-શ્રીલેખા યાજ્ઞિક
દિવાળીમાં ચોળાફળી ખાવાની મજા પડી ગઈ હશે. બેસતાવર્ષના દિવસે ખાસ ચોળીનું શાક શુકનમાં બનાવવામાં આવે છે. ચોળી સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી ગણાય છે.
અંગ્રેજીમાં તેને ‘લોબિયા કે કાઉપીઝ’ તરીકે ઓળખવામાં આવે છે. આપણા દેશમાં તેને કાળી આંખો વાળા વટાણા કે દક્ષિણી વટાણા તરીકે ઓળખવામાં આવે છે. દેખાવમાં લંબગોળ તથા પ્રત્યેક દાણા ઉપર એક કાળું ટપકું જોવા મળે છે. રંગની વાત કરીએ તો સફેદ, લીલા, લાલ, કાળા વગેરે રંગના જોવા મળે છે. દેખાવમાં નાના-મોટા બે જાતના મળી રહે છે.
લીલી લાંબી ચોળી હોય કે સૂકાયા બાદ ચોળા તરીકે ઓળખ ધરાવતાં કઠોળમાં અનેક ગુણો સમાયેલા છે. વાળ તથા ત્વચાના સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય છે. શાકાહારી લોકો માટે પ્રોટીન મેળવવાનો શ્રેષ્ઠ દરવાજો ગણાય છે.
એવું કહેવાય છે કે ચોળામાં દહીં, દૂધ, પનીર તથા ઈંડાં કે માંસાહાર કરતાં અનેક ગણી વધુ માત્રામાં પ્રોટીન સમાયેલું છે. વિવિધ સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે એક કપ ચોળામાં ૧૩ ગ્રામ પ્રોટીન સમાયેલું હોય છે. દૂધ તથા ઈંડાં કરતાં બમણું હોય છે. ચોળામાં ફાઈબર, વિટામિન, મિનરલ્સ વગેરે હોય છે. તેથી તેનું નિયમિત સેવન કરવાથી શરીર મજબૂત બને છે. શરીરમાં શક્તિનો સંચાર થાય છે.
ચોળીના સ્વાસ્થ્ય લાભ:
એનિમિયામાં લાભકારી: ચોળા એનિમિયાની સમસ્યામાં લાભકરી ગણાય છે. તેનું મુખ્ય કારણ છે તેમાં સમાયેલી આયર્નની માત્રા. ૧૦૦ ગ્રામ ચોળામાં ૩.૪ મિલિગ્રામ આયર્ન હોય છે. ચોળાનું નિયમિત સેવન કરવાથી લોહીમાં હિમોગ્લોબિનની માત્રા વધે છે. એનિમિયાનાં લક્ષણો ઘટે છે.
કૉલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં લાભકારી: ફાઈબર તથા પ્રોટીનની માત્રા ભરપૂર હોવાને કારણે ચોળી કે ચોળા આરોગ્ય માટે શ્રેષ્ઠ ગણાય છે. જેનો આહારમાં ઉપયોગ કરવાથી લોહીમાંથી ખરાબ કૉલેસ્ટ્રોલની માત્રાને ઘટાડવામાં મદદ કરે છે. તેમાં ફાઈટોસ્ટેલૉલ નામક સ્ટેરૉઈડ હોય છે. જે લોહીમાં સંતુલિત માત્રામાં કૉલેસ્ટ્રોલની માત્રા જાળવી રાખવામાં મદદ કરે છે.
ફ્રી રેડિકલ્સને દૂર કરવામાં લાભકારી: ચોળાનો રંગ ભલે ગમે તે હોય પરંતુ તેના ગુણ એકસમાન જોવા મળે છે. ઍન્ટિઓક્સિડન્ટ એજન્ટ જેવા કે વિટામિન એ તથા વિટામિન સીની માત્રા ભરપૂર સમાયેલી હોય છે. તેથી તેનો આહારમાં ઉપયોગ કરવાથી હાનિકારક મુક્ત રક્તકણો (ફ્રી રેડિકલ્ક)થી છુટકારો મેળવવામાં મદદ મળે છે. કૅન્સર જેવી બીમારીથી બચાવે છે.
ડાયાબિટીસના જોખમથી બચાવે: ચોળામાં ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. જેથી તેના નિયમિત સેવનથી ડાયાબિટીસ વધવાના જોખમથી રક્ષણ મળે છે. એવી માહિતી મળે છે કે લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરવામાં તથા ડાયાબિટીસ થવાના જોખમને ઘટાડવામાં ઉપયોગી થઈ શકે છે.
હૃદય સંબંધિત રોગમાં લાભકારી: ચોળીમાં ફ્લેવોનોઈડ્સની માત્રા છે જે હૃદય સંબંધિત તકલીફથી બચવામાં મદદ કરે છે. પરંતુ ચોળીનું સેવન અનેક વખત ગૅસ-એસિડીટીની તકલીફ ઊભી કરે છે. તેથી તેનું સેવન ફક્ત દિવસના સમયે કરવું જોઈએ. રાત્રિના સમયે તેનું સેવન જોખમી ગણાય છે.
ઘાતક બીમારીથી દૂર રાખે: ચોળી કે ચોળામાં લિગ્નિન નામક ઘટક સમાયેલું છે. જે ફાઈટોઅસ્ટ્રોજન સમૂહનું ગણાય છે. જેના ઉપયોગ દ્વારા વિવિધ ઘાતક બીમારી જેવી કે કૅન્સર, સ્ટ્રોક, હાઈ બ્લડપ્રેશર તથા ઑસ્ટિયોપોરોસિસની તકલીફથી બચાવે છે.
ગર્ભાવસ્થામાં જરૂર ખાવી જોઈએ ચોળી: ગર્ભાવસ્થામાં આહારની યોગ્ય કાળજી લેવાય તે અત્યંત આવશ્યક છે. ચોળીમાં પ્રોટીનની માત્રા ભરપૂર હોવાને કારણે તેનો ઉપયોગ આહારમાં કરવો જરૂરી છે.
ચોળીમાં ફોલેટની માત્રા હોય છે જે શિશુની ન્યૂરલ ટ્યૂબની ખરાબીના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. ચોળીના સેવનથી શરીરને પર્યાપ્ત માત્રામાં ફાઈબર મળી રહે છે. તેથી કબજિયાતની તકલીફથી બચી શકાય છે. જે વ્યક્તિને વારંવાર ગૅસની તકલીફ રહેતી હોય તેમણે ચોળીના ઉપયોગ સમયે અજમા-હિંગનો વઘાર કરવો આવશ્યક બની જાય છે. હાડકાં મજબૂત રાખવામાં લાભકારી: લીલી ચોળી હોય કે સૂકા વિવિધ રંગના ચોળા હોય આ બધામાં કૅલ્શ્યિમ, ફોસ્ફરસ તથા મેગ્નેશિયમ જેવા ખનિજની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. જેને કારણે તેનું યોગ્ય માત્રામાં સેવન કરવામાં આવે તો હાડકાં મજબૂત બને છે. શરીરનાં મસલ્સ ઢીલાં પડી ગયાં હોય તો તે મજબૂત બને છે.
ત્વચાને ચમકદાર બનાવે: ચોળી ઍન્ટિ-ઓક્સિડન્ટથી સમૃદ્ધ શાક ગણાય છે. તેમાં વિટામિન એ તથા વિટામિન સીનું પ્રમાણ સમાયેલું હોય છે. જે ત્વચાને મુલાયમ બનાવવામાં મદદ કરે છે. ચોળામાં સમાયેલા ઓક્સિડેટિવ ગુણો ત્વચા ઉપર સમયથી વહેલી દેખાતી કરચલી, કાળા ડાઘ કે વય વધવાની સાથે ત્વચા શુષ્ક બની જતી હોય તો તે રોકવામાં મદદ કરે છે. પ્રોટીનની માત્રા ભરપૂર હોવાને કારણે ત્વચાની કોમળતા જાળવવામાં મદદ મળે છે.
ડિપ્રેશનને દૂર કરવામાં લાભકારી: ચોળીમાં એમિનો ઍસિડ ફેનિલએલનિન હોય છે. જે વારંવાર ડિપ્રેશન કે નાસીપાસ થઈ જતી વ્યક્તિને સમસ્યાથી બચાવવામાં મદદ કરે છે.અનેક સંશોધન દ્વારા જાણવા મળે છે કે ફેનિલએલનિન ધરાવતી વસ્તુનું સેવન કરેલ હોય તેમને ડિપ્રેશનની સમસ્યાથી બહાર નીકળવામાં મદદ મળે છે. માઈગ્રેન કે અનિદ્રાની તકલીફમાં ચોળાનું સેવન લાભકારી બની શકે છે.
ચોળા-રીંગણ-પનીરનું શાક
સામગ્રી: ૧ કપ સૂકા સફેદ ચોળા, ૧ નંગ પાતળું રીંગણ, ૧ વાટકી પનીરના ટુકડાં, ૧ નંગ તમાલપત્ર,૧ નાનો ટુકડો તજ, ૨ નંગ લવિંગ, ૪-૫ નંગ મરી, ૧ નંગ એલચી, ૧ ચમચી ધાણાજીરું, ૧ નાની ચમચી ગોળ, ૧ ચમચી મીઠું, ૨ નંગ કોકમ, ચપટી કસૂરી મેથી, સ્વાદાનુસાર મીઠું. ચપટી હિંગ, ૧ ચમચી આદુ-મરચાં-લસણની પેસ્ટ. ૧ નાની ચમચી જીરું, ૧ નાની ચમચી અજમો, સજાવટ માટે કોથમીર
બનાવવાની રીત: સૌ પ્રથમ ચોળાને બરાબર સાફ કરીને ૪-૫ કલાક પલાળી દેવા. ત્યાર બાદ પલાળેલું પાણી બદલી નાખવું. ચોળા ડૂબે તેટલું પાણી ઉમેરીને તેમાં રીંગણ ભેળવીને કૂકરમાં બાફવા મૂકવું, તજ, તમાલપત્ર, લવિંગ, મરી, એલચી, વગેરે બાફતી વખતે ગોઠવવું.
૩ સીટી વગાડીને ગૅસ બંધ કરવો. કૂકર ઠંડું પડે એટલે તેમાં ધાણાજીરું, હળદર, ગોળ, કોકમ, સ્વાદાનુસાર મીઠું વગેરે ભેળવવું. હવે વઘારિયામાં તેલ-ઘી સરખે ભાગે લઈને ગરમ કરવું. તેમાં પનીરના ટુકડા સાંતળી લેવા. પનીરના ટુકડાં એક પ્લૅટમાં ગોઠવી દેવા.
જીરું તથા અજમાનો વઘાર કરવો. સ્વાદાનુસાર હિંગ ભેળવવી. આદુ-મરચાં-લસણની પેસ્ટ ગરમ તેલમાં સાંતળીને ચોળામાં ઉમેરવી. વઘાર તૈયાર થઈ જાય ત્યાર બાદ તેને ચોળામાં ભેળવી દેવો. પનીરના ટુકડા ગોઠવી દેવા. કોથમીરથી સજાવીને ગરમાગરમ રોટલી સાથે પીરસવું.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને