Construction country   for Mumbai BMC's 5  caller   occurrence  stations on  the coastal road. Representative Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની વધતી વસતી અને હાઈરાઈસ ઈમારતોનું પ્રમાણ વધી રહ્યું હોવાથી લાંબા સમયથી મુંબઈ મહાનગરપાલિકા મુંબઈના ફાયર સ્ટેશનોનોની સંખ્યા વધારવાની યોજના બનાવી રહ્યું હતું અને હવે આને અનુલક્ષીને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં મુંબઈમાં પાંચ નવા ફાયર સ્ટેશન માટે ભંડોળ ફાળવવામાં આવ્યું છે, તેમાંથી બે ફાયર સ્ટેશન મુંબઈ કોસ્ટલ રોડ (દક્ષિણ છેડા) પાસે બંધાશે. પાલિકાએ બજેટમાં ફાયરબ્રિગ્રેડના અપગ્રેડેશન તથા નવા ફાયર સ્ટેશન બાંધવા માટે ૨૬૧.૭૨ કરોડ રૂપિયા ફાળવ્યા છે.

શહેરમાં આગ લાગવાથી લઈને બિલ્ડીંગ તૂટી પડવા સહિતની અનેક દુર્ઘટના સમયે ફાયરબ્રિગેડ બચાવ કામગીરી હાથ ધરતી હતી. તેથી ફાયરબ્રિગેડને વધુ સક્ષમ બનાવવામાં આવવાનું છે. ૨૦૨૪-૨૫નાં નાણાકીય વર્ષમાં ફાયરબ્રિગેડ માટે ૧૫૯ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, જેમાં નવા વર્ષમાં ભંડોળમાં વધારો કરવામાં આવ્યો છે, તેને કારણે ફાયરબ્રિગેડ પાંચ નવા ફાયરબિગ્રેડ સ્ટેશન તો બાંધી શકશે સાથે જ નવાં અત્યાધુનિક સાધનો પણ સમાવેશ કરી શકશે.

હાલ મુંબઈમાં ૩૫ મોટાં અને ૧૯ નાનાં ફાયર સ્ટેશન આવેલા છે, તેમાં હવે કાંદિવલી (પૂર્વ)માં ઠાકુર વિલેજમાં બનાવવામાં આવી રહેલા ફાયર સ્ટેશનનું કામ પૂરું થયું છે. કાંજુરમાર્ગ (વેસ્ટ)માં એલ.બી.એસ. માર્ગ પર પણ બાંધવામાં આવી રહેલા ફાયરબ્રિગેડ સ્ટેશનનું કામ લગભગ પૂરું થવાની તૈયારીમાં છે. સાંતાક્રુઝ (વેસ્ટ)માં જુહુ તારા રોડ પર નવું ફાયર સ્ટેશન અને ચેમ્બુરમાં માહુલ રોડ પર તથા તિલક નગરમાં ગયા વર્ષે નવું ફાયર સ્ટેશન બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભંડોળના અભાવે કામ થોડું અટવાઈ ગયું હતું અને હવે નવા નાણાકીય વર્ષમાં ભંડોળ ફાળવવામાં આવ્યું હોવાથી કામ ઝડપથી પૂરું કરવાનો લક્ષ્યાંક છે.

Also read: કોસ્ટલ રોડ પર બે ફાયર સ્ટેશન અને 70 સ્થળોએ સ્પીડ કેમેરા

નવાં પાંચ ફાયર સ્ટેશનની સાથે જ ફાયરબિગ્રેડના કાફલામાં માર્ચ મહિનામાં અત્યાધુનિક ટેક્નોલોજી સાથેનું નવું હાઈડ્રોલિક પ્લેટફોર્મનો સમાવેશ થવાનો છે. એ સિવાય અત્યાધુનિક ટેક્નોલોજી સાથેના ૧૧ ફર્સ્ટ રિસ્પોન્સ ફાયર એન્જિન, હાઈ પ્રેશર વોટર પંપ અને લાઈટિંગની વ્યવસ્થાવાલા ચાર સપોર્ટ વેહિકલ પણ ખરીદવાની છે. તેમ જ મુંબઈ ફાયરબ્રિગેડ નવી ફાયર ફાઈટિંગ ટેક્નોલોજી અમલમાં લાવવાની છે, જેમાં કોમ્પ્રેસ્ડ એર ફોમ સિસ્ટમ અને ડ્રોનની યોજના છે, જે ખાસ કરીને બહુમાળીય ઈમારતોમાં આગને નિયંત્રણમાં લાવવામાં ઉપયોગી સાબિત થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને