કચ્છઃ 24 વર્ષ પહેલા 51મા પ્રજાસત્તાક પર્વની દેશમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી હતી ત્યારે દિવસે વર્ષ ૨૦૦૧માં સવારે ૮ અને ૪૬ મિનિટે વિનાશક ભૂકંપ આવ્યો હતો જે આજે દુનિયાના ધરતીકંપને લગતા તમામ સંશોધનોમાં ‘ભુજ અર્થકવેક’ તરીકે ઓળખાય છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉ તાલુકાના ચોબારી ખાતે નોંધાયું હતું.આ મહાવિનાશક ભૂકંપ ૯૦ સેકન્ડ સુધી ચાલ્યો હતો અને તે જમીનથી માત્ર ૧૭.૪ કિલોમીટર જેટલો ઊંડો હોઈ,તેણે મચાવેલી તબાહીના દ્રશ્યો હજુ આજે પણ લોકોની નજર સમક્ષ તરવરી રહ્યાં છે.
આ પણ વાંચો : અદ્ભુત…! જામનગરમાં ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ ટીમના શ્વાસ થંભાવી દેતા કરતબ, જુઓ વિડીયો
ભૂકંપ આવ્યા બાદ ગણતરીની મિનિટોમાં બહાર નીકળનારા લોકોને રસ્તામાં ઠેર-ઠેર હાથગાડીમાં મૃતકો કે ઘાયલોને લઇ જતા સ્વજનો જોવા મળતા હતા. એ દિવસે ભુજનું ન્યુનતમ તાપમાન ૭ ડિગ્રી સે. હતું અને લોકો પોત-પોતાના ખંડેર બની ચૂકેલા મકાનોની બહાર તંબુઓમાં રહેવા મજબૂર બન્યા હતા. દિવસો સુધી કાટમાળના ઢગલે ઢગલા, બેચેની અને અજંપાની લાગણી ઉભી કરી જતા હતા. આ ધરતીકંપમાં ભુજની રાજાશાહી જમાનાની જ્યુબિલી હોસ્પિટલનું હેરિટેજ મકાન પણ ધરાશાયી થયું હતું અને આ સ્થળની તત્કાલિન અમેરિકન પ્રમુખ બિલ ક્લિન્ટને પણ મુલાકાત લીધી હતી. દુઃખની વાત એ છે કે જ્યુબિલી હોસ્પિટલનું મકાન છેલ્લા બે દાયકાથી એ જ સ્થિતિમાં ઉભું છે.
આ ગોઝારા ભૂકંપની સૌથી કરુણ ઘટના કચ્છના અંજાર ખાતે બનવા પામી હતી. જેમાં અંજારના ખત્રી ચોક ખાતે બનેલી દુઃખદ ઘટનામાં સાંકડી ગલીના બન્ને ભાગમાં આવેલી ઇમારતો ધ્વસ્ત થઇ જતાં તેમાં ૧૮૪ જેટલાં બાળકો અને ૧૮ શિક્ષકો અને બે પોલીસકર્મીઓના મોત થયાં હતાં. માત્ર અંજારમાં ૨૦૦૦ જેટલા લોકોના મોત નીપજ્યાં હતાં અને ૬૦૦૦ પરિવારો ઘર વિહોણાં બન્યાં હતાં.
ઘટનાને યાદજ કરતાં રતનલાલ ગામના રહેવાસીએ જણાવ્યું, 26 જાન્યુઆરી, 2001ના રોજ તેઓ સવારે દૂધ આપવા નીકળ્યા હતા. અંજારથી તેમના ગામ પરત ફરી રહ્યા હતા. બસની અંદર ઝટકાનો ઓછો અનુભવ થયો હતો પરંતુ બસ જેવી ઉભી રહી કે સમજાયું ભૂકંપ આવ્યો છે. અંજાર પહોંચીને જોયું તો બિલ્ડીંગો, મકાનો કાટમાળમાં ફેરવાઈ ગયા હતા. ચારેબાજુ લોકો આક્રંદ કરતા હતા, કોઈને કંઈ સમજાતું નહોતું. પગપાળા ચાલીને ભુજ હાઇવે પર પહોંચ્યો અને ત્યાંથી ગામ રતનલાલ પહોંચ્યો હતા. ગામમાં પણ તબાહી જ હતી. લોકોના મકાન પડી ગયા હતા. મોરબથી ભુજને જોડતો રોડ તૂટી ગયો હતો. જેનાથી બચાવ કામગીરીમાં પરેશાની થઈ હતી.
તેઓ કહે છે કે ભૂકંપની આ ઘટના હું ક્યારેય નહીં ભૂલી શકું. જ્યારે લોકોએ રાષ્ટ્રીય ધ્વજને ફરકાવીને સલામી આપી હતી અને બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ કરવાની તૈયારીમાં હતા ત્યારે ભૂકંપ આવ્યો હતો અને થોડીજ વારમાં બધું તહસ નહસ થઈ ગયું હતું.
અન્ય એક વ્યક્તિએ કહ્યું, તે સમયે હું ગામનો સરપંચ હતો. આ ઘટનામાંથી ઉભરવામાં લાંબો સમય લાગ્યો. આ વખતે થંડી વધારે પડી રહી છે, નહીંતો ભુજમાં આ દિવસે કોઈ ઉંઘતું પણ નથી. નાના બાળકો ઉંઘી ગયા હોય તો તેમને પણ જગાડવામાં આવે છે. વર્ષો સુધી મનમાં રહે તેવો આ ડર છે.
આ પણ વાંચો : આ પણ છે દેશભક્તિનો રંગઃ વડોદરાની આ દુકાન પણ સહભાગી છે સ્તંત્રતાની ચળવળમાં…
મોસાણા ગામના એક વ્યક્તિએ કહ્યું, હું એક ધ્વજવંદન કાર્યક્રમમાં હતો. મારા ખોળામાં મારો પૌત્ર હતો. પોણા નવ વાગ્યાની આસપાસ ધરતી હલી ત્યારે ખુરશીમાંથી હું નીચે પડી ગયો હતો. મેં મારા પૌત્રને છાતી સાથે ચાંપી દીધો હતો. થોડીવાર પછી ધરતી હલતી બંધ થઈ તેની થોડી મિનિટો સુધી કંઈ દેખાતું નહોતું. મકાનો ધરાશાયી થતાં ધૂળ એટલી ઉડી હતી કે લોકોને થોડીવાર માટે કંઈ દેખાયું નહોતું. તે પછીનું દ્રશ્ય આજીવન ન ભૂલાય તેવું હતું. ચારેબાજુ લોકોની ચીસો સંભળાતી હતી. આજે પણ આ દ્રશ્ય યાદ આવતાં થરથર કાંપી ઉઠીએ છીએ.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને