-શોભિત દેસાઈ
લોકશાહી, સામંતશાહી અને સૌથી વધુ તો બાદશાહીમાંથી જ પ્રેરિત થઇને શબ્દ ત્રોફાવ્યો છે… રાજેન્દ્રશાહી… ભૂલથી આપણા આવકારના અકિંચન ઉતારે મોટા કવિને બોલાવવાનું વિસરી જવાયું હોય તો અન્ય સમાનભાસિત શબ્દોનું દેવું કરીનેય યોગ્ય સમ્માન ધરવાનો પ્રયત્ન તો કરીએ!!!
પણ રાજેન્દ્રશાહી વર્ણવું એ પહેલાં જે કવિતાની આજે વાત કરવાના છીએ, કવિવર રાજેન્દ્ર શાહની એ કવિતાની સાચી પરખ પહોંચાડવા નામેરી રાજેન્દ્ર શુકલનાં એક શેરથી તમારાં નેણલાં આંજુ….
એવાય છે સવાલી, કૈં બોલતા નથી ને દર પર ઊભા રહે છે કેવળ સબર થઇને શબ્દશ: તો એમ કહેવાય છે કે કોઇક ટહેલ નાખવાવાળા હોય છે એવા નમણા અને અદ્ભુત કે દરવાજે ચૂપચાપ ઊભા હોય છે રાહ જોઇને… કે અંદરથી કોઇ આવે અને આંતરસૂઝને ઝોળીમાં નાખે. સવાલી=માગવાવાળો. પણ રાજેન્દ્ર શાહની આ કવિતા યજમાન એટલે કે ગુજરાતી ભાષા/પ્રજાને આપવા માટે 70-80 વર્ષથી આંગણે સવાલીના લિબાસમાં સબર બનીને ઊભી છે. જોઇએ આજે કેટલી પહોંચે છે… હું કેટલી પહોંચાડી શકું છું. સ્વમાન્યતાનો કિલ્લો ચોમેરથી જડબેસલાક હોય ત્યારે પળેપળનું આત્મનિરિક્ષણ અતિ અનિવાર્ય છે જ… કવિવર રાજેન્દ્ર શાહ! પધારો મારે કોલમ….
શરત પાતળી કેડી કેરકાંટાળી અંટવાળે આવતાં એખણ એરુ, સાવજ કેરી ખાલની મને આલ મજાની મોજડી
એને હોંશથી રે કંઇ પહેરું. ગોખણના એક ઘાવથી ઉતાર નભનો તેજલ તારો, ભાલની મારી બિંદીએ મેલી
અંજવાળું જન્મારો :
ઝરણાનાં ઝાંઝરના તાલે રમતાં રહેતાં, ચડવો મારે એક અવિચલ મેરું ઉગતા આ પ્રરભાતનો રાતો રંગ ને ધૂમર ભૂરું એકબીજાને તાંતણે વણી આણુ પહોળે પટ પૂરું; આટલું મારું વેણ રુડી જે રીતથી રાખે એ જ તે મારા આયખાનો ભડ ભેરું,
આટલી મારી પત રાખે તે પર ઓવારી જાઉં રે જીવન, પારવનું વ્હાલ વેરું પ્રેમમાં હોવાના કારણો, લગ્ન, સાથીદારી ઇત્યાદિ દિન બ દિન કેવાં કદરૂપા વ્યાપારીકરણના અતિ બોલકા કળણમાં ખૂંપતા જાય છે… એવામાં 70-80 વર્ષ પહેલાં સર્જાયેલાં આ ગીતમાં એક પ્રેમોત્સુક કુંવારિકા (ના, કવિતાની નાયિકા નહીં, આ કોઇ ફિલ્મ નથી, કવિતા છે, માટે પ્રેમોત્સુક કુંવારિકા જ) એના બનનાર સાથી સમક્ષ મૂકે છે અમુક શરત. આગળ જતાં આ સ્વયંવરના કોઇ પણ પાત્રો સર્વનાશ નોંતરતું કોઇ યુદ્ધ નથી કરવાના કે જેથી એમાં ફરતી માછલી અને નીચે જળ અને ધનુષ્ય બાણ ઇત્યાદી રાખવાં પડે, આગળ જઇને અંત સુધી આ બે પાત્રો અને ભવિષ્યના એમના પરિવારનો એક અત્યંત દૈદિપ્યમાન, સ્વયંપ્રકાશિત, ઉચ્ચ આદર્શથી દિક્ષિત જીવનનો ઇરાદો છે. એ માટે જે શરૂઆત, જે મજબૂત પાયા માટે જરૂરી હોય એ સર્વ અત્યંત કાવ્યમય લઢણમાં પહેલી શરત તરીકે મુકાય એ પહેલાં કુંવારિકા પોતે શું આપવાની ખાત્રી ધરે છે એનું તો મુખડું છે.
કેરના કાંટાથી ભરેલી પાતળી કેડી કે જેના પર નાગ-સાપ નિરાંતે વિહરતા હોય એનાથી રક્ષણ પામવા મને સાવજની ખાલની મોજડી તું આપે તો એને પગે બાંધીને મોજથી મહાલું. સાવજની ખાલની મોજડી અને આલે કોણ? થનાર જીવનસાથી. પછી ડર કોનો? શેનો? કયાંનો? સાવજ કેરી ખાલ પછી ‘આપ’ ને બદલે ‘આલ’ મૂકે એટલે આંતરપ્રાસની રાજેન્દ્રાઈ અંતિમ આસમાને… હજી નમણાંં હુકમોનો ચાલતો દોર તો જુઓ: તાક ગોફણ નભમાં અને હેઠો ઉતાર વધુ ચળકતો તારો, મારે એને મારા કપાળમાં સજાવીને તારા સાથનો જનમારો અજવાળવો છે. આવી રમ્ય ગમ્ય અભાનતામાં વહેતા ઝરણાના રુમઝુમ તાલે રમતાં રમતાં બાજુની ટેકરીની ટોચે પહોંચવું છે. આ પરબ્રહ્મ જગાએથી ઉગતા પ્રભાતના રાતા રંગ સાથે ભૂરું આભ ગૂંથી જે પટ વણાય, એ આણાં જેવું જીવન મારે જોઇએ. બોલ આપી શકીશ આ બધું? શરત ગણ તો શરત અને મારું વરત ગણ તો વરત… પાળી શકીશ? તો આગળ વાત કરીએ…
હિરાના હાર, મોંઘીદાટ મોટરગાડીઓ – બેન્ટલી બુગાટી રોલ્સ રોઇસ વગેરે, ટ્રમ્પ ટાવર મેનહટનમાં પેન્ટ હાઉસની માગણીઓ હોય અથવા આપવાનો દેખાડો હોય…. આપણે આજે રાજેન્દ્રશાહીનાં નામે કુમળી મર્દાનગી ને સંપૂર્ણ સ્ત્રીત્વ દ્વારા પડકારાતો ઉત્સવ ઉજવવા એકઠા છીએ એ આપની જાણ ખાતર…. કવિતામાં મધ્યબિંદુ પરથી સમગ્ર પરિઘ ઊભો કરી શકવાનું સામર્થ્ય છે. પણ મધ્યબિંદુ તો અનિવાર્ય જ ને?! તો આ મધ્યબિંદુ કવિવર રાજેન્દ્ર શાહ જીવનસાથીમાં હોવાની કલ્પના કરી શકયા હશે? કે મંજુલા રાજેન્દ્ર શાહે આ મધ્યબિંદુ ધર્યું હશે?! ગુજરાતી ભાષાનાં અગણિત અને અદ્ભુત ગીતભંડારમાંથી એક ચૂપચાપ મહાનતમ ગીત કાયમ માટે અંતરમાં સજાવેલું રાખીએ…. આજે આટલું જ…..
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને