Man arrested for defrauding 10 investors of Rs 47 lakh IMAGE BY HINDUSTAN TIMES

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શૅરબજારમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે અનેક નાગરિકો પાસેથી કરોડો રૂપિયા પડાવી કથિત ઠગાઈ કરવાના ઑનલાઈન ફ્રોડના રૅકેટ સાથે સંકળાયેલા 11 આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. ગોવાથી પકડાયેલા છમાંથી ત્રણ આરોપી કમ્બોડિયા અને નેપાળમાંથી રૅકેટ ચલાવનારા સૂત્રધારોના સંપર્કમાં હતા અને છેતરપિંડીની રકમ પ્રાપ્ત કરવા માટે તેમને 150 બૅન્ક ખાતાં અને અસંખ્ય સિમ કાર્ડ પૂરાં પાડ્યાં હતાં. આ ઠગાઈમાંથી દોઢથી બે કરોડ રૂપિયાનું કમિશન મેળવનારા મુખ્ય આરોપીઓએ લક્ઝુરિયસ કાર્સ અને બંગલો ખરીદ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

ડોંગરી પોલીસના જણાવ્યા મુજબ સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશન નજીકની સૌદા હાઈટ્સમાં રહેતા અને નોકરીમાંથી નિવૃત્ત થયેલા રવિરાજ કાંબળી (60)એ 6 ઑગસ્ટ, 2024ના રોજ નોંધાવેલી ફરિયાદને આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રતિષ્ઠિત બ્રોકર કંપનીના નામે બનાવટી ઍપ બનાવીને તેની મદદથી કાંબળીને છેતરવામાં આવ્યો હતો. શૅરબજારમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે કાંબળીને 8.56 લાખ રૂપિયા બૅન્ક ખાતામાં ટ્રાન્સફર કરવાની ફરજ પડાઈ હતી.

તપાસ દરમિયાન પોલીસે ઠગાઈ માટે જે બૅન્ક ખાતાનો ઉપયોગ થયો હતો તેના નોડલ ઑફિસર પાસેથી માહિતી મેળવી હતી. માહિતીને આધારે પોલીસે સૌપ્રથમ ગૌતમ દાસ (48) અને શ્રીનિવાસ રાવ (36)ને પકડી પાડ્યા હતા. ત્યાર બાદ મુંબઈ સેન્ટ્રલ, સાતારા અને પુણેથી વધુ ત્રણ આરોપીની ધરપકડ કરાઈ હતી. તેમણે આપેલી માહિતી પરથી ગોવા પોલીસની મદદથી વધુ છ આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા.

https://twitter.com/i/status/1887852752195514382

આ પણ વાંચો : નવી મુંબઈમાં એનસીબીનો સપાટો, 200 કરોડ રુપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું

ગોવાથી પકડાયેલા આકાશ દુસાને (29), દિનેશ તાયડે (30) અને મોહમ્મદ રાજિક પટેલ (26) કમ્બોડિયા અને નેપાળમાં હાજર આ રૅકેટના સૂત્રધારોના સંપર્કમાં હતા. સમયાંતરે ત્રણેય જણ કમ્બોડિયા અને નેપાળમાં જઈ સૂત્રધારો સાથે ચર્ચા પણ કરતા હતા. આ રૅકેટ ચલાવવા મુખ્ય બે આરોપીએ તેમના સાથીઓ અને અન્ય નાગરિકોને નાણાં પૂરાં પાડી બૅન્ક ખાતાં વેચાતાં લીધાં હતાં. લગભગ 150 બૅન્ક ખાતાં અને અનેક સિમ કાર્ડ સૂત્રધારોને પૂરાં પાડવામાં આવ્યાં હોવાનું તપાસમાં જણાયું હતું.

પકડાયેલા આરોપીઓને ઑનલાઈન ફ્રોડથી પ્રાપ્ત કરેલી રકમમાંથી નક્કી કરેલું કમિશન મળતું હતું. મુખ્ય બે આરોપીને તો દોઢથી બે કરોડ રૂપિયાનું કમિશન મળ્યું હતું, જેમાંથી તેમણે મોંઘીદાટ કાર અને બંગલો ખરીદ્યા હોવાનું તપાસમાં જણાયું હતું. પોલીસે આરોપીઓ પાસેથી 16 મોબાઈલ ફોન, પાંચ લૅપટોપ અને 50 લાખ રૂપિયાની જેગ્વાર કાર સહિત બે કાર જપ્ત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને