!["US constabulary officers utilizing precocious methods to place amerciable immigrants astatine a borderline checkpoint."](https://bombaysamachar.com/wp-content/uploads/2025/02/police-identify-illegal-immigrants.webp)
અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તામાં આવતાની સાથે જ સપાટો બોલાવ્યો છે અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ જ ક્રમમાં તેમણે ડંકી રુટ દ્વારા અમેરિકામાં પ્રવેશેલા 104 ભારતીયોને દેશનિકાલ કરીને ભારત પરત મોકલ્યા છે. અમેરિકન સરકારનું કેવું છે કે આવા ઘણા વધુ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને ઓળખીને દેશનિકાલ કરવામાં આવશે. દેશનિકાલ કરાયેલા બધા ભારતીય ઇમિગ્રન્ટ્સ જ્યારે ભારત પર ફર્યા ત્યારે તેમના હાથમાં હાથકડી અને પગમાં સાંકળો હતી. હવે સવાલ એ થાય છે કે શું ભારતમાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે અને શું આ બધા ઇમિગ્રન્ટ્સ ફરી ક્યારેય અમેરિકા કે વિદેશ જઈ શકશે? આવા અનેક પ્રશ્નો લોકોના મનમાં આવી રહ્યા છે. આપણે એ વિશે જાણીએ.
શું દેશનિકાલ થઈને ભારત ફરેલા ભારતીયો સામે ભારતમાં કોઈ કાર્યવાહી થશે?
નિષ્ણાતો જણાવે છે કે દેશનિકાલ કરાયેલા લોકોને ભારતમાં કોઈ પણ કાનૂની કાર્યવાહીનો સામનો કરવો નહીં પડે. જો કે, તેઓ અગર નકલી દસ્તાવેજો સાથે ડંકી રૂટથી ગયા હશે તો તેમની સામે પાસપોર્ટ એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે,પણ જો તેઓ માન્ય દસ્તાવેજના ઉપયોગ કરીને ગયા હશે તો તેમની સામે કોઈ કાર્યવાહી નહીં થાય. નિષ્ણાતો તો એમ પણ જણાવે છે કે આ બધા લોકો નકલી દસ્તાવેજો દ્વારા અમેરિકા ગયા હોય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે, કારણ કે આમાંના મોટા ભાગના લોકો ઓછા શિક્ષીત અને ગરીબ પરિવારોના છે. આવી સ્થિતિમાં આ લોકો ફરીથી પોતાના ગામ અને વિસ્તારોમાં પહેલાની જેમ જીવન જીવી શકશે. આ બાબતોના નિષ્ણાત એક વકીલે જણાવ્યું હતું કે દેશનિકાલ કરાયેલા ઇમિગ્રન્ટ્સ પર કાર્યવાહી થઈ શકતી નથી સિવાય કે તેઓ પાસપોર્ટ છેતરપિંડીમાં સંડોવાયેલા હોય.
શું આ લોકો ભવિષ્યમાં અમેરિકા પાછા જઈ શકશે?
બીજો મહત્વનો સવાલ એ પણ છે કે દેશનિકાલ કરાયેલા ભારતીયો શું ફરી ક્યારે અમેરિકા પાછા જઈ શકશે? તો એનો જવાબ ના છે. તમે જ્યારે વિઝા ફોર્મ ભરો છો ત્યારે તેમાં એક કોલમ હોય છે જેમાં પૂછવામાં આવે છે કે શું તમને ક્યારેય દેશનિકાલ કરવામાં આવ્યા છે એકવાર તમારા માથે દેશનિકાલ નું કલંક લાગી જાય પછી અમેરિકામાં તમને વિઝા મળતા નથી. અમેરિકાની વિઝાનીતિને અનેક દેશો અનુસરે છે. અમેરિકાની વિઝા નીતિને કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને વિશ્વના લગભગ 20 દેશો અનુસાર છે, તેથી આ ઇમિગ્રન્ટ્સ લોકોને હવે આ બધા દેશોમાં પણ પ્રવેશ નહીં મળે, પરંતુ આ લોકો માટે આશ્વાસન એ છે કે તેમની સામે ભારતમાં કોઈ કેસ નહીં નોંધાય કારણ કે તેમણે ગુનો ભારતમાં નથી કર્યો પરંતુ અમેરિકામાં કર્યો છે.
લોકોને ગેરકાયદે વિદેશ મોકલતી ટ્રાવેલ એજન્સી પર પસ્તાળ પડશેઃ-
ગેરકાયદે કોઇ પણ દેશમાં પ્રવેશેલા લોકોને દેશનિકાલ કરવાનો દરેક દેશને અધિકાર છે, પણ લોકોને ગેરકાયદે વિદેશ મોકલતા ટ્રાવેલ એજન્ટો પર પસ્તાળ પડવી જ જોઈએ જેમણે લાખો રૂપિયા લઈને ભોળાભાળા લોકો સાથે છેતરપિંડી કરી છે, એવું લોકોનું માનવું છે. આવી ટ્રાવેલ એજન્સીઓ વિદેશના જીવનનું ગુલાબી ચિત્ર બતાવે છે અને આ લોકોને સ્થળાંતર કરવા માટે લાખો રૂપિયા ચૂકવવાનું કહે છે. તેઓ તેમને બીજા દેશમાં ડંકી રુટથી લઈ જાય છે. ઘણી વખત તો તેઓને ખૂબ જ ખરાબ સ્થિતિમાં કન્ટેનરમાં મુસાફરી કરવી પડે છે. લોકો એ આશામાં આવા છળમાં ફસાય છે કે તેમને સારી નોકરી મળશે, સારું જીવન મળશે તેઓ સારું કમાશે અને જીવનમાં ઠરી ઠામ થશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને