surya kumar yadav and ajinkya rahane batting Credit : PTI

કોલકાતાઃ એક તરફ રવિવારે રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય વન-ડેમાં 32મી સદી ફટકારવાની સાથે પાછો ફૉર્મમાં આવી ગયો ત્યાં બીજી તરફ આજે ડોમેસ્ટિક ક્રિકેટમાં સૂર્યકુમાર યાદવ (70 રન, 86 બૉલ, બે સિક્સર, આઠ ફોર) રણજી ટ્રોફીની ઇનિંગ્સની મદદથી ફરી ફૉર્મમાં આવ્યો છે. તેણે આજે અહીં ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈને કૅપ્ટન અજિંક્ય રહાણે (88 નૉટઆઉટ, 142 બૉલ, દસ ફોર) હરિયાણા સામેની ક્વૉર્ટર ફાઇનલમાં વિજયની દિશામાં લાવી દીધું હતું.

Also work : વિરાટ પાછો સસ્તામાં આઉટ થઈ ગયો એટલે ચાહકોની સનકી ગઈ…

PTI

પાંચ દિવસની આ ક્વૉર્ટર ફાઇનલમાં પ્રથમ દાવમાં 14 રનની સરસાઈ લેનાર મુંબઈની ટીમે આજે ત્રીજા દિવસે રમતના અંત સુધીમાં ચાર વિકેટે 278 રન બનાવ્યા હતા. રહાણે સાથે શિવમ દુબે 30 રને રમી રહ્યો હતો.

સૌથી વિશેષ બાબત એ છે કે સૂર્યકુમાર અને રહાણે વચ્ચે ચોથી વિકેટ માટે 129 રનની ભાગીદારી કરી હતી. રહાણે તેની આગવી સ્ટાઇલમાં ધીમી ગતિની, પરંતુ અસરદાર ઇનિંગ્સ રમ્યો હતો, જ્યારે સૂર્યાએ તેની આગવી સ્ટાઇલમાં રમીને પ્રેક્ષકોને ખુશ કરી દીધા હતા અને તેની એ ઝલક હરિયાણાના ખેલાડીઓએ પ્રત્યક્ષ જોઈ હતી.

રહાણે-સૂર્યાએ જોતજોતામાં મુંબઈને 200-પ્લસનો સ્કોર અપાવીને વિજયની દિશામાં મૂકી દીધું હતું. સોમવારની રમતને અંતે મુંબઈની ટીમ સરસાઈ સહિત 292 રનથી આગળ હતી. એ પહેલાં, મુંબઈના શાર્દુલ ઠાકુરે (18.5-3-58-6) હરિયાણાના પહેલા દાવમાં નીચલી હરોળના બૅટર્સની ટપોટપ વિકેટ પાડી હતી.

મુંબઈના સ્પિનર તનુષ કોટિયન અને શમ્સ મુલાનીએ બે-બે વિકેટ લીધી હતી. મુંબઈના પ્રથમ દાવના 315 રનના જવાબમાં હરિયાણાની ટીમ કૅપ્ટન અંકિત કુમારના 21 ફોરની મદદથી બનેલા 136 રન છતાં 301 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી.

બીજી ક્વૉર્ટરમાં સૌરાષ્ટ્રએ 216 રન બનાવ્યા બાદ ગુજરાતે ત્રીજા દિવસે જયમીત પટેલ (103 રન, 171 બૉલ, અગિયાર ફોર), વિકેટકીપર ઉર્વિલ પટેલ (140 રન, 197 બૉલ, ચાર સિક્સર, સત્તર ફોર) તેમ જ મનન હિંગરાજિયા (83 રન, 219 બૉલ, એક સિક્સર, આઠ ફોર) અને રવિ બિશ્નોઈ (45 રન, 50 બૉલ, બે સિક્સર, પાંચ ફોર)ની ઇનિંગ્સની મદદથી 511 રન બનાવીને 295 રનની સરસાઈ લીધી હતી.

સૌરાષ્ટ્રના ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પાંચ અને ચિરાગ જાનીએ ચાર વિકેટ લીધી હતી. ત્રીજા દિવસની રમતને અંતે સૌરાષ્ટ્રનો સ્કોર વિના વિકેટે 33 રન હતો.

Also work : ચેમ્પિયન ટ્રોફીમાં સુરક્ષા માટે પાકિસ્તાનની સરકારે લીધો મોટો નિર્ણયઃ સેના અને રેન્જર્સનો ઉપયોગ કરવામાં આવશે

ત્રીજી ક્વૉર્ટરમાં કેરળ સામે જમ્મુ-કાશ્મીરની ટીમ 179 રનથી આગળ હતી. ચોથી ક્વૉર્ટરમાં તામિલનાડુ સામે વિદર્ભની ટીમ 297 રનથી આગળ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને