Congress successful  Delhi Election

એકસ્ટ્રા અફેર - ભરત ભારદ્વાજ

ગુજરાતના રાજકારણમાં એક સમયે ખળભળાટ મચાવી દેનારા કચ્છના નલિયા સેક્સ સ્કેન્ડલનો કેસમાં ચુકાદો આવી ગયો અને આ કેસમાં કોર્ટે તમામ 8 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. નલિયા કેસનો ચુકાદો એન્ટિ-ક્લાઈમેક્સ જેવો છે ને આ ચુકાદાનો અર્થ એ થાય કે, આખા ગુજરાતને ખળભળાવી દેનારો નલિયા સેક્સકાંડ બન્યો જ નહોતો! આ આરોપીઓ સામે અબડાસા-નલિયામાં કામ કરતી અને મૂળ મુંબઈની યુવતીએ 2017ના જાન્યુઆરીમાં નલિયા પોલીસ મથકે ગેંગ રેપની ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ જેમનાં નામ ફરિયાદમાં આપ્યાં તેમાં ભાજપના કેટલાક નેતા પણ હતા. યુવતીએ પોતાની ઉપર ઓગસ્ટ-2015થી નવેમ્બર-2016 દરમિયાન 65 લોકો દ્વારા સામૂહિક બળાત્કાર ગુજારાયો હોવાનો આક્ષેપ કર્યો હતો.ભાજપના નેતાઓ સહિત 10 લોકોએ પોતાને હવસનો શિકાર બનાવી હોવાની ફરિયાદ યુવતીએ નોંધાવતા ગુજરાતમાં ચકચાર મચી ગઈ હતી. પ્રથમ પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ રચાઇ હતી. આ ટીમે 9 આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા હતા અને તમામ સામે ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસમાં રાજ્ય સરકારે ખાસ સરકારી વકીલની પણ નિમણૂક કરી હતી પણ કોર્ટમાં યુવતી જ ફરી જતાં ભુજની સેશન્સ કોર્ટે તમામ આરોપીને છોડી મૂક્યા છે.

અદાલત પુરાવાના આધારે ચુકાદા આપતી હોય છે ને આ કેસમાં તો ફરિયાદ કરનારી યુવતી જ પાણીમાં બેસી ગઈ તેથી કોર્ટના ચુકાદા વિશે કોઈ ટિપ્પણી કરવાનો મતલબ નથી પણ આ કેસે ભારતમાં સમરથ કો નહીં દોષ ગુંસાઈ એ નિયમ ચાલે છે એ ફરી સાબિત કર્યું છે. ભવિષ્યની ખબર નથી પણ ભૂતકાળમાં તો નલિયા સેક્સ સ્કેન્ડલ જેવો સ્કેન્ડલ ગુજરાતમાં બીજો બન્યો નથી. ગેંગ રેપની ફરિયાદ કરનારી યુવતીએ જે આક્ષેપો કર્યા હતા એ પ્રકારના આક્ષેપો કદી થયા નહોતા ને જે રીતે ગુજરાતના રાજકારણનાં ઘણાં મોટાં માથાંની સંડોવણીની વાતો ચાલી એવી વાતો પણ કદી નહોતી ચાલી.નલિયા સેક્સ સ્કેન્ડલને સમજવા યુવતીની ફરિયાદ અને તેણે કરેલા આક્ષેપો વિશે જાણવું જરૂરી છે. ગેંગ રેપની ફરિયાદ કરનારી મૂળ મુંબઈની આ યુવતી કચ્છ ભાજપના એક નેતા શાંતિલાલ સોલંકી પાસે નોકરી માગવા ગઈ તેમાં ફસાઈ ગઈ હતી.

યુવતીની ફરિયાદ પ્રમાણે ભાજપના નેતા સોલંકીએ યુવતીને નોકરીના બહાને બોલાવીને કેફી પીણું પિવડાવીને બેભાન કરી દીધા પછી ભાજપના બીજા બે નેતા સાથે મળીને સેક્સ સંબંધ બાંધ્યા હતા. ભાજપના ત્રણ નેતાએ યુવતીના શરીરને ચૂંથીને પોતાની હવસખોરીની વીડિયો ક્લિપ બનાવી હોવાનો આક્ષેપ યુવતીએ કર્યો હતો.

યુવતીનો દાવો હતો કે, આ ક્લિપના આધારે બ્લેકમેઈલિંગ શરૂ કરાયું. ભાજપના નેતા પોતાને ઈચ્છા થાય ત્યારે બોલાવતા ને તેના શરીરને ચૂંથતા. હોટલો, ગેસ્ટહાઉસમાં બોલાવીને તેની સાથે સંબંધો બાંધ્યા હતા. ચાલુ કારમાં ને ગામની સીમમાં લઈ જઈને પણ યુવતી પર બળાત્કાર ગુજાર્યો. યુવતી વિરોધ કરતી તો વીડિયો ક્લિપ જાહેર કરી દેવાની ધમકી આપીને તેને ચૂપ કરી દેવાતી. પહેલાં ત્રણ હેવાનોએ યુવતીને હવસનો શિકાર બનાવેલી પણ ધીરે ધીરે એ આંકડો વધતો ગયો. આ હવસખોરો સાથે સંકળાયેલા બધા લોકોને હવાલે યુવતીને કરી દેવાઈ પછી તેને મોટા લોકોની હવસ સંતોષવાનું રમકડું બનાવી દેવાયું હતું. યુવતીને મોટા નેતાઓ સાથે સેક્સ માણવા માટે પણ મજબૂર કરાતી હતી. 2017માં યુવતીએ ફરિયાદ નોંધાવી ત્યારે દાવો કરેલો કે, પોતાના પર છેલ્લાં ત્રણ વરસથી આ અત્યાચાર થતો હતો.યુવતીએ ફરિયાદ નોંધાવી પછી કોર્ટમાં કરેલી એફિડેવિટ અત્યંત ગંભીર હતી. યુવતીએ દાવો કરેલો કે, પોતાની જેમ ઘણી લાચાર યુવતીઓને હવસનો શિકાર બનાવાતી હતી. પોતાના જેવી કમભાગી ઘણી છોકરીઓની જિંદગી આ હરામખોરોએ હરામ કરી નાખી છે.

કચ્છમાં હોસ્ટેલોમાં રહેતી કે કોલેજમાં ભણતી પંદર-વીસ વરસની છોકરીઓને જુદા જુદા બહાને ફસાવીને પોતાની જેમ જ તેમને પણ હવસનો શિકાર બનાવીને પછી ધનવાનો ને વગદારોની સેક્સ ભૂખ સંતોષવાના ધંધે લગાડી દેવાઈ છે એવો આક્ષેપ યુવતીએ કર્યો હતો.યુવતીએ હાઈકોર્ટમાં એફિડેવિટ કરીને આક્ષેપ મૂક્યો હતો કે, પોતાના જેવી 45 જેટલી કમનસીબ છોકરીઓની તેને પોતાને જ ખબર છે. યુવતીએ દાવો કરેલો કે, પોતાની સાથે 65 પૂરુષોએ મોં કાળાં કરેલાં ને સેક્સ સંબંધ બાધ્યા હતા.

આ યુવતીએ બીજો અત્યંત ગંભીર આક્ષેપ એ કરેલો કે, 2017માં કચ્છમાં ભાજપનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો તેમાં ભાજપના કાર્યકરોને નીતિમત્તાના પાઠ શીખવવા ગાંધીનગરથી આવેલા ભાજપનાં મોટા નેતાઓની હવસ સંતોષવા આ છોકરીઓને મોકલાતી હતી. આ પ્રશિક્ષણ વર્ગમાં ભાજપના કાર્યકરોને જ પ્રવેશ હતો ને તેમના માટે ઓળખપત્ર બનાવાયેલાં.

યુવતીનો આક્ષેપ હતો કે, બ્લેકમેઈલિંગનો શિકાર કમભાગી છોકરીઓ માટે પણ ભાજપના કાર્યકરો જેવાં ઓળખપત્ર બનાવાયેલાં. તેમને રોજ રાત પડે ને ભાજપના નેતાઓની હવસ સંતોષવા મોકલી દેવાતી. યુવતીના આક્ષેપ પ્રમાણે આ સેક્સ રેકેટમાં ભાજપના સ્થાનિક નેતા જ નહીં પણ ઉપરવાળા પણ સંડોવાયેલા હતા.ગુજરાતમાં એ વખતે વિજય રૂપાણીની સરકાર હતી. હાલના વિધાનસભાના સ્પીકર શંકરભાઈ ચૌધરી ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના આરોગ્ય પ્રધાન હતા. આ કેસમાં શંકરભાઈ ચૌધરીની સંડોવણીના આક્ષેપો કરતો પત્ર આમ આદમી પાર્ટીનાં વંદનાબેન પટેલે લખેલો. અકળાયેલા શંકર ચૌધરીએ વંદના પટેલ સામે બદનક્ષીનો કેસ કરવાની જાહેરાત કરી પછી વંદના પટેલે માફી માગી લીધી હતી પણ આ ઘટના ક્યા સ્તરના નેતાઓ સામે આ કેસમાં સંડોવણીની શંકા હતી તેનું ઉદાહરણ છે.

ભાજપના નેતાઓ સામે થયેલા આક્ષેપોના પગલે ભાજપે પત્રકાર પરિષદ કરીને સ્પષ્ટતાઓ કરવી પડી હતી. ભાજપના મહામંત્રી કે.સી. પટેલે કચ્છમાં પત્રકાર પરિષદ કરીને ભાજપ સરકાર વતી ખાતરી આપવી પડેલી કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સેક્સ કાંડને ગંભીરતાથી લીધો છે ને ગમે તેવો ચમરબંધી સંડોવાયેલો હશે તો પણ છોડવામાં નહીં આવે. રૂપાણી સરકારે આ કેસની ન્યાયિક તપાસ માટે જસ્ટિસ એ. એલ. દવેના અધ્યક્ષ પદે તપાસ પંચ પણ નિમ્યું હતું.

ટૂંકમાં સરકારી સ્તરે તપાસ અને ન્યાય માટે જરૂરી તમામ પગલાં લેવાયાં હતાં પણ છતાં યુવતી ફરી ગઈ તેનું શું કારણ એ ખબર નથી અને છતાં બધાંને ખબર છે. મોટાં માથાં સંડોવાયેલાં હોય એવા કેસોમાં ફરિયાદીને બેસાડી દેવા સામ,દામ, દંડ, ભેદ એમ બધા રસ્તા અપનાવાય છે એ ઓપન સિક્રેટ છે.

કમનસીબે અદાલતે આ વાતની નોંધ ના લીધી અને એક રૂટિન કેસ હોય તેમ તેનો વીંટો વાળી દીધો. વાસ્તવમાં અદાલતે યુવતી ફરી ગઈ એ સંજોગોમાં તેની સામે કાર્યવાહી કરવાની જરૂર હતી. તેની ફરિયાદના કારણે આટલી બધી ધમાલ, સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના ને જ્યુડિશિયલ કમિશન પાછળ પૈસાનું પાણી કર્યા પછી યુવતી પોતાના પર રેપ થયો જ નથી એવું કહે એ ન્યાયની મજાક કહેવાય. કોર્ટે ન્યાયની આવી મજાક ચલાવવા જેવી નહોતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને