tallest antheral   successful  the satellite   8  feet 11.1 inches tall

-પ્રફુલ શાહ

અમારા એક ખાસ મિત્ર રમૂજમાં કહે કે ફિઝિકલ હાઇટ ઇઝ નેવર કાઉન્ટેડ. સાચી વાત છે. આપણા પ્રિય વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની ઊંચાઇ માત્ર પાંચ ફૂટ બે ઇંચ હતી, ને વ્યક્તિત્વ-કતૃત્વ આકાશને આંબે એવા હતા.

ગોડ ઓફ ક્રિકેટ ગણાતા સચિન તેન્ડુલકરની હાઇટ પણ શાસ્ત્રીજી જેટલી જ. આમિરખાન (૫’.૮ ફૂટ), શાહરૂખ ખાન (૫’.૭ ફૂટ), અને અમિતાભ બચ્ચન (૬’.૧૭)ની સફળતા જોઇ લો.

આજે આપણે વાત કરવી છે વિશ્ર્વના સૌથી ઊંચા (કે ‘લાંબો’ શબ્દ વધુ ઉચિત રહેશે?) માનવીની. નામ રોબર્ટ વાડલો. લંબાઇ ૮ ફૂટ અને ૧૧.૧ ઇંચ એટલે ૨.૭૨ મીટર! હા. રેકોર્ડેડ ઇતિહાસમાં રોબર્ટ વાડલો. સૌથી લાંબા વ્યક્તિ તરીકેનો વિક્રમ ધરાવે છે. આના પુરાવા દસ્તાવેજ મોજૂદ છે. આ કારણસર તેને અનેક ટાઇટલ અને ઉપનામ મળ્યા. ‘ધ જેન્ટલ જાયન્ટ’, ‘ધ ટૉલેસ્ટ મેન વહુ એવર લીવ્ડ્’. ‘ધ જેન્ટલમેન જાયન્ટ’, ‘ધ બૉય જાયન્ટ’, ‘ધ આલ્ટોન’ અને ‘ધ જાયન્ટ ઓફ ઇલિયોનોઇસ’.
આ લંબાઇ, વિક્રમ અને પ્રસિદ્ધિના પડછાયામાં કરુણતા સંતાયેલી છે.


Also read: કેન્વાસ: ડિવોર્સ – આપણા સમાજની ‘નવી’ પરંપરા?


પાંચ ફૂટ અને ૧૧.૫ ઇંચની ઊંચાઇ ધરાવતા પિતાનો અમેરિકન સ્થિત ઇલિયોનોઇસના આલ્ટોનમાં ૧૯૧૮ની ૨૨મી ફેબ્રુઆરીએ જન્મ. મૂળ નામ રોબર્ટ પર્સિંગ વાડલો. એના પિચ્યુરિટી ગ્લેન્ડ (કફોત્પાદક ગ્રંથિ) અથવા હાયપોથિસસને લીધે એચ.જી.એચ. (હ્યુમન ગ્રોથ હોર્મન) ના અસાધારણ પ્રમાણને લીધે ઊંચાઇ, કદ અને વજન વધતા ગયા હતા. માત્ર ૨૨ વર્ષની ઉંમરે રોબર્ટ અવસાન પામ્યો ત્યારે લંબાઇ આઠ ફૂટ અને ૧૧.૨ ઇંચ હતી, તો વજન ૧૯૯ કિલોગ્રામ હતું!

વાડલો દંપતી હેરોલ્ડ ફ્રેન્કલીન અને એડી મેના પાંચ સંતાનોમાં રોબર્ટ સૌથી મોટો હતો. પ્રાથમિક સ્કૂલમાં એના માટે ખાસ બેન્ચ બનાવવી પડી હતી. સ્કૂલ પૂરી કરી ત્યારે લંબાઇ ૮ ફૂટ ૪ ઇંચ સુધી પહોંચી ગઇ હતી. ત્યારબાદ કાયદાનો અભ્યાસ કરવા માટે તેણે કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો.

ચાલતી વખતે તેણે પગમાં બ્રેસિસ પહેરવા પડતા હતા. હકીકતમાં પગમાં તે નહિવત્ સંવેદના-જીવંતતા અનુભવી શકતો હતો. આમ છતાં તેણે કયારેય વ્હિલચેરનો આશરો લીધો નહોતો.

