Indian squad  for Champions Trophy announced

મુંબઈઃ બરાબર એક મહિના પછી (19મી ફેબ્રુઆરીએ) શરૂ થનારી વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી માટેની ભારતીય ટીમની આજે અહીં જાહેરાત કરવામાં આવી હતી. 15 ખેલાડીઓની આ ટીમમાં ટી-20 અને ટેસ્ટના ઓપનિંગ બૅટર યશસ્વી જયસ્વાલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

એ સાથે, યશસ્વીને વન-ડે ફૉર્મેટમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો છે. રોહિત શર્મા આ ટીમનું સુકાન સંભાળશે. શુભમન ગિલની નિયુક્તિ વાઇસ-કૅપ્ટન તરીકે થઈ છે.

આ કાર્યવાહક ટીમ છે અને 15 ખેલાડીઓની અંતિમ ટીમની જાહેરાત 11મી ફેબ્રુઆરી સુધીમાં કરી દેવાની રહેશે.
ચૅમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં રમાવાની છે, પરંતુ ભારતની તમામ મૅચો દુબઈમાં રમાશે. ભારતની આ જ ટીમ છઠ્ઠી ફેબ્રુઆરીએ ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામે શરૂ થનારી વન-ડે શ્રેણીમાં રમશે.

આપણ વાંચો: ICC Test Ranking: યશસ્વી જયસ્વાલને ફાયદો, ટ્રેવિસ હેડ નુકશાન, આ ખેલાડી નં.1…

ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહને આ ટીમમાં સામેલ તો કરવામાં આવ્યો છે, પરંતુ તે આ ટૂર્નામેન્ટમાં રમશે કે નહીં એ તેનો આધાર તેની ફિટનેસ પર રહેશે. તે સ્ટ્રેસ સંબંધિત પીઠની ઈજાનો શિકાર થયો છે. ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝના નવ દાવમાં તેણે 151.2 ઓવર બોલિંગ કરી હતી જેને લીધે તેના મન અને શરીર પર પ્રચંડ બોજ આવ્યો હતો.

ફાસ્ટ બોલર હર્ષિત રાણાનું સિલેક્શન બુમરાહના બૅક-અપ બોલર તરીકે કરવામાં આવ્યું છે. જો બુમરાહ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં નહીં રમી શકે તો હર્ષિતને રમાડવામાં આવશે.

મોહમ્મદ શમી વન-ડે માટેની ટીમ ઇન્ડિયામાં કમબૅક કરી રહ્યો છે. તેને પણ 15 ખેલાડીઓની સ્ક્વૉડમાં સમાવવામાં આવ્યો છે.

આપણ વાંચો: વિરારના ટીનેજ ક્રિકેટરે અમદાવાદમાં યશસ્વી જયસ્વાલનો કયો વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો!

લેફ્ટ-આર્મ રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવ પણ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં રમશે. તે ભારત વતી છેલ્લે વન-ડેમાં ઑગસ્ટ, 2024માં શ્રીલંકા સામેની મૅચમાં રમ્યો હતો. નવેમ્બરમાં તેણે હરણિયાનું ઑપરેશન કરાવ્યું હતું જેને લીધે તે મેદાનથી દૂર રહ્યો છે.
મોહમ્મદ સિરાજના સ્થાને લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ પર સિલેક્ટરોએ કળશ ઢોળ્યો છે.

ભારતીય ટીમઃ

રોહિત શર્મા (કૅપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને