Four successful  custody

પાલઘર: શિવસેનાના શિંદે જૂથના દહાણુના નેતા અશોક ધોડીની હત્યા માટે ઉપયોગમાં લેવાયેલી કાર પોલીસને રાજસ્થાનમાં મળી આવી હતી. રાજસ્થાનમાં કાર લઈ જનારા બે આરોપી સહિત ત્રણની પોલીસ શોધ ચલાવી રહી છે.
વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ ધોડીની હત્યા બાદ બે આરોપી કારમાં રાજસ્થાન ફરાર થયા હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે પોલીસે ગુનામાં વપરાયેલી કારને ટ્રેસ કરી હતી. કાર રાજસ્થાનના એક ગામડામાં હોવાનું જાણવા મળ્યું હતું. ઘોલવડ પોલીસની ટીમે કારને જપ્ત કરી હતી.

ઘોલવડમાં રહેતો શિંદે-સેનાનો નેતા અશોક ધોડી 20 જાન્યુઆરીએ મીરા રોડ આવ્યા પછી ગુમ થઈ ગયો હતો. તેની પત્નીએ આ મામલે ઘોલવડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં 31 જાન્યુઆરીએ તેનો મૃતદેહ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલા ભિલાડ ખાતેની પથ્થરની ખાણ નજીકથી કારની ડિકીમાંથી મળી આવ્યો હતો.

આ કેસમાં સાત આરોપી સંડોવાયેલા હોવાનું અત્યાર સુધીની પોલીસ તપાસમાં જણાયું હતું. પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે ધોડીનો ભાઈ અવિનાશ ધોડી સહિત ત્રણ ફરાર છે. કેસની તપાસ માટે પોલીસ અધિકારીઓની આઠ ટીમ બનાવવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો :શિવસેના શિંદે જૂથના પદાધિકારીનો મૃતદેહ અપહરણના 10 દિવસ બાદ ભિલાડથી મળ્યો

પોલીસ આ કેસની તપાસમાં કોઈ કચાશ રાખવા માગતી નથી અને બધા આરોપીને જેલભેગા કરવા પ્રયત્નશીલ છે, એમ અધિકારીનું કહેવું છે.

ઘોલવડમાં જ લોખંડનો સળિયો ફટકારી અશોક ધોડીની હત્યા કરવામાં આવી હતી. તેના મૃતદેહને ગૂણીમાં ભર્યા પછી કારની ડિકીમાં ભિલાડ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પથ્થરની ખાણ પાસેના તળાવમાં કારને ધકેલી દેવામાં આવી હતી. ધોડીના પરિવારજનોએ આરોપીને ફાંસી આપવાની માગણી કરી હતી અને ફરજમાં બેદરકારી દાખવનારા પોલીસ અધિકારીઓ સામે પણ પગલાં લેવાની વિનંતી સરકારને કરી હતી. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને