયાં’ માટે પસ્તિયાં’ (રદ્દી) જેવો શબ્દ વાપરતા. ઘણા કહેતા કે જાવેદ અખ્તરના શાયર પિતા જાનિસાર અખ્તર, સાહિર માટે કલમ વેચીને ગીતો લખી આપતા! લોકો કહેતા કે સાહિર હંમેશાં મિત્રો-ચમચાથી ઘેરાયેલા રહેતા, પણ હકીકત તો એ હતી કે શું ખાવું, શું પહેરવું કે કઈ ગઝલ મંચ પર ગાવી એ બધું મિત્રો જ નક્કી કરતાં કદાચ.
વિવેચક-સંપાદક પ્રકાશ પંડિત કહે છે : બીજાએ પસંદ કરેલી છોકરી સાથે લગ્ન ના કરવા પડે માટે સાહિર જીવનભર કુંવારા રહ્યા!’ સાહિરનાં ઘણાં અફેર હતાં, પણ કદાચ મા-બાપના ભગ્ન લગ્નજીવનના આઘાતને લીધે લગ્ન કરી ના શક્યા. ‘અભી ના જાઓ છોડકર કિ દિલ અભી ભરા નહીં ’ જેવા અદ્ભુત રૂમાની ગીત લખનાર સાહિરના મહોબ્બતની કહાણી એક અધૂરી વાર્તા જ રહી.
એકવાર મને મુંબઈમાં સાહિરના વરસોવા દરિયાકિનારે આવેલા જૂના મકાનમાં શૂટિંગ કરવાનો મોકો મળેલો ત્યારે એમનાં વેરવિખેર પુસ્તકો, જૂનો સામાન જોઈ દુ:ખી થઈ જવાયેલું, જ્યાં સાહિરે અમર રચનાઓ લખેલી એને જ એમનાં સગાંવહાલાઓ શૂટિંગ માટે ભાડેથી આપતા! સાહિરનું જુહૂનું મકાન ‘પરછાઇયાં’ પણ વરસો સુધી બંધ પડી રહેલું અને અનેક સાહિત્યિક પુસ્તકો બરબાદ થઈ ગયેલાં.
આપણે ત્યાં શાયર કે કલાકારનું સ્મારક ન બનાવવાનો જૂનો રોગ છે, પણ ‘તોરા મન દર્પણ કહેલાયે’; કે ‘મન રે તુ કાહે ના ધીર ધરે’ જેવા ઊંડાં અને ભારતીય સંસ્કૃતિ સમજાવતાં ગીતો કે ગઝલો દ્વારા હજીય સાહિરની કલમ નાજુક નકશીકામ કરીને આપણા દિલમાં જીવે છે. સાહિર ‘એક પળ’નો શાયર હતા, ‘મૈં પલ દો પલ કા શાયર હૂં’ હોય કે ‘પલ દો પલકા સાથ હમારા’ જેવી કવ્વાલી હોય કે પછી ‘આગે ભી જાને ના તૂ, જો ભી હૈ બસ યેહી એક પલ હૈ’ જેવાં તત્ત્વજ્ઞાન-ફિલોસોફીભર્યાં ગીતોથી સાહિર એમની પેલી એક પળમાં લાખો પળ જીવી ગયા.
જાણીતા લેખક-ફિલ્મી શાયર જાવેદ અખ્તર બોલિવૂડમાં સ્ટ્રગલ કરવા મુંબઈ આવેલા ત્યારે પિતા જાનિંસારના મિત્ર એવા સાહિરને ત્યાં રહેતા. સાહિર પાસે કામ માંગતા, પૈસા ઉધાર માંગતા. એકવાર ૨૦૦ રૂપિયા માંગેલા અને પછી જાવેદે સફળ થયા બાદ પણ ધરાર પાછા ના જ આપ્યા.
Also read: એક જ વાર્તા પરથી બબ્બે ફિલ્મ!
સાહિર હંમેશાં ઉઘરાણી કરતા, જાવેદ હસીને ટાળી દેતા. છેલ્લે જ્યારે સાહિર ગુજરી ગયા ત્યારે જાવેદ દોડીને કબ્રસ્તાન આવ્યા. બધું પત્યા પછી ત્યાં એક ટૅક્સીવાળાએ જાવેદને પૂછ્યું: ‘સાબ, વો સાહિરસાબ મેરી ટૅક્સી મેં ડૉક્ટર કે પાસ ગયે થે ઔર ચલ બસે અબ મૈં તો સુબહ સે ખડા હું, મેરે ૨૦૦ રૂ. કિસસે માંગુ?’ અને જાવેદે તરત જ સાહિરની ઉધારી સાહિરના મરણ બાદ ચૂકવી દીધી! આજે પણ આપણે ૧૯૮૦માં ગુજરી ગયેલા સાહિર અને એમનાં ગીતોની ઉધારીમાં જ જીવીએ છીએને?!