ગમે તે વિશિષ્ટતા પછી ભલે તે લાચારી કે પીડાદાયક મજબૂરી કેમ ન-હોય ધંધાદારી અભિગમ જોનારા મળી જ આવે છે. ૧૯૩૮માં રોબર્ટે ઇન્ટરનેશનલ શુ કંપની માટે પ્રમોશનલ ટૂર શરૂ કરી. આના બદલામાં કંપની તેને નિ:શુલ્ક બુટ આપતી હતી. મૃત્યુના એક વર્ષ પહેલા જ તેણે વિશ્ર્વના સૌથી લાંબા વ્યક્તિનું બિરુદ મેળવ્યું હતું અને એ અગાઉ આ તાજ જહોન રોગાન (આઠ ફૂટ, નવ ઇંચ) ને નામે હતો. એ હબસી અને અમેરિકાના ટેનાસીના વતની હતો. એનું મૃત્યું પણ નાની ઉંમરમાં અર્થાત્ ૩૮ વર્ષની વયે થયું હતું. એક તો ગુલામનો દીકરો, પાછો હબસી અને શારીરિક મર્યાદા. એ રેલવે સ્ટેશન પર પોસ્ટકાર્ડ અને પોટ્રેઇટ વેચીને આજીવિકા રળવા મથામણ કરતો હતો.

રોબર્ટ વાડલોના જીવનનો સૌથી તકલીફદાયક દિવસ એટલે ૧૯૪૦ની ચોથી જુલાઇ. એક ફેસ્ટિવલમાં એ પ્રોફેશનલી હાજર રહેવાનો હતો. ભૂલભરેલા બ્રેસિસને લીધે ઘૂંટણમાં ખંજવાળ આવવા માંડી અને ઇન્ફેકશન થઇ ગયું. બ્લડ ટ્રાન્સફયુઝન કરવું પડ્યું અને પછી સર્જરી, પરંતુ તબિયત કથળતી ગઇ અને ૧૫મી જુલાઇએ ઊંઘમાં જ તેણે કાયમ માટે આંખ મીચી દીધી. એના માટે ૧૦ ફૂટ, નવ ઇંચનું કોફિન બનાવાયું હતું. જેનું વજન એક હજાર કિલોથી વધુ હતુ.

બાર કાંધવાહક અને આઠ સહાયકોની મદદથી કોફિન ઊંચકીને તેને ઇલિયોનોઇસના એકલ્ટોનની ઓકવુડ સ્મશાનગૃહમાં દફનાવાયો હતો. એની સ્મૃતિમાં ૧૯૮૬માં રોબર્ટ વાડલોની પૂર્ણ કદની પ્રતિમા ઓસ્ટન મ્યુઝિયમ ઑફ હિસ્ટરી ઍન્ડ આર્ટની બહાર મુકાયું હતું.

રોબર્ટ વાડલોએ બીમારીને લીધે મેળવેલી ઊંચાઇ ઇતિહાસ બની ગઇ, પરંતુ બાળક, તરુણ અને યુવાન તરીકે તેણે શું-શું ગુમાવ્યું એ પણ ખૂબ મહત્ત્વનો સવાલ છે. અત્યારે જીવંત સૌથી લાંબા માનવી તરીકે તુર્કીનો સુલ્તાન કોસેન છે. તેની લંબાઇ આઠ ફૂટ ને ૨.૮ ઇંચ છે.

પિચ્યુરિટી ગ્લેન્ડ અચાનક ગાંઠ થવાથી દશ વર્ષની ઉંમરે એનો અસાધારણ વિકાસ થવા માડયો, પરંતુ એ કયારેય રોબર્ટ વાડલોની લંબાઇને પહોંચી શકશે એ વિશે શંકા સેવાય છે. રોબર્ટ વાડલોને વિચિત્રતાએ રાતોરાત રાષ્ટ્રીય સુપર સ્ટાર બનાવી દીધો હતો. આને લીધે તે દર વરસે હજારો કિલોમીટરનો પ્રવાસ કરતો હતો.

હાલ ઉપલબ્ધ તબીબી સવલતો અને દવાને રોબર્ટ જેવી અને જેટલી શારીરિક તકલીફ ભાગ્યે જ કોઇને થશે. આને લીધે કોઇની લંબાઇ રોબર્ટ જેટલી થાય એવી શકયતાને નકારી કાઢવામાં આવે છે.


Also read: સ્પોટ લાઈટ : જુગલ જુગારી’ સદાબહાર મરાઠી નાટકની પ્રેરણા?


બીજા શબ્દોમાં કહી શકાય કે ભવિષ્યમાં કોઇને રોબર્ટ વાડલો જેટલી પીડા સહન કરવી નહીં પડે. ઇતિહાસમાં સ્થાન મેળવવા માટે કેટકેટલું ગુમાવવું પડ્યું. અને વેદના ભોગવવી પડી એ તો માત્ર રોબર્ટ વાડલો જ જાણે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને