પુણે: સૂર્યકુમાર યાદવના સુકાનમાં ભારતીય ટીમે ગઈ કાલે અહીં ઇંગ્લૅન્ડ સામેની ચોથી ટી-20માં વિજય મેળવીને સિરીઝની ટ્રોફી પર અત્યારથી જ 3-1થી કબજો કરી લીધો હતો, પરંતુ ઈજા પામેલા ઑલરાઉન્ડર શિવમ દુબેના સ્થાને ભારતે ફાસ્ટ બોલર હર્ષિત રાણાને રમાડ્યો એ સામે પરાજિત બ્રિટિશ ટીમના કેપ્ટન જૉસ બટલરે વિરોધ નોંધાવ્યો છે.ભારતે આ મૅચ 15 રનથી જીતી લીધી હતી. ભારતીય ટીમે પ્રથમ બૅટિંગમાં આવ્યા બાદ 20 ઓવરમાં નવ વિકેટે 181 રન બનાવ્યા હતા.

ભારતીય ટીમે પ્રથમ બૅટિંગમાં આવ્યા બાદ 20 ઓવરમાં નવ વિકેટે 181 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા અને શિવમ દુબે બંનેએ 53-53 રન બનાવ્યા હતા. જોકે દુબે જયારે બૅટિંગ કરવા આવ્યો હતો ત્યારે ભારતની સ્થિતિ બહુ ખરાબ હતી. ત્યારે ભારતનો સ્કોર 4 વિકેટે માત્ર 57 રન હતો. જોકે દુબેએ હાર્દિક સાથે પાંચમી વિકેટ માટે 87 રનની બહુમૂલ્ય ભાગીદારી કરીને ભારતને સન્માનજનક સ્થિતિમાં લાવી દીધું હતું. ઇંગ્લૅન્ડની ટીમ 19.4 ઓવરમાં 166 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી.

દુબે બૅટિંગમાં હતો ત્યારે ભારતની ઇનિંગ્સના સેકન્ડ-લાસ્ટ બૉલમાં (જૅમી ઓવરટનના કલાકે 141.5 કિલોમીટરની ઝડપવાળા બૉલમાં) દુબેને માથામાં ઈજા થઈ હતી. એ બૉલ દુબેની હેલ્મેટ પર જોરદાર ટકરાયો હતો. પછીથી દુબે છેલ્લા બૉલ પર બટલરના હાથે નઆઉટ થયો હતો.

જોકે માથાની ઈજાને કારણે ભારતીય ટીમે દુબેની જગ્યાએ (આઇસીસીના લાઈક-ફોર-લાઈક નિયમને ધ્યાનમાં લઈને) હર્ષિત રાણાને કંકશન સબ્સ્ટિટયૂટ તરીકે ઇલેવનમાં સમાવ્યો હતો. આ નિયમ હેઠળ જે ખેલાડી માથાની ઈજા બદલ મૅચની બહાર થયો હોય એવા જ પ્રકારના ખેલાડીને સમાવી શકાય. દુબે બૅટિંગ ઑલરાઉન્ડર છે તેના સ્થાને બૅટિંગ ઑલરાઉન્ડરને જ લઈ શકાય એમ હતો. ભારતીય ટીમમાં રમણદીપ સિંહ નામનો બૅટિંગ ઑલરાઉન્ડર હોવા છતાં ભારતે હર્ષિત રાણાને ટીમમાં સમાવ્યો એ સામે બટલરને વાંધો છે. તેણે મૅચ પછી કહ્યું હતું કે ‘હર્ષિતને ઇલેવનમાં સમાવવામાં આવ્યો એ સાથે અમે સહમત નથી. આ મૅચ અમે જીતી શક્યા હોત.’કૉમેન્ટેટર કેવિન પીટરસને તેમ જ નિક નાઈટે પણ કહ્યું હતું કે ‘દુબેના સ્થાને લાઈક-ફોર-લાઈક ખેલાડી તરીકે હર્ષિત ઠીક ન કહેવાય. તમે દુનિયામાં કોઈને પણ પૂછો, આ નિર્ણય યોગ્ય ન જ કહેવાય.’

જોકે રમણદીપ સિંહને વરુણ ચક્રવર્તીના સ્થાને સબ્સ્ટિટયૂટ તરીકે લેવામાં આવ્યો હોવાથી તે ઉપલબ્ધ નહોતો.બટલરે મૅચ પછી એવું પણ કહ્યું હતું કે ‘હું ઓપનિંગમાં બૅટિંગ કરવા મેદાન પર ઊતર્યો ત્યારે મેં હર્ષિતને જોયો અને મને થયું કે આ ખેલાડી કોને બદલે રમી રહ્યો છે? તેના વિશે અમારી સાથે તો કોઈ ચર્ચા જ નથી કરવામાં આવી. અમને કહેવામાં આવ્યું કે મૅચ રેફરી જાવાગલ શ્રીનાથે આ નિર્ણય લીધો હતો. જોકે અમે તેમની સાથે ચર્ચા કરીશું અને તેમને પૂછીશું કે તમે કઈ રીતે આ નિર્ણય લીધો હતો?’હર્ષિત રાણાએ તેની આ પહેલી જ ટી-20 ઇન્ટરનેશનલમાં ત્રણ વિકેટ લીધી હતી. તેણે લિવિંગસ્ટન (9), બેથેલ (6) અને ઓવરટન (19)ની વિકેટ લીધી હતી.શિવમ દુબે ને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને