મુંબઈ: સુપરસ્ટાર સલમાન ખાનની તેના પનવેલ ખાતેના ફાર્મહાઉસ નજીક હત્યા કરવાના બિશ્ર્નોઈ ગૅન્ગના કથિત કાવતરામાં સામેલ બે આરોપીને બૉમ્બે હાઈ કોર્ટે શુક્રવારે જામીન આપ્યા હતા.
જસ્ટિસ એન. આર. બોરકરે ગૌરવ ભાટિયા ઉર્ફે સંદીપ બિશ્ર્નોઈ અને વસ્પી મેહમુદ ખાનની જામીન અરજી મંજૂર કરી હતી. જોકે વિગતવાર આદેશ તાત્કાલિક પ્રાપ્ત થયો નહોતો.
નવી મુંબઈ પોલીસે દાવો કર્યો હતો કે ગયા વર્ષે પકડાયેલા આ બે આરોપી સહિત અન્ય આરોપીઓએ સલમાન ખાનના પનવેલના ફાર્મહાઉસની રૅકી કરી હતી. એ સિવાય સલમાનના નિવાસસ્થાન આસપાસના બાન્દ્રા પરિસર અને તેની ફિલ્મના શૂટિંગ લૉકેશનની પણ રૅકી કરવામાં આવી હતી.
આ પ્રકરણે નવી મુંબઈ પોલીસે બોલીવુડના સ્ટારની હત્યાનું કાવતરું ઘડવા પ્રકરણે લૉરેન્સ બિશ્ર્નોઈ ગૅન્ગના 18 સભ્ય વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
આ પણ વાંચો : જામનગર મૉલમાં સલમાન ખાનને જોઇને લોકો….
એપ્રિલ, 2024માં બિશ્ર્નોઈ ગૅન્ગના બે સભ્યએ બાન્દ્રાના ગૅલેક્સી એપાર્ટમેન્ટ બહાર ગોળીબાર પણ કર્યો હતો.
આ કેસમાં ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈ, તેના ભાઈ અનમોલ, સંપત નેહરા, ગોલ્ડી બ્રાર અને રોહિત ગોધારાનાં નામ આરોપી તરીકે એફઆઈઆરમાં નોંધવામાં આવ્યાં હતાં, જેમાંથી લૉરેન્સ બિશ્ર્નોઈ હાલમાં અમદાવાદની જેલમાં છે.
સલમાન પર હુમલા માટે એકે-47 રાઈફલ પ્રાપ્ત કરવા એક આરોપી પાકિસ્તાનની એક વ્યક્તિના સંપર્કમાં હતો. હુમલા પછી આરોપીઓ શ્રીલંકા ફરાર થતાં પૂર્વે ક્ધયાકુમારીમાં ભેગા થવાના હતા, એમ પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને