Maharashtra is second

નવી દિલ્હીઃ ગુજરાત દેશમાં કપાસના ઉત્પાદનમાં મોખરે છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં આ વાત સામે આવી છે. વર્ષ 2023-24 માં કપાસના ઉત્પાદનમાં ગુજરાત 9,056.99 હજાર ગાંસડી (દરેક 170 કિલો) ના ઉત્પાદન સાથે દેશભરમાં ટોચ પર હોવાનું સંસદમાં એક પ્રશ્નના જવાબમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી, રામનાથ ઠાકુરે જણાવ્યું હતું.

સંસદમાં દેશમાં કપાસના રાજ્યવાર ઉત્પાદનની વિગતો મુજબ, ગુજરાતમં 2021-22માં 1509.34 ગાંસડી, 2022-23માં 8795.53 ગાંસડી, 2023-24માં 9056.99 ગાંસડી ઉત્પાદન થયું હતું. જ્યારે મહારાષ્ટ્રમાં આ વર્ષોમાં અનુક્રમે 8249.24 ગાંસડી, 8315.67 ગાંસડી, 8045.49 ગાંસડી ઉત્પાદન થયું હતું. તેલંગાણામાં 4878.06 ગાંસડી, 5744.62 ગાંસડી, 5079.71 ગાંસડી ઉત્પાદન થયું હતું. 2022-23 અને 2023-24માં ગુજરાતે કપાસના ઉત્પાદનમાં મહારાષ્ટ્રને પાછળ રાખ્યું હતું.

2023-24 દરમિયાન, કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા MSP કામગીરી હેઠળ કપાસની 32.84 લાખ ગાંસડીની ખરીદી કરવામાં આવી હતી. આ 32.84 લાખ ગાંસડીમાંથી 27 જાન્યુઆરી 2025 સુધીમાં 31.80 લાખ ગાંસડી વેચાઈ ચૂકી છે. હાલમાં, ભારતમાંથી કપાસની નિકાસ પર કોઈ પ્રતિબંધ નથી અને ભારત સરકાર કપાસની આયાત કરતી નથી. જોકે, સ્થાનિક વેપારીઓ સ્વતંત્ર રીતે કપાસની આયાત કરે છે અને ભારત સરકાર તરફથી આમ કરવા અને કિંમતોને નિયંત્રિત કરવા માટે કોઈ આદેશ નથી.

 Maharashtra is second

આ પણ વાંચો : નસબંધી મામલે પણ જાતીય અસમાનતા! ગુજરાતના આંકડા આપી રહ્યા છે પુરાવા…

કૃષિ ખર્ચ અને ભાવ આયોગ (CACP) દ્વારા દર વર્ષે ઉત્પાદન ખર્ચના 1.5 ગણા સૂત્રના આધારે MSPની ભલામણ કરવામાં આવે છે, ખેડૂતોને વાજબી ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે. જે મુજબ 2021-22માં મધ્યમ રેસાવાળા કપાસના 5726 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, 2022-23માં 6080 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ તથા 2023-24માં 6620 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે લાંબા રેસાવાળા કપાસના ભાવ 2021-22માં 6025 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, 2022-23માં 6380 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને 2023-24માં 7020 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત આંકડાઓ એ પણ માહિતી પૂરી પાડે છે કે આ એમએસપી વર્ષોથી સતત વધી રહી છે.

એમએસપી યોજનાનો લાભ આપવા અને કપાસના ખેડૂતોને વાજબી ભાવ સુનિશ્ચિત કરવા માટે, સીસીઆઈએ 12 કપાસ ઉત્પાદક રાજ્યોના 152 જિલ્લાઓમાં 507 ખરીદી કેન્દ્રો ખોલ્યા છે, જેમાં અમરાવતી જિલ્લામાં 9 ખરીદી કેન્દ્રો અને મહારાષ્ટ્ર રાજ્યના યવતમાલ જિલ્લામાં 15 ખરીદી કેન્દ્રો સામેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને