-મહેશ્વરી
નાટક – કોરી આંખો ભીના હૈયા
મનુષ્ય તેના જીવનકાળમાં વિવિધ પ્રકારની વ્યક્તિના સંપર્કમાં આવતો હોય છે. દરેક પાસેથી કંઈ ને કંઈ શીખવા મળતું હોય છે. જીવનમાં શું કરવું જોઈએ એ સમજાવતા અનેક લોકો નજર સામે આવતા હોય છે. સાથે સાથે શું ન કરવું એ શીખવી જતા લોકો પણ હોય છે. રંગભૂમિ પર પગ મૂક્યો ત્યારે એક શીખ મળી હતી કે `આજીવન વિદ્યાર્થી રહેવાનું, કારણ કે શીખવાની કોઈ મર્યાદા નથી હોતી.’ આ વિચારને હું કાયમ વળગી રહી અને પ્રમાણિકપણે કહું છું કે અભિનેત્રી તરીકેના અને મારા વ્યક્તિત્વ વિકાસમાં આ વૃત્તિ મને મદદરૂપ થતી આવી છે. આજે 83 વર્ષની ઉંમરે બહાર જવાનું કે લોકોને મળવા કરવાનું ઘટી ગયું છે, પણ જ્યારે જ્યારે કોઈ સાથે મુલાકાત થાય, પરિચય થાય ત્યારે એમાંથી કશુંક શીખવા મળ્યા કરે છે. આવા જ એક અનન્ય અનુભવની વાત મેં આ લેખને અંતે કરી છે.
સેનેટોરિયમ ફરતા રહેવાનો અને 11 – 11 મહિના કોન્ટે્રક્ટ કરી ભાડાના ઘરમાં રહેવાનું અને પછી ફરી નવું ઘર ગોતવાનું એ ક્રમથી હું અને બાળકો કંટાળી ગયાં હતાં. બાળકો પણ હવે મોટાં થઈ ગયાં હતાં અને દીકરાનું ભણવાનું અને દીકરીઓ તો ભણતર ઉપરાંત કામ પણ કરતી હોવાથી વારંવાર ઘર બદલવાનો તેમને ત્રાસ લાગતો હતો. દરમિયાન કોઈના કહેવાથી, કોઈની ભલામણથી મેં એક બિલ્ડરના નવા બાંધકામમાં મેં એક ગ્રાઉન્ડ ફ્લોરનો ફ્લેટ બુક કર્યો. મારે પણ એક ઘર હોય' એ પૃથ્વી પર વસતા દરેક માનવીનું સપનું હોય છે. જોકે, મુંબઈ શહેરમાં એ સપનું સાકાર થતા નાકે દમ આવી જાય છે. ઘર લખાવી તો દીધું, પણ બિલ્ડરને શરૂઆતમાં તો ચોક્કસ રકમ ચૂકવી દેવી પડે. અને હું તો હતી ઠણઠણગોપાલ. મારી પાસે પૈસા તો હતા નહીં. કરવું શું? અહીં પણ વિનુભાઈ મદદે આવ્યા. તેમણે એક આઈડિયા આપ્યો કે સંભારણાંનો એક શોનું આયોજન કરીએ. શોની જાણકારી આપતી જાહેર ખબરમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું કેમહેશ્વરી બહેન માટે ઘર લેવાનું હોવાથી આ શો રાખવામાં આવ્યો છે.’ આમ કરવાનો ફાયદો એ થયો કે મસ્જિદ બંદરના મોટા મોટા હોલસેલ વેપારીઓની અભિવાદન ટ્રસ્ટ' નામની એક સંસ્થા હતી. એ સંસ્થાએ ઘણી ટિકિટો ખરીદી લીધી. એ સમયે ગુજરાતી વેપારી વર્ગ પણ જૂની રંગભૂમિનાસંભારણાં’ શો જોવા આવતો હોવાથી બધા મને નામથી ઓળખતા હતા. મારો અભિનય અને મેં ગાયેલાં ગીતો પણ તેમને પસંદ હતાં. એટલે વિનુભાઈના સૂચનથી હું મસ્જિદ બંદર વેપારીઓની દુકાને ટિકિટોના વેચાણ માટે જવા લાગી. વેપારીઓએ મને ઉમળકાથી સહકાર આપ્યો અને ટિકિટો ખરીદવા લાગ્યા. શો થયો, હાજર પ્રેક્ષકોને બહુ આનંદ આવ્યો. તમે નહીં માનો, પણ થિયેટરની બહાર મારા બાળકોને પિગી બેંક (બાળકોનું પૈસા બચાવવાનું સાધન) સાથે ઊભા રાખ્યા હતા. આ કાર્યક્રમને કારણે મને 80 હજાર રૂપિયા મળ્યા. આજની તારીખમાં આ રકમ મામૂલી લાગે પણ 40 વર્ષ પહેલા આ ખાસ્સી મોટી રકમ હતી.
આ શો મારા જીવનનું અનન્ય સંભારણું છે. પ્રેક્ષકોને નાટક માટે, નાટકના કલાકારો માટે કેવો અનહદ પ્રેમ – લગાવ હોય છે એ મેં તે દિવસે જોયું – અનુભવ્યું. આજે જ્યારે અમિતાભ બચ્ચન જેવા મહાન કલાકારો તેમના શોમાં પ્રેક્ષકોનો પાડ માને છે એ વાત સાવ સાચી છે. પ્રેક્ષકો થકી જ કલા અને કલાકારનો ઉદય થઈ વિકાસ થાય છે. `મહેશ્વરી બહેન માટે ઘર લેવાનું છે’ એ રજૂઆત એવી ધારદાર સાબિત થઈ કે શો માત્ર હાઉસફુલ ન થયો, બેસવા માટે સીટ ન મળી એ લોકોએ પૈસા આપી ઊભા રહીને આખો શો જોયો અને માણ્યો. કેટલાક લોકો તો સ્ટેજ પર આવી પૈસા મૂકી જતા હતા. કલાકારના સુરક્ષિત ભવિષ્ય માટે કેવી દરકાર. પ્રેક્ષકોના પ્રેમનું આ એક એવું શિખર હતું જેની ટોચ પર પહોંચવાનું નસીબ બધા કલાકારના જીવનમાં નથી હોતું. એ સમયે તો આવા ઈવેન્ટ રેકોર્ડ કરવાની સુવિધા સહજપણે ઉપલબ્ધ નહોતી, પણ મારી આંખો સમક્ષ આજે પણ એ બધું તરવરે છે ત્યારે હું ભાવવિભોર થઈ જાઉં છું અને પ્રેક્ષકોને મનોમન વંદન કં છું. એમના અસીમ પ્રેમને કારણે જ ઘર વિનાની મહેશ્વરી ઘરની માલિક બની.
ફ્લેટ બુક કરાવવા ગઈ ત્યારે પૈસા ભરો એ સાંભળી બિલ્ડર પાસેથી હું વિલા મોઢે-નત મસ્તકે પાછી ફરી હતી અને આજે એ જ મહેશ્વરી ઉન્નત મસ્તકે બિલ્ડર પાસે પહોંચી ગઈ. મારો ખુશખુશાલ ચહેરો જોઈ બિલ્ડરે કહ્યું કે પૈશ્યાંચી સોઈ ઝાલી દિસતંય' (પૈસાની વ્યવસ્થા થઈ ગઈ લાગે છે). હું હસી પડી અને બે હાથ જોડી આકાશ તરફ ઈશારો કર્યો. તેમણે પણ કહ્યું કેહા, ઈશ્વર સહુની રક્ષા કરે છે.’
ભક્તો ભલે હાથ જોડે, કહેવાય તો પગે લાગ્યા!
ગયા હપ્તામાં ગણપતિ દાદાના દર્શન માટે સિદ્ધિવિનાયક મંદિરની લાઈનમાં ઊભી હતી ત્યારે થયેલા અનુભવનો અછડતો ઉલ્લેખ કર્યો હતો. આજે એ વાત વિગતે કં છું. હાથ અને પગની એક બહુ જ મજેદાર વાત લાઈનમાં મારી આગળ ઊભેલા એક બહેને મને કરી જે તમારી સાથે શેર કં છું. વાતને ચાલીસેક વર્ષ વીતી ગયા હોવા છતાં શબ્દશ: યાદ છે. મને ખાતરી છે કે વાચકોના હૃદયમાં પણ અંકિત થઈ જશે. એ બહેને કરેલી વાત આ પ્રમાણે છે: કોઈ મંદિરમાં આરતી ટાણે અનેક ભક્તજનો હાથ જોડી ઈશ્વર સમક્ષ નત મસ્તક ઊભા હતા. બધાનું ધ્યાન જોડાયેલા હાથ પર હતું. નરસિંહ મહેતાના પદ જળકમળ છાંડી જા ને બાળા'માં પણ શ્રીકૃષ્ણ જ્યારે કાળીનાગને નાથે છે ત્યારે નાગણ વિલાપ કરે છે અનેબેઉ કર જોડી વિનવે સ્વામી, મૂકો અમારા કંથને’ અને ભગવાન નાગને છોડી મૂકે છે. અહીં પણ કર એટલે કે હાથનો મહિમા વર્ણવ્યો છે. આમ સર્વત્ર હાથનો મહિમા ગવાતો હોવાથી અકળાયેલા ચરણ – પગ ભગવાનના દરબારમાં ફરિયાદ કરે છે. પગ કહે છે કે હે પ્રભુ દૂર દૂરથી મુસીબત ઉઠાવી, જહેમત કરી તારા શ્રદ્ધાળુ ભગતને મંદિર સુધી પહોંચાડવાનું કષ્ટ હું ઉઠાવું, બધી મહેનત કં હું પણ તારી સમક્ષ તો જોડાય બે હાથ જ. હાથ જોડવાનો મહિમા એવો અનન્ય છે કે પગની ઉઠાવેલી જહેમત કોઈને યાદ પણ નથી આવતી. આવું કેમ પ્રભુ? મારી સાથે અન્યાય કેમ?' પગની ફરિયાદ સાંભળી પ્રભુના ચહેરા પર સ્મિત ફરક્યું અને તેમણે પગને એટલું જ કહ્યું કે ભલે ભક્તજનો મારી સામે હાથ જોડે, પણ કહેવાશે તો એમ જ કેપગે લાગ્યા.’ કેવી અદભુત વાત છે. ઉદ્યમનું મૂલ્ય છે જ, કદાચ આપણને દેખાતું નથી અથવા આપણે સમજી નથી શકતા. અન્યાયની ફરિયાદ કરતા લોકો કાં તો ન્યાય દેખી નથી શકતા અથવા સમજી નથી શકતા. એક સામાન્ય મહિલાએ કહેલા આ પ્રસંગે કેવી અનન્ય શીખ આપી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને