નવી દિલ્હી : અમેરિકાના(America)રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસમાં ગેરકાયદે વસવાટ કરતા અન્ય દેશના નાગરિકોને ડિપોર્ટ કરવાની શરૂઆત કરી છે. જેમાં એક અહેવાલ મુજબ અમેરિકાએ 18000 ભારતીયોની ઓળખ કરી છે જે અમેરિકામાં ગેરકાયદે રીતે વસવાટ કરે છે. જે અંતર્ગત અમેરિકાનું લશ્કરી વિમાન ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને ભારત પહોંચ્યું છે. જેમાં 104 ભારતીય ઇમિગ્રન્ટ્સ અમેરિકન C-147 વિમાન દ્વારા ભારત પહોંચ્યા હતા. આ વિમાન અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું છે. જ્યાં પોલીસ અને વહીવટીતંત્ર સતર્ક છે. અમૃતસરના ડેપ્યુટી કમિશનરે પુષ્ટિ કરી છે કે વિમાન બુધવારે બપોરે 1.59 વાગ્યે અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું.
ત્યાંથી સીધા ગુજરાત મોકલવામાં આવશે
આ અંગે એરપોર્ટ પર હાજર અમેરિકન દૂતાવાસના એક અધિકારીએ જણાવ્યું હતું કે વિમાનમાં કુલ 104 ભારતીયો હતા. જેમાં 79 પુરુષો અને 25 મહિલાઓનો સમાવેશ થાય છે. આમાં 13 બાળકો પણ છે. આ ભારતીયોમાંથી 33 લોકો ગુજરાતના છે જે અમૃતસર એરપોર્ટની અંદર રહેશે અને ત્યાંથી સીધા ગુજરાત મોકલવામાં આવશે.મળતી માહિતી મુજબ, અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોને મેક્સિકો-અમેરિકા સરહદ પરથી પકડવામાં આવ્યા હતા.તેઓ ભારત છોડીને ગયા હતા પરંતુ તેમણે ગેરકાયદે માર્ગે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.
આ વિમાનમાં ગુજરાતના 33, મહારાષ્ટ્રના 3 નાગરિક
ભારત પરત આવેલા આ વિમાનમાં પંજાબના 30, હરિયાણાના 33, ગુજરાતના 33, મહારાષ્ટ્રના 3, ઉત્તર પ્રદેશના 3 અને ચંદીગઢના 2 લોકો છે. યુએસ એરફોર્સનું સી-17 ગ્લોબમાસ્ટર વિમાન ટેક્સાસ નજીકના યુએસ મિલિટરી બેઝ પરથી અમેરિકામાં રહેતા ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને ઉડાન ભરી હતી .
આ પણ વાંચો : આજે 33 ગુજરાતીઓ ભારત પાછા ફરશેઃ ડંકી રૂટથી ગયા હતા અમેરિકા
ગેરકાયદે ઇમિગ્રન્ટ્સમાં મેક્સિકો પ્રથમ સ્થાને
ટ્રમ્પ સરકાર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવા લશ્કરી વિમાનોનો ઉપયોગ કરી રહી છે. આ અગાઉ, અમેરિકન લશ્કરી વિમાન દ્વારા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને ગ્વાટેમાલા, પેરુ અને હોન્ડુરાસ પણ મોકલવામાં આવ્યા હતા. ગેરકાયદે ઇમિગ્રન્ટ્સમાં મેક્સિકો પ્રથમ સ્થાને અને અલ સાલ્વાડોર બીજા સ્થાને છે.
વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે ભારત તપાસ કરી રહ્યું છે
ઉલ્લેખનીય છે કે, ગત મહિને ભારત સરકારે કહ્યું હતું કે ભારત હંમેશા અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા ભારતીય નાગરિકોને પાછા લેવા માટે તૈયાર છે. વિદેશ મંત્રી જયશંકરે કહ્યું હતું કે ભારત તપાસ કરી રહ્યું છે કે અમેરિકામાં કેટલા ભારતીયો ગેરકાયદે રીતે રહે છે અને તેમને પાછા મોકલી શકાય છે કે નહીં.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને