- નિલેશ વાઘેલા
મુંબઈ: સરકારે રજૂ કરેલા 2025ના નવા અંદાજપત્રનો શેરબજારને અંદાજ પસંદ આવ્યો ના હોય એવું પર્ફોમન્સ શનિવારના વિશેષ બજેટ સત્રમાં જોવા મળ્યું. ઐતિહાસિક આંકડાકીય માયાજાળનો અભ્યાસ કરવાનો શ્રમ નથી લીધો, પરંતુ પાછલા કેટલાંય વર્ષોમાં કેન્દ્રીય અંદાજપત્રની રજૂઆત બાદ અર્થતંત્રની પારાશીશી ગણાતાં શેરબજારના બેન્ચમાર્કમાં આટલો મામૂલી ફેરફાર જોવા મળ્યો હોય એવું યાદ નથી.
Also work : 200 રૂપિયાની નોટ પણ બંધ થઈ રહી છે? RBIએ કરી આ સ્પષ્ટતા, જાણી લો એક ક્લિક પર…
બજેટની રજૂઆત બાદ મોટા ઉછાળા કે કડાકા બોલાયા હોવાના રેકોર્ડની જેમ આ સત્રનો અતિ સાધારણ ફેરફાર પણ ઇતિહાસમાં નોંધાશે. પ્રોત્સાહક પ્રસ્તાવો ધરાવતા અને મધ્યમ વર્ગને લહાણી કરનારા જણાતા અંદાજપત્રની રજૂઆત છતાં સેન્સેક્સ માંડ માંડ પોઝિટિવ ઝોનમાં ટકી શક્યો હતો, જ્યારે નિફ્ટી 23,500ની નીચે સરક્યો હતો. શનિવારે બજેટને કારણે શેરબજારમાં વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
એકંદરે પોપ્યુલિસ્ટ બજેટ હોવા છતાં તેમાં કેટલાક પ્રસ્તાવો અને દરખાસ્તો ધ્યાન ખેંછે એવા છે અને આવનારા સમયમાં અમુક ક્ષેત્રને તેનો લાભ મળી શકે છે. રોકાણકારેો આ ક્ષેત્રના સારા ફંડામેન્ટલ ધરાવતા શેરો પર નજર રાખી શકે છે. નાણાપ્રધાનેે ખાસ કરીને કૃષિ, ઇલેક્ટ્રિક વાહન, ઉત્પાદન, જહાજ નિર્માણ, વીજળી, માળખાગત સુવિધાઓ અને વીમા સહિત અન્ય ક્ષેત્રો માટે પણ યોજનાઓ અને નોંધપાત્ર ફાળવણીની જાહેરાત કરી છે. બજેટની જાહેરાતોને કારણે આગળ જતાં કેટલાક મુખ્ય ક્ષેત્રો ચર્ચામાં રહેવાની અપેક્ષા છે.
આમાં સૌથી પહેલું સ્થાન શિપિંગ ઇન્ડસ્ટ્રીને આપી શકાય. શિપબિલ્ડિંગ માટે, નાણામંત્રીએ કાચા માલ, ઘટકો, ઉપભોક્તા વસ્તુઓ અથવા જહાજોના ઉત્પાદન અને જહાજ તોડવા માટેના ભાગો પર બીજા દસ વર્ષ માટે મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટીમાં મુક્તિની જાહેરાત કરી છે. આ નિર્ણય ક્ષેત્રના લાંબા સમયગાળાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. તેમણે રૂ. 25,000 કરોડ રૂપિયાના ભંડોળ સાથે દરિયાઇ વિકાસ ભંડોળની પણ જાહેરાત કરી. વધુમાં, સરકાર શિપબિલ્ડિંગ ક્લસ્ટર દ્વારા શિપબિલ્ડિંગ ઉદ્યોગને વેગ આપશે.
બજેટની શરૂઆત એગ્રીકલ્ચર સેકટર સાથે થઇ હતી. બજેટમાં પ્રધાનમંત્રી ધન-ધન્ય કૃષિ યોજનાની જાહેરાત કરી હતી, જે ઓછી ઉત્પાદકતા, મધ્યમ પાકની તીવ્રતા અને સરેરાશથી ઓછા ધિરાણ પરિમાણો ધરાવતા 100 જિલ્લાઓને આવરી લેશે. આ યોજના પાક વૈવિધ્યકરણ અપનાવીને, પંચાયત અને બ્લોક સ્તરે લણણી પછીના સંગ્રહને વધારીને અને સિંચાઈ સુવિધાઓમાં સુધારો કરીને કૃષિ ઉત્પાદકતામાં વધારો કરશે. તે 1.7 કરોડ ખેડૂતોને મદદ કરવા માટે લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના ધિરાણનો પણ લાભ મેળવશે.
Also work : Kerala ના આ મંત્રીનું ફંડ અંગેનું નિવેદન કેમ થયું વાયરલ, જાણો વિગતે…
ત્રીજુ સ્થાન વીમા ઉદ્યોગને આપી શકાય. બજેટના પ્રસ્તાવિત ફેરફાર જીવન વીમા ક્ષેત્ર પર નકારાત્મક અસર કરી શકે છે. બજેટમાં વીમા ક્ષેત્ર માટે એફડીઆઇ મર્યાદા 74 ટકાથી વધારીને 100 ટકા કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે લિસ્ટેડ ભારતીય કંપનીઓ પર બહુ અસર નહીં પડે કારણ કે તેમની પાસે પહેલાથી જ ઓછામાં ઓછા 25 ટકા પ્રમોટર શેરહોલ્ડિંગનું ધોરણ છે, અને તેથી 100 ટકા એફડીઆઇથી તેમના માટે કંઈ બદલતું નથી. પરંતુ તેના કારણે નવી વિદેશી વીમા કંપનીઓ ભારતમાં આવી શકે છે જે સ્પર્ધામાં વધારો કરી શકે છે.
બજેટમાં પાવર સેકટકને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. નાણાં પ્રધાને ન્યુ અને રિન્યુએબલ ઉર્જા સહિત વીજ ક્ષેત્ર માટે રૂ. 48,396 કરોડ ફાળવ્યા હતા, જે પાછલા વર્ષના રૂ. 37,143 કરોડ (સુધારેલા અંદાજ)ની ફાળવણી કરતા 30 ટકા અને રૂ. 39,602 કરોડના બજેટ અંદાજ કરતા 22 ટકા વધુ છે. સરકારે સોલાર પીવી સેલ, ઇવી બેટરી, ગ્રીડ-સ્કેલ બેટરી, ઉર્જા સંગ્રહ અને અન્યના સ્થાનિક ઉત્પાદન પર ભાર મૂકવાનું ચાલુ રાખ્યું છે.
રાજ્યો દ્વારા વીજળી વિતરણ સુધારા અને આંતર-રાજ્ય ટ્રાન્સમિશન ક્ષમતા વધારવા માટે પ્રોત્સાહન આપવાની યોજનાની પણ જાહેરાત કરી. પરમાણુ ઉર્જા મિશન પર બીજી એક મોટી જાહેરાત કરવામાં આવી હતી. 2047 સુધીમાં 100 ગીગાવોટના લક્ષ્યની જાહેરાત કરી હતી તેમજ 20,000 કરોડ રૂપિયાના ખર્ચ સાથે નાના મોડ્યુલર રિએક્ટરના સંશોધન અને વિકાસ માટે પરમાણુ ઉર્જા મિશનની સ્થાપનાની દરખાસ્ત છે.
રિઅલ એસ્ટેટની વાત કરીએ તો અફોર્ડેબલ હાઉસિંગ સેકટરને લગતી દરખાસ્તોથી પેઇન્ટ, સ્વિચ બોર્ડ કંપનીઓ, સિમેન્ટ, ક્નઝ્યુમર ડ્યુરેબલ કંપનીઓ જેવી સહાયક કંપનીઓને મળી શક છે. બજેટમાં વધુ 40,000 યુનિટ ઉમેરવાનો પ્રસ્તાવ છે, જે 2025 માં પૂર્ણ થશે. સ્પેશિયલ વિન્ડો ફોર એફોર્ડેબલ એન્ડ મિડ-ઇનકમ હાઉસિંગ હેઠળ સ્ટે્રસ્ડ હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં પચાસ હજાર રહેઠાણ એકમો પૂર્ણ થઈ ગયા છે, અને ઘર ખરીદનારાઓને ચાવીઓ સોંપવામાં આવી છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચરા ક્ષેત્ર માટે, નાણા પ્રધાને શહેરોને વિકાસ કેન્દ્રોમાં રૂપાંતરિત કરવા, નવીન પુનર્વિકાસને ટેકો આપવા અને પાણી અને સ્વચ્છતા માળખાગત સુવિધાઓમાં સુધારો કરવા માટે અર્બન ચેલેન્જ ફંડ રચવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે દરેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર મંત્રાલય જાહેર-ખાનગી ભાગીદારી (પીપીપી) પ્રોજેક્ટ્સની ત્રણ વર્ષની યાદી રજૂ કરશે, જેમાં દરેક મંત્રાલય દીઠ ત્રણ પીપીપી દરખાસ્તો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. (નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રારંભિક રૂ. 10,000 કરોડનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે). બજેટમાં મૂડી ખર્ચ માટે રૂ. 1.5 લાખ કરોડ વ્યાજમુક્ત લોનનો પણ સમાવેશ થાય છે.
ટ્રાવેલ અને ટુરિઝમ સેકટરની બાબતમાં નાણા પ્રધાને પર્યટનને સુધારવા માટે અનેક પગલાંની પણ જાહેરાત કરી હતી, જેમાં હોમસ્ટે માટે મુદ્રા લોન, ચોક્કસ પ્રવાસી જૂથો માટે વિઝા-ફી માફી સાથે ઇ-વિઝા સુવિધાઓ સુવ્યવસ્થિત કરવી, રાજ્યો દ્વારા પૂરી પાડવામાં આવનાર મુખ્ય માળખાગત સુવિધાઓ બનાવવા માટે જમીન, વગેરેનો સમાવેશ થાય છે.
શેરબજારના નિરસ પ્રતિસાદને તાર્કિક જસ્ટીફિકેશન આપવું હોય તો કહી શકાય કે સળંગ ચાર સત્રની તેજીમાં બજારે બજેટની પોઝિટિવ બાબતો અગાઉ ડિસ્કાઉન્ટ કરી લીધી હોવાથી પ્રત્યાઘાતી ઘટાડો જોવાયો હતો.
Also work : નાણામંત્રી નિર્મલા સીતારમને ડોલર સામે રૂપિયાના અવમૂલ્યન અંગે આપ્યું આ મોટું નિવેદન
એક કારણ એવું પણ અપાઇ રહ્યું છે કે ડિવિડંડને લગતી એકાદ છૂટછાટ ઉપરાંત રિટેલ ઇન્વેસ્ટર માટે બજેટમાં કોઇ ખાસ જોગવાઇ નથી.
સદ્ભાગ્યે આવકવેરાને લગતી આશા ફળી છે, પરંતુ નાણાકીય વર્ષ 2026 માટે કેપેક્સમાં વાર્ષિક ધોરણે માત્ર 10 ટકાના વધારાથી અર્થશાસ્ત્રીઓ નાખુશ છે. રેલવે, ડિફેન્સ અને ઇન્ફ્રાસ્ટકચર જેવા મહત્ત્વનાં ક્ષેત્રો પર આની નકારાત્મક અસર પડવાની ભીતિ છે.
અંદાજપત્રમાં સૌથી મોટી જાહેરાત પગારદાર વર્ગને રૂ. 12 લાખ સુધીની આવક પર આવકવેરામાં આપેલી મુક્તિમર્યાદાની ભેટ ગણી શકાય, જોકે એ સંદર્ભે પણ સામાન્ય લોકોમાં દરના સ્લેબને કારણે મૂંઝવણ છે. ઉપરાંત આ રાહત મધ્યમવર્ગ માટે નહીં, પરંતુ વપરાશી માગ વધારીને ઉદ્યોગોને અને અર્થતંત્રને ટેકો આપવાના હેતુસર અપાઇ છે.
આ જાહેરાતને પગલે ક્નઝ્યુમર ડ્યુરેબલ, એફએમસીજી અને ઓટોમોબાઇલ સેકટરના શેરોમાં લેવાલી વધી હતી અને સંબંધિત ઇન્ડેક્સમાં સુધારો જોવા મળ્યો હતો, પરંતુ તે બજારને ટેકો આપવા માટે અપર્યાપ્ત હતો. આ સુધારો મધ્યમ વર્ગ ખર્ચમાં વધારો કરશે એવી આશાને આધારે હતો, જેની કસોટી આગામી સમયમાં થશે.
નોંધવું રહ્યું કે, મૂડીઝ રેટિગ્સે જણાવ્યું હતું કે મધ્યમ વર્ગ માટે ભારત સરકારની કર રાહતની અસર આર્થિક વિકાસ પર મર્યાદિત રહી શકે છે. બજેટના કર પગલાં વૃદ્ધિને નોંધપાત્ર રીતે વેગ આપવા માટે પૂરતા છે કે કેમ તે અનિશ્ચત બાબત છે. સરકારે રાજકોષીય ખાધને ઘટાડીને 4.4 ટકા સુધી લઇ જવાનો અંદાજ માંડ્યો હોવા છતાં મૂડીઝે ભારતના રેટિંગમાં તાત્કાલિક સુધારો કરવાનો ઇનકાર જાહેર કર્યો છે.
Also work : ટેક્સ ઘટાડવાના નિર્ણય પાછળ વડાપ્રધાનનો હાથ! નાણા પ્રધાન નિર્મલા સીતારમનનું નિવેદન…
એકંદરે બજાર અત્યારે સ્પષ્ટતા માટે મથી રહ્યું છે અને આગામી ચાલનો આધાર રિઝર્વ બેન્કના વ્યાજદરના નિર્ણય ઉપરાંત ખાસ કરીને તઘલખી મિજાજ ધરાવતા ટ્રમ્પની સંભવિત ટેરિફ વોર અને વિશ્વબજાર પર તેની થનારી અસર પર આધારિત છે. હાલમાં જ ટ્રમ્પે કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ ફટકારી છે, જે ભારત માટે પણ ચિંતાનો
વિષય છે.