કટકઃ ઓડિશામાં કટકના બારામતી સ્ટેડિયમમાં રવિવાર, નવમી ફેબ્રુઆરીએ ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે (બપોરે 1.30 વાગ્યાથી) રમાનારી સિરીઝની બીજી વન-ડે માટેની ટિકિટ મેળવવા આજે લોકોમાં ભારે ભીડ જામી હતી અને એ દરમ્યાન થયેલી નાસભાગમાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાનો અહેવાલ મળ્યો હતો.
સ્ટેડિયમની બહાર જે ભાગદોડ થઈ એમાં કેટલાક લોકો પડી ગયા બાદ બેભાન થઈ ગયા હતા. ટિકિટ ખરીદનારામાંના કેટલાકે પોલીસની લાપરવાહીને જવાબદાર ગણાવી હતી.
આ પણ વાંચો: IND vs ENG 1st ODI: નાગપુરમાં પીચ આવી રહેશે; ટાઈમ, ટીકીટ, સ્ટ્રીમીંગ એપ, જાણો સંપૂર્ણ માહિતી…
ઉલ્લેખનીય છે કે કટકમાં છ વર્ષ બાદ પહેલી વાર આંતરરાષ્ટ્રીય વન-ડે મૅચ રમાવાની છે જેને કારણે પ્રેક્ષકોમાં પ્રચંડ ઉત્સાહ હતો. રવિવારની મૅચની ટિકિટોનું વેચાણ આજે શરૂ થયું એ પહેલાં મંગળવાર મોડી રાતથી જ લાંબી-લાંબી લાઇન લાગી હતી અને વધુને વધુ લોકો આવતા ગયા હતા જેને કારણે સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ હતી.
આ સ્ટેડિયમની 11,500 ટિકિટો ખરીદવા માટે કુલ મળીને 10,500 જેટલા લોકો વિવિધ કાઉન્ટરો માટેની લાઇનમાં ઊભા રહ્યા હતા. ટિકિટો વેચવા સંબંધમાં ગેરવ્યવસ્થા થઈ હોવાનો આક્ષેપ પણ કેટલાક લોકોએ કર્યો હતો.
કહેવાય છે કે આજે સવારે કેટલાક લોકો ટિકિટ ખરીદવા આવી જતાં પોલીસે તેમને રાતથી જ લાઇનમાં ઊભેલા લોકોની વચ્ચે ઊભા રહી જવા દીધા હતા જેને લીધે ધમાલ શરૂ થઈ હતી અને સ્થિતિ બેકાબૂ થઈ ગઈ હતી. એક મહિલા ક્રિકેટપ્રેમીએ એક અખબારી મુલાકાતમાં કહ્યું હતું કે `બધે વીઆઇપી કલ્ચર ચાલે છે. અહીં પણ એવું થયું. આ ગેરવ્યવસ્થા બંધ થવી જોઈએ. જે લોકો પહેલાં આવ્યા તેમને ટિકિટ ખરીદવાનો પહેલો મોકો મળવો જોઈએ.’
આ પણ વાંચો: શિવમ દુબેએ નવો ઇતિહાસ રચ્યો, વિશ્વનો એવો પહેલો ક્રિકેટર બન્યો જે…
કોલકાતાથી આવેલી એ વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે તે મંગળવાર રાતથી લાઇનમાં ઊભી રહી ગઈ હતી, પણ ભારે ભીડ વચ્ચે અને ભાગદોડ થવાને પગલે પોલીસે તેને લાઇનની બહાર કરી દીધી હતી. જોકે તેને આશા છે કે તેને ટિકિટ મળશે અને મૅચ જોવા મળશે.
કટકની અસહ્ય ગરમીની પણ વિપરીત અસર થઈ હતી અને ઘણા લોકો બેહોશ થઈ ગયા હતા. ઘટનાસ્થળે પાણીની પૂરતી વ્યવસ્થા નહોતી એની પણ ખરાબ અસર પડી હતી. ઘણી મહિલાઓ પણ લાઇનમાં ઊભી રહી હતી જેમાંની કેટલીક મહિલાઓનો ઉપયોગ ટિકિટો ખરીદીને એ ટિકિટોના કાળા બજાર કરવા માટે થયો હોવાનો આક્ષેપ થયો હતો.
દરેક વ્યક્તિને આઇ-કાર્ડ બતાવ્યા બાદ વધુમાં વધુ બે ટિકિટ આપવાનું નક્કી થયું હતું. ટિકિટનું વેચાણ 5-6 ફેબ્રુઆરી માટે નિયત કરાયું હતું, પરંતુ પાંચમી ફેબ્રુઆરીએ એટલે કે આજે જ તમામ ટિકિટો ખતમ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું એટલે અનેક લોકો નિરાશ હાલતમાં પાછા ગયા હતા.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને